Wed Aug 26 2026

Logo

ટ્વિશા શર્મા કેસમાં નવો આવ્યો વળાંકઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થઈ ગયું દૂધનું દૂધ અને પાણીનું પાણી

2026-05-20 18:36:17
Author: Mumbai Samachar Team
ટ્વિશા શર્મા કેસમાં નવો આવ્યો વળાંકઃ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થઈ ગયું દૂધનું દૂધ અને પાણીનું પાણી

ભોપાલઃ ભોપાલના બહુચર્ચિત ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં હવે એનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસ સુધી પહોંચી ગયો છે. સમગ્ર રિપોર્ટનો અભ્યાસ કરીને ભોપાલ પોલીસ કમિશનર સંજય કુમારે સ્પષ્ટતા કરી હતી કે, નોઈડાની રહેવાસી ટ્વિશા શર્માનો મૃત્યુકેસ હકીકતમાં એક આત્મહત્યાનો મામલો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાંથી સ્પષ્ટ થયું છે કે, મૃત્યુ પાછળનું કારણ તેમણે ફાંસી ખાઈ લીધી એ છે. પોલીસ હવે દરેક પાસાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આખરે કઈ સ્થિતિમાં ટ્વિશાએ અંતિમ પગલું ભર્યું? એવી તે કઈ મજબૂરી સામે આવી હતી કે ટ્વિશાએ જીવનને અકાળે અલવિદા કહી દીધું?

સામસામે આક્ષેપબાજી શરૂ

બારમી મેના ટ્વિશાની સાસુના ઘરે ટ્વિશાએ આ પગલું ભર્યું હતું. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે દરેક વિષય પર ઝીણવટભરી તપાસ શરૂ કરી દીધી હતી. વિવાદ એ શરૂ થયો કે, સાસુ અને પિયર પક્ષના લોકોએ સામસામે આક્ષેપબાજી શરૂ કરી દીધી હતી. પિયર પક્ષમાંથી એવા આરોપ મૂકવામાં આવ્યા કે, ટ્વિશાને માનસિક રીતે હેરાન કરવામાં આવતી અને શારીરિક અત્યાચાર કરવામાં આવતો હતો. દહેજના મામલે પણ એમને હેરાશ-પરેશાન કરવામાં આવતી. બીજી તરફ પોલીસ એના પતિ સમર્થસિંહની તપાસ કરી રહી છે. પોલીસના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે,પરિવાર બીજીવાર પોસ્ટમોર્ટમની માગ કરે છે તો પોલીસને એમની સામે કોઈ પ્રકારનો વાંધો નથી. 

પોલીસની તપાસ નિષ્પક્ષ છે

ટ્વિશાના પિતાએ એવો આરોપ લગાવ્યો હતો કે, આરોપીપક્ષા લોકો પોતાની કાયદાકીય વગનો ઉપયોગ કરીને સુરક્ષા મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા છે.આ વિષય પર પોલીસ અધિકારીએ સ્પષ્ટતા કરી કે તપાસ પર બાહરના કોઈ પરિબળની કોઈ અસર નથી. પોલીસ કોઈના દબાણમાં કામ કરતી નથી સ્વતંત્ર રીતે કેસની તપાસ આગળ વધી રહી છે.પોલીસ કમિશનરના ગાઈડન્સ અનુસાર આવા કેસમાં FIR નોંધવા માટે એક મહિનાનો સમય હોય છે પણ પોલીસે માત્ર બે દિવસમાં આ કામ પૂર્ણ કરીને તપાસ શરૂ કરી દીધી હતી. ફોરેન્સિક તપાસને લઈને અલગથી તપાસ ચાલી રહી છે. પોલીસ આ દરેક તપાસનો રિપોર્ટ તૈયાર કરી રહી છે. ફોરેન્સિક ટીમને આ અંગે કેટલીક વસ્તુઓ પણ મળી ચૂકી છે. જે અહીં આપેલા તર્ક સાથે બંધ બેસે છે. 

પતિને પકડવા માટે ટીમ બનાવી

ટ્વિશાના લગ્ન 2025માં સમર્થસિંહ સાથે થયા હતા. બન્ને વચ્ચે વર્ષ 2024માં મુલાકાત થઈ હતી. ડેટિંગ એપ્લિકેશનની મદદથી બન્ને એકબીજાથી નજીક આવ્યા હતા. સમર્થસિંહ નિવૃત જજ ગીરીબાલાસિંહનો પુત્ર છે, જ્યારથી ટ્વિશાનું મૃત્યુ થયું છે ત્યારથી સમર્થ ગાયબ છે. એમને પકડવા પોલીસે જુદી-જુદી ટીમ બનાવીને તપાસ શરૂ કરી દીધી છે. ભોપાલ પોલીસ આ સમગ્ર કેસમાં દરેક વિષયને ગંભીરતાથી લઈ રહી છે. જરૂરી પૂછપરછ બાદ આ અંગે પોલીસે જરૂરી એવી કાર્યવાહી પણ કરી દીધી છે.