મુંબઈ: ટેલિવિઝન દુનિયામાં દર અઠવાડિયે આવતા ટીઆરપી (TRP) ચાર્ટ આ વખતે ઘણા ફેરફારો થઈ ચુક્યા છે. આંકડા જોતા સ્પષ્ટ થાય છે કે દર્શકોની પસંદગી હવે બદલાઈ રહી છે. જૂના અને લોકપ્રિય શોને હવે નવા શરૂ થયેલા સિરિયલ તરફથી જોરદાર ટક્કર મળી રહી છે. ખાસ કરીને એકતા કપૂરના શોઝે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે દર્શકોના દિલ પર કેવી રીતે રાજ કરવું, જ્યારે કેટલાક વર્ષો જૂના ફેવરિટ શો લિસ્ટમાં નીચે સરક્યા છે.
લેટેસ્ટ ડેટા મુજબ, 'ક્યોંકી સાસ ભી કભી બહુ થી 2' 2.0 રેટિંગ સાથે નંબર વન પર અડીખમ છે. નવાઈની વાત એ છે કે તેના સ્પિન-ઓફ શો 'ક્યોંકી રિશ્તોં કે ભી રૂપ બદલતે હૈં' એ શરૂ થતાની સાથે જ 1.9 ના રેટિંગ સાથે બીજા સ્થાને ધમાકેદાર એન્ટ્રી કરી છે. આ નવા શોના કારણે વર્ષોથી ટોપ પર રહેતી રાજન શાહીની 'અનુપમા'ને મોટો ફટકો પડ્યો છે અને તે હવે ત્રીજા સ્થાને સરકી ગઈ છે. સ્મૃતિ ઈરાનીના આ આઈકોનિક શોની નવી સીઝન દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
રેન્કિંગમાં નીચેની વાત કરીએ તો, 'વસુધા' શોએ પોતાની સ્થિતિમાં નોંધપાત્ર સુધારો કર્યો છે અને તે ચોથા સ્થાને પહોંચી ગયો છે. પાંચમા સ્થાને 'ગંગા માઈ કી બેટિયાં' એ પોતાની જગ્યા બનાવી છે. લોકપ્રિય ફ્રેન્ચાઈઝી 'નાગિન 7' ના રેટિંગમાં પણ સુધારો જોવા મળ્યો છે અને તે હવે છઠ્ઠા સ્થાને છે. જોકે, 'તુમ સે તુમ તક' માટે આ અઠવાડિયંી થોડું નિરાશાજનક પ્રદર્શન કરતા તે સરકીને સાતમા સ્થાને આવી ગયું છે.
દાયકાઓથી લોકોનું મનોરંજન કરતો શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' આ વખતે આઠમા સ્થાને ફેંકાયો છે, જે મેકર્સ માટે ચિંતાનો વિષય હોઈ શકે છે. કોમેડી રિયાલિટી શો 'લાફ્ટર શેફ્સ' નવમાં સ્થાને રહીને પોતાની લોકપ્રિયતા જાળવી રાખવામાં સફળ રહ્યો છે, જ્યારે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' માંડ-માંડ ટોપ 10 માં સ્થાન બચાવી શક્યું છે અને તે દસમા ક્રમે છે. બીજી તરફ 'ઉડને કી આશા', 'મન્નત' અને 'લક્ષ્મી નિવાસ' જેવા શો ટોપ 10 ની યાદીમાંથી બહાર થઈ ગયા છે.
આ અઠવાડિયાના ડેટા પરથી દેખાય છે કે હવે 'અનુપમા' ને એક નહીં પણ બે-બે સિરિયલો સાથે ટક્કર લેવી પડશે. નવા શૉની વાર્તામાં જે રીતે વળાંકો આવી રહ્યા છે તેનાથી જૂના શોના મેકર્સે હવે કંઈક નવું વિચારવું પડશે.
ખાસ કરીને ફેમિલી ડ્રામા અને ટ્વિસ્ટ ધરાવતી વાર્તાઓ અત્યારે ટીઆરપી ચાર્ટ પર રાજ કરી રહી છે. આવનારા દિવસોમાં આ જંગ વધુ રસપ્રદ બનશે તેમાં કોઈ શંકા નથી.