Thu Oct 01 2026

Logo

ઉડાન, મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ જાત સુધરે તો જગત સુધરે રે લોલ...

2026-09-17 08:39:51
Author: Shweta Joshi Antani
ઉડાન, મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ જાત સુધરે તો જગત સુધરે રે લોલ...

શ્વેતા જોષી અંતાણી

`મમ્મી, તમે ખરેખર આ બધું કરવાના છો?'
અનન્યાએ બાલ્કનીમાંથી નીચે પાર્ક તરફ જોયું. રવિવારની સવાર હતી. સોસાયટીના મોટા ભાગના લોકો હજુ ઊંઘમાં હતા. કોઈ બાલ્કનીમાં ચા પી રહ્યું હતું, કોઈ અખબાર વાંચતું હતું અને કોઈની સવાર તો હજુ શરૂ જ નહોતી થઈ, પણ અનન્યાની મમ્મી હાથમાં એક મોટો કચરાનો થેલો લઈને તૈયાર ઊભી હતી.

`હા,' મમ્મીએ શાંતિથી કહ્યું, `અને તું પણ મારી સાથે આવશે.'
`પણ શા માટે? આપણે સફાઈવાળા નથી!' અનન્યાના અવાજમાં ગુસ્સા કરતાં વધારે અણગમો હતો. મમ્મી હસી. `સફાઈવાળા નથી એટલે કચરો ફેંકવાનું લાઇસન્સ પણ નથી મળતું.' અનન્યાએ આંખો ફેરવી. એને મમ્મીની આવી વાતો ઘણી વાર ગમતી તો ઘણી વાર ચીડ પણ ચડતી. એની મમ્મી સુહાસી હંમેશાં કંઈક અલગ જ કરતી. બીજાં માતા-પિતા પોતાનાં બાળકોને કહે કે સારા માર્ક્સ લાવો, સારી કૉલેજમાં ભણો, સારી નોકરી મેળવો. સુહાસી કહેતી, `તમે જે સમાજમાં રહો છો એની જવાબદારી પણ નિભાવતાં શીખો.'

અનન્યાને આ વાતો ક્યારેક બહુ મોટી ફિલોસોફી જેવી લાગતી. એ હજુ ટીનએજર હતી. એના માટે દુનિયા એટલે મિત્રો, સ્કૂલ, પરીક્ષા, મોબાઇલ, સાઇકલ પર ફરવું અને પોતાના વિશે બીજા લોકો શું વિચારે છે એના પર ધ્યાન આપવું. ખાસ કરીને એના મિત્રો. 

`મમ્મી, મારા ફ્રેન્ડ્સ જોઈ જશે તો મારી પર હસશે.'
`હસવા દે.'
`તમને કંઈ ફરક જ નથી પડતો!'
`એક દિવસ તને પણ નહીં પડે.'

થોડી વારમાં બંને પાર્કમાં પંહોચ્યાં. સુહાસી પ્લાસ્ટિકની થેલીઓ, ચૉકલેટના રેપર, ખાલી કપ, પાણીની બૉટલો અને કાગળો ભેગા કરવા લાગી. અનન્યા થોડે દૂર ઊભી રહી. ત્યાં જ એની બે ખાસ મિત્ર રિયા અને મિતાલી સાઇકલ ચલાવતી આવી પહોંચી.

`અરે અનન્યા!' રિયાએ હસીને કહ્યું, `આજે તું સફાઈ કર્મચારી બની ગઈ?' બન્ને મિત્ર ખડખડાટ હસી પડ્યાં. અનન્યાના ગાલ ગરમ થઈ ગયા. `ચુપ રહે,' એણે ધીમેથી કહ્યું.

`એ થેલો તારો છે?' મિતાલીએ મજાક કરી. અનન્યાએ કોઈ જવાબ આપ્યો નહીં. એ ક્ષણે એને પોતાની મમ્મી કરતાં પોતજાત પર વધારે ગુસ્સો આવ્યો. મમ્મી આવું કેમ કરે છે? અને હું તેમને રોકી કેમ નથી શકતી? આ પ્રશ્ન એને આખો દિવસ સતાવતો રહ્યો. આગળના થોડા દિવસો સુધી આ જ ચાલ્યું. સુહાસી અને અનન્યા દરરોજ સવારે પાર્ક સાફ કરતાં. શરૂઆતમાં લોકો તેમને આશ્ચર્યથી જોતા. પછી કેટલાક લોકો હસવા લાગ્યા.

`મૅડમ, આખો પાર્ક તમે જ સાફ કરી નાખશો?'
`આટલો બધો ઉત્સાહ ક્યાંથી આવે છે?'
`કચરો ભેગો કરીને શું મેડલ મળવાનો છે?'

આવું બધું અનન્યા બધું સાંભળતી અને અંદરથી તૂટી જતી. એને લાગતું કે મમ્મી જે કરી રહી છે એ ખોટું નથી, છતાં લોકોની નજર સામે ઊભા રહેવું તેને મુશ્કેલ લાગતું હતું. એક દિવસ એણે ગુસ્સામાં કહ્યું, `બસ કરો હવે. લોકો આપણી મજાક ઉડાવે છે.' સુહાસીએ હાથમાંનો કચરો થેલામાં નાખ્યો.

`અનન્યા, લોકો આજે હસે છે. કદાચ કાલે વિચારશે. અને જો કોઈ ના વિચારે તો પણ આપણે ખોટું તો નથી કરતા.' અનન્યા ચૂપ થઈ ગઈ. મમ્મીના શબ્દો તરત સમજાયા નહીં, પરંતુ એ રાત્રે પથારીમાં પડેલી અનન્યા લાંબા સમય સુધી એ જ વિચારતી રહી. `જો બધા લોકો માત્ર એટલા માટે સાચું કામ કરવાનું બંધ કરી દે કે લોકો શું કહેશે, તો પછી કંઈ બદલાશે કેવી રીતે?' આ વિચાર પહેલીવાર એના મનમાં ઊગ્યો હતો. ધીમે ધીમે એને મમ્મીનું કામ અલગ નજરે દેખાવા લાગ્યું. 

એક દિવસ પાર્કનાં પગથિયાં ઉતરતાં સુહાસી લપસી પડી. એના પગમાં ગંભીર ઈજા થઈ. હૉસ્પિટલમાં સુહાસીએ ધીમેથી કહ્યું, `હવે કદાચ આ સફાઈ અભિયાન થોડા દિવસ માટે બંધ કરવું પડશે.'

અનન્યાએ એની આંખોમાં પહેલીવાર નિરાશા જોઈ. એણે સુહાસીનો હાથ પકડી લીધો.
`મમ્મી, તમે ચિંતા ના કરો, હું સોસાયટી ગ્રુપમાં મેસેજ કરી દઉં છું...' સુહાસીએ નિરાશાથી માથું હલાવી સંમતિ આપી. બીજા દિવસે રવિવાર હતો. સવારે અનન્યા બાલ્કનીમાં ઊભી હતી. તેણે પાર્ક તરફ જોયું અને અચાનક એની આંખો પહોળી થઈ ગઈ. પાર્ક એકદમ સાફ હતો. ક્યાંય પ્લાસ્ટિક નહોતું. કાગળ નહોતાં. ખાલી કપ નહોતા.

`મમ્મી!' અનન્યા બૂમ પાડી. સુહાસી લંગડાતી બાલ્કની સુધી આવી. ત્યાં જ અચાનક સાઈકલની ઘંટડીઓ વાગવા લાગી. એક પછી એક લોકો પાર્કમાં ભેગા થવા લાગ્યા. રિયા હતી. મિતાલી હતી. સોસાયટીના વડીલો હતા. બાળકો હતા. ચોકીદાર હતો. જે લોકો પહેલાં મજાક કરતા હતા એ બધા આજે હાથમાં કચરાની થેલીઓ લઈને ઊભા હતા. એમણે પાર્ક સાફ કર્યો હતો. અનન્યાની આંખો ભીની થઈ ગઈ. અચાનક બધાએ એકસાથે હાથ ઊંચો કરીને સુહાસીને સલામ કરી. અનન્યાની આંખોમાં આંસુ આવી ગયા. એ દિવસે એણે શીખ્યું કે, સાચું કામ કરવા માટે હંમેશાં લકોની મંજૂરીની જરૂર પડતી નથી. ક્યારેક શરૂઆતમાં લોકો હસે, પ્રશ્ન કરે પણ અંતે એ જ લોકો સલામ કરે છે.

સમાજ બદલવા માટે હંમેશાં કોઈ મોટી ક્રાંતિની જરૂર નથી. ક્યારેક પરિવર્તન એક નાનકડા કચરાના ટુકડાથી શરૂ થાય છે અને ક્યારેક એક તરુણીના મનમાં જન્મેલો એક નાનકડો વિચાર આખી જિંદગીની દિશા બદલી નાખે છે.