મિજાજ મસ્તી - સંજય છેલ
ટાઈટલ્સ:
દરેક માણસના દિલમાં ખોવાયેલ રમકડું વસે છે. (છેલવાણી)
9 વર્ષની ‘અમારા’ નામની અનાથ છોકરી સીરિયન રેફૂયજી કેમ્પમાં ‘નૂર’ નામની તૂટેલીફાટેલી ઢીંગલીને દિનરાત છાતીએ વળગાડીને ફરતી. ‘નૂર’ એટલે ‘પ્રકાશ’. ખુદ ઢીંગલી જેવી ‘અમારા’ માટે, ઢીંગલી ‘નૂર’ જ એકમાત્ર સ્વજન. કેમ્પની કાળમીંઢ ઓરડીમાં દિન-રાત અમારા એનો ડર, એની આશા-અરમાનો વિશે ઢીંગલી સાથે વાતો કરતી. ત્યાં કેમ્પમાં એક સ્વયંસેવિકાએ અમારાની ઢીંગલી સાથેની વાતો સાંભળી અને ઢીંગલી પરનો માસૂમ પ્રેમ જોયો. પછી સ્વયંસેવિકાએ ઢીંગલી માટે એક નવો ડ્રેસ આપ્યો જેનાં પર ચિનારના વૃક્ષનું પાંદડું ટાંકેલું. અમારાએ ઢીંગલીને નવા કપડાંમાં શણગારી અને અમારાનો ચહેરો, ભીની પાંપણે ખીલી ઉઠ્યો! એક ફોટોગ્રાફરે અમારાની આનંદની એ ક્ષણને કેમેરામાં ઝડપી. પછી એ ફોટો, ફેસબૂક, ટ્વિટર વગેરે સોશ્યલ મીડિયામાં વાઇરલ થઈ ગયો ને દુનિયાભરનાં દિલોને સ્પર્શી ગયો. એ ફોટો જોઈને કેનેડિયન પરિવારે અનાથ અમારાને દત્તક લેવાની ઓફર મૂકી. મહિનાઓની પછી અમારા, ઢીંગલી નૂરને છાતીએ વળગાડીને કેનેડા પહોંચી, ત્યારે પેલી સ્વયંસેવિકાએ જ એરપોર્ટ પર એનું સ્વાગત કર્યુ. એ સ્વયંસેવિકા ચિનારના વૃક્ષના પાંદડા જેવું ચાંદીનું પેન્ડન્ટ લઇને આવેલી, જે આકારનું પાંદડું ઢીંગલીના ડ્રેસ પર પણ હતું! અજાણ્યા દેશમાં અમારા હરખભેર રડી પડી. સ્વયંસેવિકાએ અમારાની યાત્રા અને દત્તકવિધિ અને આવું સ્વાગત એ બધું યોજેલું! 2026ની આ સત્યઘટના, યુદ્ધની આગ વચ્ચે ખીલેલ લાગણીનાં ફૂલો જેવી એક નહીં, પણ બબ્બે ઢીંગલીઓની ‘ક્યૂટકથા’ છે.
આમેય ઢીંગલી એ બાળકની આંગળી ઝાલીને જીવાતું બાળપણ છે. એમની છાનકી વાતો, ખિલખિલ ખેલ ને માસૂમ રીસામણાં મનામણાં સામે હજારો ફિલોસોફરોની જ્ઞાનવાણીઓ ફિક્કી પડે. એમાં રમત પણ છે ને મમત પણ છે. જોકે ટ્રમ્પ જેવા પથ્થર દિલ રાજકારણીઓને આવી વાતો ક્યાંથી સ્પર્શે? એમને તો ધર્મો ને દેશોને લડાવીને કે ટેક્સ વધારીને ખુરશી વ્હાલી. ખુરશીને ખિલખિલ ખુશીથી શું લેવાદેવા?
થોડા વખત પહેલાં ચીન પર ટૅરિફ કે ટેક્સ લગાડેલો જેના કારણે અમેરિકામાં રમકડાનું ઓછાં ને મોંઘા મળવાની શક્યતાઓ વધી ગયેલી, તો ટ્રમ્પે બાળકોને ઢીંગલીઓ વિશે વિચિત્ર સલાહ આપેલી:
‘અમેરિકાનાં બાળકોએ ઘણીબધી નહીં પણ ફક્ત બે જ ઢીંગલીઓ સાથે રમવું પડશે!’ સારું છે બાળકો મતદાન નથી કરી શકતાં, નહીં તો ટ્રમ્પ, ચોક્કસ હારી જાત! ખરેખર તો ટ્રમ્પ પોતે જ બગડેલ બચ્ચું છે. ક્યારેક કહે યુદ્ધ બંધ તો ક્યારેક કહે વોર ચાલુ! ક્યારેક કહે ઈરાનને આજે 8 વાગ્યે દુનિયાના નકશા પરથી ભૂંસી નાખીશ તો ક્યારેક આપણાં પીએમ માટે જેમતેમ બોલે. બકવાસ હોય કે બેબી ડોલ, વોર્ડ હોય કે વારાંગના, ટ્રમ્પ માટે બધું રમકડા જેવી વાત છે!
ઢીંગલીઓ અને બાળકીઓ સાથે ટાગોરની ‘કાબુલીવાલા’થી લઇને અનેક લેખકોની દિલકશ દાસ્તાનો છે. પણ આધુનિક અને અસ્તિત્વવાદી અઘરાં સાહિત્યને રચનારા રુખાસૂખા નોબેલ વિજેતા લેખક ફ્રાન્ઝ કાફકા એકવાર બર્લિનનાં બગીચામાં બેઠેલા. ત્યાં કાફકાએ એક બાળકને રડતી જોઇને અને પૂછ્યું તો પેલીએ કહ્યું: ‘મારી પ્રિય ઢીંગલી ખોવાઈ ગઈ.’
કાફકાએ પ્રેમથી સમજાવ્યું: ‘તારી ઢીંગલી ખોવાઈ નથી, એ તો ફરવા ગઈ છે!’ પછી કાફકાએ સતત 3 અઠવાડિયા સુધી કાલ્પનિક ઢીંગલી વતી એક પત્ર લખીને બાળકીને પત્રો લખ્યા જેમાં દુનિયાભરના મનોરંજક પ્રવાસોનું વર્ણન વગેરે લખતા અને પેલી બેબી તો વાંચીને ખુશખુશ કે ‘મારી ઢીંગલીનો કાગળ આવ્યો!’ એક દિવસ, કાફકાએ નવી ઢીંગલી આપીને સાથે એક પત્ર આપ્યો જેમાં લખેલું,
મારા પ્રવાસે દેખાવમાં મને સ્હેજ બદલી નાખી છે પણ હું તારી જ ઢીંગલી છું. અનેક વર્ષો બાદ એ છોરી મોટી થઇ ત્યારે એને ઢીંગલીમાં છુપાયેલી ચિઠ્ઠી મળી, જેના પર ‘ફ્રાંઝ કાફકા’ની સહી હતી અને લખેલું: તમે જેને પ્રેમ કરો છો, એ જીવનમાં ખોવાઈ ભલે જાય, પણ એનો પ્રેમ, બીજા સ્વરૂપે ફરીથી આવશે! ડોરા ડાયમન્ડની આ વાર્તા સાચી કે ખોટી? એ સવાલ છે, પણ એમાં ઝુરતાં હૈયાનો જવાબ છે. વાત સત્યતાની નહીં, સંવેદનાની છે.0
ઇન્ટરવલ:
બચ્ચોંકે છોટે હાથોં કો ચાંદ સિતારે છૂને દો,
ચાર કિતાબે પઢકર યે ભી હમ જૈસે હો જાયેંગે (નિદા ફાજલી)
એક મા ઑફિસ જવા નીકળી ત્યારે દીકરીએ બીતાં બીતાં પૂછયું : ‘મમ્મી, મારા માટે ઢીંગલી લઈ આવીશ?’
માએ વઢીને કહ્યું, ‘ના, હું ખોટા ખર્ચા નહીં કરું.’
માને રસ્તામાં દીકરીની માગણી યાદ આવતી અને થયું દીકરીને એક રમકડુંય ના અપાવી શકું? એ રમકડાંની દુકાનમાં ગઈ. ત્યાં મોંઘી ઢીંગલીઓને જોઈને ભોંઠી પડી. રસ્તામાં રમકડાંની લારીમાં એક સસ્તી ઢીંગલી જોઈ એનો ભાવ પૂછ્યો.
લારીવાળાએ કહ્યું, ખરાબ છે. લેવા જેવી નથી, પણ દીકરીનું મન રાખવા એણે સસ્તી ઢીંગલી ખરીદી. ઓફિસે સાહેબે મોડા આવવાનું કારણ પૂછ્યું ત્યારે માથી સાચું બોલાઈ ગયું: દીકરી માટે ઢીંગલી...
દેખાડો, કેવી છે ઢીંગલી?
ઢીંગલી જોઈને બોસે મોં બગાડયું. આ રદ્દી ઢીંગલી માટે મોડું કર્યું. કામ કરો.
ઓફિસમાં સખીઓએ કહ્યું. છેતરાઇ ગઇ. સાવ બેકાર ઢીંગલી છે. ગરીબ લારીવાળો, પૈસાદાર બોસ, એના જેટલી જ પગારવાળી સખીઓ બધા ઢીંગલીને રદ્દી કહે છે! માનું દિલ એની ગરીબી માટે ડંખતું રહ્યું. સાંજે એક છોકરીને ટ્યુશન આપવા ગઈ ત્યાં પણ એની માએ પણ ઢીંગલી જોઇને મોં મચકોડ્યું.
માતાના મનમાં સતત ચિંતા કે દીકરીને ઢીંગલી ગમશે? એ રાતે ઘરે મોડી પહોંચી, જેથી દીકરી સૂઇ ગઇ હોય પણ દીકરી તો ઢીંગલી માટે રાહ જોતી બેઠેલી.
સવારે દીકરી રડતી હતી. ત્યારે માએ બીતાં બીતાં ઢીંગલી આપી. દીકરી ઢીંગલી જોઈને બોલી ઊઠી :
વાહ મમ્મી, કેટલી મસ્ત ઢીંગલી છે! લવ યૂ!
બસ! આટલું જ સાંભળતા માતાના દિલ પરથી હજારો હિમાલયનો ભાર ઊતરી ગયો ને દીકરીને વળગીને રડતી રહી. આ વાર્તાનો જગતભરનાં માતા-પુત્રીના પ્રેમનો પાસવર્ડ છે. નિર્દોષ બાળકીઓની સ્કૂલ પર બૉંબ વરસાવતા ટ્રમ્પ જેવા ક્રૂર રાજનેતાઓ શું સમજે?
એન્ડટાઇટલ્સ:
આદમ: તને ઢીંગલી ગમે?
ઇવ: ના. હું ગમું.