Mon Oct 05 2026

Logo

એફડીએ કમિશનર તુકારામ મુંઢેનો ચોંકાવનારો ઘટસ્ફોટ, કહ્યું તમે તમારા ઘરનું  ફ્રિજ ખોલીને જુઓ...

2026-09-29 21:06:40
Author: Darshana Visaria
એફડીએ કમિશનર તુકારામ મુંઢેનો ચોંકાવનારો ઘટસ્ફોટ, કહ્યું તમે તમારા ઘરનું  ફ્રિજ ખોલીને જુઓ...

મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કડક અને નિષ્ઠાવાન કમિશનર તુકારામ મુંઢેએ ચાર્જ સંભાળ્યા બાદ રાજ્યભરમાં ભેળસેળિયાઓ અને નફાખોરો સામે સપાટો બોલાવ્યો છે. દૂધ, પનીર, માવો અને ખાદ્યતેલમાં થતી ભેળસેળ સામે તેમના દ્વારા હાથ ધરાયેલી બેધડક કાર્યવાહીથી સમગ્ર મહારાષ્ટ્રમાં મિલાવટખોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જોકે, આ બધા વચ્ચે તુકારામ મુંઢેનું એક સ્ટેટમેન્ટ ખૂબ જ વાઈરલ થઈ રહ્યું છે. 

તુકારામ મુંઢેના દરોડાની સીધી અસર એ થઈ છે કે હવે મીઠાઈઓ અને જલેબીમાંથી રાસાયણિક કલરો ગાયબ થવા લાગ્યા છે. તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે ફૂડ સેફ્ટી અને હોસ્પિટલોમાં દર્દીઓ પાસેથી વસૂલાતા 28 ટકા સુધીના અંધાધૂંધ નફાખોરી પર ચોંકાવનારા ઘટસ્ફોટ કર્યા છે.

ઘરનું ફ્રિજ ખોલશો તો એક્સપાયરી ડેટવાળા મસાલા મળશે 

તુકારામ મુંઢેએ ભારપૂર્વક જણાવ્યું કે આપણા દેશમાં સામાન્ય નાગરિકોમાં ખાદ્ય સુરક્ષાને લઈને ગંભીરતા અને સંવેદનશીલતાનો મોટો અભાવ છે. તેમણે સાચું ચિત્ર રજૂ કરતાં કહ્યું હતું કે આપણે માત્ર બહારની હોટેલો પર જ નજર રાખીએ છીએ, પરંતુ જો તમે તમારા ઘરનું ફ્રિજ ખોલીને જોશો તો તેમાં પણ એક્સપાયરી ડેટ પૂરી થઈ ગઈ હોય તેવા મસાલા, સોસ કે અન્ય ખાદ્યપદાર્થો વર્ષો સુધી સંગ્રહાયેલા જોવા મળશે. ફૂડ સેફ્ટીની શરૂઆત ઘરથી થવી જોઈએ.

હોસ્પિટલના મેડિકલ સાધનો પર 150 ટકાથી 2800 ટકાનો નફો

તુકારામ મુંઢેએ ખુલાસો કર્યો હતો કે હોસ્પિટલોમાં દર્દીઓની સારવાર અને સર્જરી માટે વપરાતા મેડિકલ સાધનો પર ખાનગી હોસ્પિટલો દ્વારા 150 ટકાથી લઈને 2800 ટકા સુધીનો અધધધ નફો વસૂલવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર સમક્ષ રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં આ લૂંટફાટને રોકવા અને મેડિકલ સાધનોની કિંમતો પર પ્રાઈસ કેપ નક્કી કરવા માટે મહારાષ્ટ્ર એફડીએ દ્વારા કેન્દ્ર સરકારને એક વિગતવાર પુરાવા સાથેનો અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે.

ફૂડ ડિલિવરી એપ્સ અને ડાર્ક સ્ટોર્સ માટે નવા નિયમોની જરૂર:

મુંઢેએ સ્પષ્ટ કર્યું કે ફૂડ સેફ્ટી એક્ટ જ્યારે 2006માં બન્યો હતો, ત્યારે દેશમાં Swiggy, Zomato જેવી ઓનલાઇન ફૂડ ડિલિવરી કે Blinkit/Zepto જેવા ડાર્ક સ્ટોર્સ (Dark Stores)નું કોઈ અસ્તિત્વ જ નહોતું. આજના બદલાતા ડિજિટલ યુગમાં ક્લાઉડ કિચન અને ડાર્ક સ્ટોર્સમાં સંગ્રહિત થતા ખોરાકની ગુણવત્તા તપાસવા માટે સ્વતંત્ર અને કડક નવી નિયમાવલી બનાવવી અત્યંત જરૂરી છે.

‘મુંઢે ઇફેક્ટ’: જલેબીનો પીળો રંગ ગાયબ, મોટી રેસ્ટોરન્ટ્સ પર તવાઈ

સામાન્ય જનતા માટે હાનિકારક કૃત્રિમ કલર્સ અને કેમિકલ્સના ઉપયોગ સામે તેમની ટીમે મોટાપાયે દરોડા પાડ્યા છે, જેથી હવે માર્કેટમાં મળતી જલેબી કે મીઠાઈઓ અગાઉની જેમ ભડકાઉ રંગોવાળી દેખાતી બંધ થઈ ગઈ છે. મોટી-મોટી ફાઇવ સ્ટાર હોટેલો અને બ્રાન્ડેડ રેસ્ટોરન્ટ્સના કિચનમાં પણ દરોડા પાડીને ગંદકી અને નિયમભંગ બદલ આકરા દંડ ફટકારવામાં આવ્યા છે.