બાકુ (અઝરબૈજાન): આ વખતની કૉમનવેલ્થ ગેમ્સમાં રેસલિંગ (કુસ્તી)ની હરીફાઈઓ નથી રાખવામાં આવી એટલે ભારતને ઓછા મેડલ મળી રહ્યા છે, પરંતુ અઝરબૈજાનમાં ગુરુવારે ભારતની મહિલા કુસ્તીબાજોએ કેટલાક મેડલ જીતીને એ ખોટ નહોતી વર્તાવા દીધી.
અઝરબૈજાનમાં આયોજિત ફ્રીસ્ટાઇલ કુસ્તી (Wrestling)ની અંડર-17 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતીય મહિલાઓએ અલગ કૅટેગરીમાં કુલ ત્રણ મેડલ જીતી લીધાં હતાં જેમાં એક સિલ્વર અને બે બ્રોન્ઝનો સમાવેશ હતો.
ભારતની મહિલા કુસ્તીબાજોએ અન્ય દેશોની પોતાનાથી ઘણી ચડિયાતી હરીફોને પરાસ્ત કરીને વિવિધ ચંદ્રકો પર કબ્જો કર્યો હતો.
57 કિલો વજનની કૅટેગરીમાં નિકિતા સેહરાવતે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ફાઇનલમાં અમેરિકાની એપનેસા એલિસન સામે નિકિતા (Nikita)નો 0-6થી પરાજય થતાં તેણે રજતચંદ્રકથી સંતોષ માનવો પડ્યો હતો.
49 કિલો વજનની કૅટેગરીમાં ભારતની કામના બાબલે (Babal) રશિયાની એરિના સાઈદીવાને ત્રીજા સ્થાન (બ્રોન્ઝ મેડલ) માટેના પ્લે-ઑફમાં 3-2થી પરાજિત કરીને કાંસ્યચંદ્રક જીતી લીધો હતો.
73 કિલોની કૅટેગરીમાં ભારતની ગરિમાનો મુકાબલો સ્પેનની પોઉલા બેનઈક્સા પરેઝ સામે હતો જેમાં ગરિમાએ ટેકનિકલ સિસ્ટમમાં ચડિયાતા પર્ફોર્મન્સ બદલ જીતીને કાંસ્યપદક મેળવી લીધો હતો.