નવી દિલ્હી: અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ શાંત પડતો નથી દેખાઈ રહ્યો. શું અમેરિકા ઈરાનમાં કંઈક મોટું કરવા જઈ રહ્યું છે? અહેવાલો અનુસાર, અમેરિકા અને ઈઝરાયેલ ઈરાન સામે નવા સૈન્ય અભિયાનની તૈયારી કરી રહ્યા છે. આ સવાલ પશ્ચિમ એશિયાના અનેક દેશોના અમેરિકી દૂતાવાસો દ્વારા અમેરિકી નાગરિકોને કરવામાં આવેલી અપીલ બાદ ઊભો થયો છે. અહેવાલો મુજબ, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી એક-બે દિવસમાં ઈરાન સામે નવા સૈન્ય હુમલાઓને મંજૂરી આપી શકે છે. ટ્રમ્પનું માનવું છે કે જો તેહરાન વાટાઘાટોના ટેબલ પર પાછું નહીં આવે તો તેણે કડક સૈન્ય કાર્યવાહીનો સામનો કરવો પડશે. ટ્રમ્પે ઈરાન પર વધુ સૈન્ય હુમલા કરવાની ચેતવણી આપી છે.
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ફોન પર વાતચીત કરી છે. આ દરમિયાન તેમણે ઈરાન સામે અમેરિકી સેનાના મોટા પાયે નવા હુમલા કરવાના પ્લાન પર ચિંતા વ્યક્ત કરી છે
સાઉદી સંરક્ષણ મંત્રીએ પણ આપ્યો શાંતિનો સંદેશ
આ પહેલાં, બુધવારે ટ્રમ્પે સાઉદી અરેબિયાના સંરક્ષણ મંત્રી પ્રિન્સ ખાલિદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ સાથે થયેલી બેઠકમાં સાઉદી સંરક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે તેમનો દેશ ઈરાન સાથે મામલો ઉકેલવા અને તણાવ ઘટાડવાની તરફેણમાં છે.
ઈરાને આપી ધમકી
બીજી તરફ, ઈરાને ધમકી આપી છે કે જો અમેરિકા હુમલો કરશે, તો તે ઈઝરાયેલ અને અખાતી દેશોના ઊર્જા અને પાયાના માળખાકીય મથકો (ઈન્ફ્રાસ્ટ્રક્ચર) પર વળતો પ્રહાર કરશે. ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ શનિવારે સાઉદી અરેબિયા અને તુર્કીના વિદેશ મંત્રીઓ સાથે વાતચીત કરી હતી. અરાઘચીએ સાઉદી વિદેશ મંત્રીને કહ્યું, 'અમેરિકા કે ઈઝરાયેલની કોઈપણ કાર્યવાહી અથવા તેમાં પ્રાદેશિક દેશોની ભાગીદારીનો ઈરાનના સશસ્ત્ર દળો જડબાતોડ અને બરાબરીનો જવાબ આપશે.'
કતર કરી રહ્યું છે મધ્યસ્થતાનો પ્રયાસ
મિડલ-ઈસ્ટનું યુદ્ધ રોકવા માટે સાઉદી અરેબિયાની સાથે-સાથે કતર, UAE, તુર્કી અને પાકિસ્તાન જેવા દેશો પણ અમેરિકા અને ઈરાન પર દબાણ બનાવી રહ્યા છે. શનિવારે કતરે ઈરાની વિદેશ મંત્રી, વ્હાઈટ હાઉસના દૂતાવાસ અધિકારી સ્ટીવ વિટકોફ અને ઓમાનના અધિકારીઓ સાથે અલગ-અલગ વાતચીત કરી હતી, જેથી હોર્મુઝને ફરીથી ખોલવા પર સહમતિ બની શકે.