Wed Aug 26 2026

Logo

ટ્રમ્પે ઈરાન સાથે સીઝફાયરની કરી જાહેરાત, હોર્મુઝને લઈ રાખી આ મોટી શરત

Washington DC   2026-04-08 08:34:00
Author: Mayur Patel
ટ્રમ્પે ઈરાન સાથે સીઝફાયરની કરી જાહેરાત, હોર્મુઝને લઈ રાખી આ મોટી શરત

વોશિંગ્ટન ડીસીઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, ઈરાન પર થનારા સંભવિત હુમલા અને બોમ્બમારો બે સપ્તાહ માટે રોકી દેવાયો છે. ટ્રમ્પે જણાવ્યું કે, આ સીઝફાયર બંને તરફથી લાગુ થશે. આ દરમિયાન ન અમેરિકા હુમલો કરશે અને ઈરાન પણ કોઈ આક્રમક પગલું નહીં ભરે. જોકે આ સમજૂતી માટે એક શરત પણ રાખવામાં આવી છે. જે મુજબ ઈરાને તાત્કાલિક અને સંપૂર્ણ તથા સુરક્ષિત રીતે હોર્મુઝની ખાડી ખોલવી પડશે.

ટ્રમ્પે શું કહ્યું

રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, અમેરિકા પહેલા જ તેના સૈન્ય લક્ષ્યને હાંસલ કરી ચુક્યુ છે અને હવે ઈરાન સાથે લાંબા સમયની શાંતિ મંત્રણાની દિશામાં કામ કરી રહ્યું છે. ઈરાન તરફથી 10 મુદ્દાનો એક પ્રસ્તાવ મળ્યો છે. જેને વાતચીતના આધારના રૂપમાં જોવામાં આવે છે. ટ્રમ્પે દાવો કર્યો કે, થોડા જ સપ્તાહમાં સમજૂતીને અંતિમ રૂપ આપવામાં આવશે. આ ઉપરાંત જણાવ્યું કે, જો બધું યોજના અનુસાર ચાલશે તો પશ્ચિમ એશિયામાં લાંબા સમયથી ચાલ્યા આવતા તણાવને ખતમ કરવાની દિશામાં મોટું પગલું હશે.

 

એક રિપોર્ટ પ્રમાણે, ઈરાન-અમેરિકા વચ્ચે ઈસ્લામાબાદમાં વાતચીત થશે. જેમાં ઈરાન દ્વારા અમેરિકાને મોકલવામાં આવેલા 10 મુદ્દા પર વિશેષ ચર્ચા થશે.  આ પ્રસ્તાવમાં ખાસ કરીને હોર્મુઝની ખાડી પર ઈરાનનું નિયંત્રણ જ રહેશે, પ્રતિબંધમાં રહાત અને ઈરાનમાંથી અમેરિકન સૈન્યને પરત બોલાવવા જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ સામેલ છે.

ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલે ભારપૂર્વક જણાવ્યું હતું કે આનો અર્થ જમીન પર તણાવ ઓછો કરવાનો નથી. તેઓએ સ્પષ્ટ કર્યું કે આનો અર્થ યુદ્ધનો અંત નથી અને તેમના હાથ હજુ પણ ટ્રિગર પર છે અને કોઈપણ ભૂલનો સંપૂર્ણ જવાબ આપવામાં આવશે.

આ જાહેરાત ઈરાન દ્વારા બે અઠવાડિયાના સીઝફાયરને સ્વીકાર્યા બાદ કરવામાં આવી છે, જેને અધિકારીઓએ જીત ગણાવી છે. આ સીઝફાયર પાકિસ્તાનની મધ્યસ્થતા દ્વારા શક્ય બન્યું છે. ઈસ્લામાબાદમાં વાતચીત લગભગ 15 દિવસ સુધી ચાલવાની અપેક્ષા છે અને જો બંને પક્ષો સહમત થાય તો તેને લંબાવી પણ શકાય છે. તેનો ઉદ્દેશ્ય એક વ્યાપક સમજૂતીના માળખાને અંતિમ સ્વરૂપ આપવાનો છે. ઈરાની અધિકારીઓએ એમ પણ કહ્યું કે દરિયાઈ માર્ગો પર મર્યાદિત સહયોગ કરવામાં આવશે અને સીઝફાયર દરમિયાન ઈરાની સશસ્ત્ર દળોના સંકલનથી હોર્મુઝની ખાડીમાંથી સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરી શકાય છે.

ઈરાન - અમેરિકા વચ્ચે કયા 10 મુદ્દા પર વાતચીત થશે

1. અહિંસા પ્રત્યે પ્રતિબદ્ધતા
2. હોર્મુઝ સ્ટ્રેટ  પર ઈરાનનું નિયંત્રણ ચાલુ રહેવું
3. યુરેનિયમ સંવર્ધનની સ્વીકૃતિ
4. તમામ પ્રાથમિક પ્રતિબંધો હટાવવા
5. તમામ નાણાકીય પ્રતિબંધો હટાવવા
6. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના તમામ પ્રસ્તાવોનો અંત લાવવો
7. બોર્ડ ઓફ ગવર્નર્સના તમામ પ્રસ્તાવોનો અંત લાવવો
8. ઈરાનને વળતરની ચુકવણી
9. આ ક્ષેત્રમાંથી અમેરિકી લડાયક દળોની વાપસી
10. લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધની લડાઈ સહિત તમામ મોરચે યુદ્ધવિરામ