Thu Aug 20 2026

Logo

એકસ્ટ્રા અફેરઃ ટ્રમ્પની સનક ઘણા દેશોનાં અર્થતંત્રને બરબાદ કરી દેશે

2026-03-20 08:40:00
Author: Bharat Bharadwaj
Article Image

 

ભરત ભારદ્વાજ

અમેરિકા-ઇઝરાયલ વર્સીસ ઈરાન યુદ્ધ ઉગ્ર બનતું જાય છે અને બંને છાવણીઓ એકબીજાના ઓઈલ અને ગેસ ફિલ્ડ પર હુમલા શરૂ કરતાં આખી દુનિયાની પત્તર ખંડાઈ જશે એવું લાગે છે. ઈઝરાયલે ઈરાનના સૌથી મોટા મનાતા ‘પાર્સ’ ગેસ પ્લાન્ટ પર હુમલો કર્યો તેના જવાબમાં ઈરાને કતારના સૌથી મોટા ગેસ પ્લાન્ટ ‘રાસ લફાન’ પર મિસાઈલો છોડી તેમાં કતારના પ્લાન્ટમાં આગ લાગી ગઈ. કતારે મહામહેનતે આગ પર કાબૂ મેળવ્યો પણ કલાકો લગી ચાલેલી આગના કારણે કતારને ભારે નુકસાન તો થયું જ છે. 

આ હુમલાથી ભડકેલા સાઉદી અરેબિયા સહિતના 12 દેશોએ ઈરાન પર હુમલાની ધમકી આપતાં યુદ્ધ બીજા દેશો લગી ફેલાય એવો પણ ખતરો ઊભો થયો છે. સાઉદી અરેબિયા સહિતના દેશો ઈરાન પર હુમલો કરે તો ઈરાન ચૂપ બેસવાનું નથી. ઈરાને અત્યારે કતારના ગેસ પ્લાન્ટને ભડકે બાળ્યો છે એ રીતે સાઉદી અરેબિયા સહિતના દેશોના ક્રૂડ ઓઈલના ભંડારો પર હુમલા કરીને તેમને પણ ભડકે બાળે જ ને સામે સાઉદી સહિતના આરબ દેશોની વહારે આવીને અમેરિકા પણ હુમલા વધારે એ જોતાં પછી યુદ્ધ પોઈન્ટ ઓફ નો રિટર્ન સ્થિતિમાં પહોંચી જાય. 

અત્યારે બંને છાવણી વચ્ચે જબરદસ્ત યુદ્ધ નહીં પણ છમકલાં ચાલી રહ્યાં છે છતાં ક્રૂડના ભાવ ભડકે બળી રહ્યા છે. માર્ચ 2026 પહેલાં સુધી ક્રૂડ ઓઈલના ભાવ બેરલના 70 ડૉલરની આસપાસ હતા પણ અમેરિકા-ઇઝરાયલ વર્સીસ ઈરાન યુદ્ધ શરૂ થયું ને પશ્ચિમ એશિયામાં અશાંતિ થઈ તેમાં ક્રૂડ ભડકે બળી રહ્યું છે. ભારત પેટ્રોલ-ડીઝલ માટે બ્રેન્ટ ક્રૂડ ખરીદે છે અને બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ 110 ડૉલરને પાર થઈ ગયા છે. ઈરાને સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ બંધ કરીને જહાજોની અવરજવર રોકી દીધી તેમાં મોટી સંખ્યામાં ટેન્કરો અટવાયાં છે અને ક્રૂડ તથા ગેસની તંગી વર્તાવા લાગી છે.  

ભારત પોતાની ક્રૂડની ખરીદીમાંથી 60 ટકાથી વધુ ક્રૂડ આ રસ્તે મગાવે છે. ઈરાને ભારતને મિત્ર રાષ્ટ્ર ગણાવીને તેનાં જહાજ નહીં રોકાય એવી ખાતરી આપી છે પણ બીજા દેશોનાં જહાજ રોકી દેવાયાં તેમાં રસ્તો અવરોધાયો છે જ તેથી પહેલાંની જેમ સરળતાથી જહાજો આવ-જા નથી કરી શકતાં. ઈરાને જહાજો નથી રોક્યાં એવી સ્પષ્ટતા ભારતના વિદેશ મંત્રાલયે પણ કરી છે પણ સમસ્યા એ નથી. સમસ્યા આ ખાડી પાસે અટવાયેલાં જહાજોનો થઈ રહેલો ખડકલો છે. રોડ પર ટ્રાફિક જામ થાય ને કાર ફસાઈ જાય એ રીતે ભારતનાં પણ અનેક જહાજો ફસાયેલાં છે. 

આ જહાજ રોકાવાનાં નથી પણ સમયસર ભારત પહોંચી પણ શકતાં નથી તેથી ક્રૂડ અને ગેસની અછત તો થવા માંડી જ છે. સરકાર હજુ ઓલ ઈઝ વેલનો રાગ આલાપી રહી છે પણ ઠેકઠેકાણે નેચરલ ગેસ પર ચાલતા ઉદ્યોગો બંધ થઈ રહ્યા છે ને કોમર્શિયલ ગેસની અછત ઊભી થઈ છેે તેના પરથી સ્પષ્ટ છે કે, સ્થિતી બેકાબૂ થઈ રહી છે. સરકારના દાવા સો ટકા સાચા નથી અને સમસ્યા છે જ. ભારત સહિતના ઘણા દેશોમાં ગેસની અછત ઊભી થતાં લોકો રાડારાડ કરી રહ્યાં છે ત્યારે યુદ્ધ વધારે ભડકે તો શું થાય તેની કલ્પના જ થઈ શકે તેમ નથી. હજુ ગેસની જ મોંકાણ મંડાઈ છે પણ યુદ્ધ વધારે ભડકે તો પેટ્રોલ-ડીઝલની મોંકાણ પણ શરૂ થઈ જાય ને લોકોની હાલત બગડી જાય. 

ઈઝરાયલ અને ઈરાન વચ્ચે પહેલાં પણ યુદ્ધ થયેલાં છે. બલ્કે છેલ્લાં કેટલાંક વરસોથી બંને લડ્યા જ કરે છે. આગલા વરસે હમાસે ઈઝરાયલમાં કાળો કેર વર્તાવ્યો ત્યારે પણ બંને વચ્ચે જંગ જામ્યો જ હતો. એ વખતે હુમલા એકબીજાના વિસ્તારો પૂરતા મર્યાદિત હતા પણ આ વખતે ક્રૂડ ઓઈલના ભંડારોને ટાર્ગેટ કરાઈ રહ્યાં છે. આ સંજોગોમાં દુનિયામાં ભવિષ્યમાં પેટ્રોલ-ડીઝલ કે ગેસની અછત સર્જાય ને તેના કારણે અંધાધૂંધી થઈ જાય એ ખતરો છે. 

આ સ્થિતિ ના આવે એ માટે ઈઝરાયલ-અમેરિકા ખમૈયા કરે એ જરૂરી છે. અત્યારે ઈરાન શાંત નથી ને ઈઝરાયલ તથા આરબ દેશો પર મિસાઈલો છોડીને તબાહી વેરી જ રહ્યું છે પણ ઈરાન જે કંઈ કરી રહ્યું છે એ જવાબી કાર્યવાહી છે. હુમલાની શરૂઆત ઈઝરાયલ-અમેરિકાએ કરી ને પોતાના પર હુમલો થાય એટલે કોઈ પણ દેશ જવાબ આપે જ. ઈરાન પણ એ રીતે જ જવાબ આપી રહ્યું છે તેથી ઈરાન બહુ વાંકમાં નથી. વાંકમાં અમેરિકા છે તેથી હુમલા બંધ કરવાની શરૂઆત અમેરિકાએ કરવી પડે. ઈઝરાયલ પણ હુમલા અમેરિકાના ઈશારે જ કરી રહ્યું છે એ જોતાં અમેરિકા હુમલા બંધ કરે કે તરત ઈઝરાયલ પણ ઠંડુ થઈને બેસી જાય.

કમનસીબે અત્યારે ઈઝરાયલ-અમેરિકા શાંત થઈને બેસી જાય એવું લાગતું નથી કેમ કે ડોનલ્ડ ટ્રમ્પે ઈરાન સામેના જંગને અંગત પ્રતિષ્ઠાનો ને વધારે તો અહમનો પ્રશ્ન બનાવી દીધો છે. ટ્રમ્પે ઈરાન પર હુમલો કરવા માટે એવું કારણ આપ્યું કે, ઈરાન પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું છે તેના કારણે આખી દુનિયા પર ખતરો છે. ઈરાનને પરમાણુ સત્તા બનતું રોકવા માટે હુમલો કરવો જરૂરી છે. 

ટ્રમ્પની આ વાત સાચી છે કે ખોટી એ ખબર નથી પણ ટ્રમ્પે તેના કોઈ પુરાવા દુનિયા સામે મૂક્યા નથી. બીજું એ કે, ટ્રમ્પની પોતાની જ સરકાર ટ્રમ્પથી વિરોધાભાસી દાવા કરી રહી છે. અમેરિકાની ગુપ્તચર એજન્સીના ચીફ તુલસી ગબાર્ડે કહ્યું છે કે, ગયા વર્ષે જૂનમાં થયેલા હુમલા પછી ઈરાનની પરમાણુ શક્તિ લગભગ ખતમ થઈ ગઈ હતી અને ઈરાને પોતાનો ન્યુક્લિયર પ્રોગ્રામ ફરી શરૂ કર્યો નથી. 

ગબાર્ડનો દાવો ટ્રમ્પના દાવાથી અલગ છે તેના પરથી સ્પષ્ટ છે કે, ટ્રમ્પે હુમલો કર્યો એ માટે કોઈ નક્કર કારણ નથી. અમેરિકાની ગુપ્તચર એજન્સીનાં ચીફ પોતે ટ્રમ્પના દાવાને ખોટો ગણાવતાં હોય પછી ટ્રમ્પ અહમ સંતોષવા માટે જ હુમલો કરી રહ્યા છે તેનો બીજો શું પુરાવો જોઈએ? 

ટ્રમ્પ સનકી છે અને પોતાની પહેલી ટર્મથી જ ઈરાનને સીધું દોર કરી નાંખવાના તેમને ચળ ઉપડી હતી. આ ખંજવાળ મટાડવા તેમણે હુમલો કરી દીધો છે તેથી વાર્યા એ વળવાના નથી. નાટોના દેશો તેમની સાથે નથી ને સ્ટ્રેઈટ ઓફ હોર્મુઝ ખાલી કરાવવા ઈરાન પર હુમલો કરવાના કામમાં સાથ આપવાનો તેમણે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છતાં ટ્રમ્પ પાછા વળવા તૈયાર નથી એ જોતાં ઈરાન ટ્રમ્પને જોરદાર ફટકો મારીને તેમની સાન ઠેકાણે લાવે એ જ રસ્તો બચે છે. બાકી ટ્રમ્પની સનકના કારણે દુનિયાના ઘણા દેશોનાં અર્થતંત્ર બરબાદ થઈ જશે.