નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આવતા મહિને મુલાકાત થઈ શકે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફ્રાન્સમાં યોજાનારી G7 સમિટ (શિખર સંમેલન)માં ભાગ લેવાના છે. 15 થી 17 જૂન દરમિયાન યોજાનારી આ બેઠક ફ્રાન્સના એવિયન-લેસ-બેન્સમાં યોજાશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોને પીએમ મોદીને આ G7 સમિટમાં આવવા માટે આમંત્રણ આપ્યું છે.
16 મહિના કરતાં પણ વધુ સમયગાળામાં આ પ્રથમ વખત બનશે જ્યારે પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામસામે મુલાકાત કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી G7 સમિટ (શિખર સંમેલન)માં ભાગ લેવા માટે ફ્રાન્સની મુલાકાતે જવાના છે. એજન્સીના જણાવ્યા અનુસાર, આ સમિટ 15 થી 17 જૂન દરમિયાન યોજાવાની છે.
આ મુલાકાત અંગે ગત દિવસોમાં પુષ્ટિ કરતા ફ્રાન્સના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડ્યું હતું. આ નિવેદનમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને ફ્રાન્સના યુરોપ અને વિદેશી બાબતોના મંત્રી જીન-નોએલ વચ્ચે થયેલી વાતચીતની મુખ્ય વિગતો આપવામાં આવી હતી. આ વાતચીત ફ્રાન્સના 'એબે ડે વો-દ-સેરને' (Abbaye des Vaux-de-Cernay) ખાતે યોજાયેલી G7 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન થઈ હતી.
ફ્રાન્સના સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "બંને મંત્રીઓએ એ વાતને આવકારી છે કે વડાપ્રધાન મોદીએ એવિયન (Evian) શિખર સંમેલનમાં પોતાની ભાગીદારીની પુષ્ટિ કરી દીધી છે. આ બાબતને ધ્યાનમાં રાખતા, બંને મંત્રીઓએ G7 ના કાર્યોમાં ભારતના યોગદાન પર ભાર મૂક્યો હતો."
જો કે, ભારત G7 નું સભ્ય નથી, તેમ છતાં ફ્રાન્સે તેને એક ભાગીદાર દેશ તરીકે આમંત્રિત કર્યું છે.
ફેબ્રુઆરી 2025માં મળ્યા હતા મોદી-ટ્રમ્પ
ટ્રમ્પ વચ્ચે છેલ્લી મુલાકાત ફેબ્રુઆરી 2025માં વોશિંગ્ટન ડીસીમાં થઈ હતી. તે સમયે વડાપ્રધાન મોદી, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના બીજા કાર્યકાળની શરૂઆત પછી અમેરિકાના સત્તાવાર પ્રવાસે ગયા હતા. વ્હાઇટ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે અંદાજે ચાર કલાક સુધી વાતચીત થઈ હતી. તે બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા, વેપાર કરારો અને વ્યૂહાત્મક ભાગીદારી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ સંયુક્ત રીતે મીડિયાને પણ સંબોધન કર્યું હતું.
હવે ફ્રાન્સમાં યોજાનારી સંભવિત મુલાકાતને ઘણી રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એક તરફ દુનિયામાં એઆઈ (AI) અને ટેકનોલોજીની સ્પર્ધા ઝડપથી વધી રહી છે, તો બીજી તરફ ચીનને લઈને અમેરિકા અને તેના સહયોગી દેશોની વ્યૂહરચના પણ બદલાઈ રહી છે. આવી સ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચેનો સહયોગ એક નવી દિશા લઈ શકે છે.