ચેન્નાઈ: આજે તમિલનાડુને નવા મુખ્ય પ્રધાન મળી ગયાં છે. મુખ્ય પ્રધાન સી. જોસેફ વિજયના શપથ ગ્રહણ સમારોહમાં મોટી હસ્તીઓ જોવા મળી હતી. તેવામાં દક્ષિણ ભારતીય સિનેમાની જાણીતી અભિનેત્રી તૃષા કૃષ્ણન આકર્ષણનું કેન્દ્ર બની હતી. બ્લુ અને ગોલ્ડન સિલ્ક સાડીમાં સજ્જ તૃષા તેની માતા ઉમા કૃષ્ણન સાથે આ ઐતિહાસિક ક્ષણની સાક્ષી બનવા પહોંચી હતી. વિજય અને તૃષાનું નામ અનેક વખત ચર્ચામાં આવેલું છે. આજે વિજયના શપથ ગ્રહણ સમારોહમાં તૃષા ખૂબ જ ઉત્સાહિત જોવા મળી હતી.
શપથ ગ્રહણ સમારોહમાં તૃષાનો ક્લાસિક લુક
પોતાના નિવાસસ્થાનેથી નીકળતી વખતે તૃષાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, તે આ ઐતિહાસિક અવસર માટે 'ખૂબ જ ઉત્સાહિત' છે. તેણે હીરા અને રૂબીનો ચોકર, મેચિંગ ઝુમકા અને વાળમાં મલ્લી પૂ (મોગરાના ફૂલો) લગાવીને પોતાનો લુક પૂર્ણ કર્યો હતો. તૃષાનો આ લૂક મનમોહક લાગી રહ્યો હતો. એક વીડિયો વાયરલ થયો તેમાં તૃષા લોકોને અભિવાદન પણ આપતી જોવા મળી રહી છે.
ચૂંટણી પરિણામો અને તૃષાની બાધા
નોંધનીય છે કે 4 મેના રોજ જ્યારે ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા હતા અને વિજયની પાર્ટી TVK આગળ ચાલી રહી હતી, ત્યારે તૃષા તિરુપતિ મંદિરે દર્શન કરવા પહોંચી હતી. સોશિયલ મીડિયા પર એવી અટકળો તેજ થઈ હતી કે તેણે વિજયની જીત માટે ખાસ પ્રાર્થના કરી હતી. તે જ દિવસે તૃષાનો જન્મદિવસ પણ હતો. પરિણામોમાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ તે વિજયના ઘરે તેને અભિનંદન આપવા પણ પહોંચી હતી.
ફિલ્મ જગતમાં વિજય અને તૃષાની જોડી
તમિલ સિનેમાની વાત કરવામાં આવે તો, તૃષા અને વિજયની જોડીને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. આ બંનેએ અનેક ફિલ્મોમાં સાથે કામ કરેલું છે. જેમાં 2004માં આવેલી ‘ગલ્લી’, 2005માં આવેલી ‘થિરૂપાચી’, 2006માં આવેલી ‘આથી’, 2008માં આવેલી ‘કુરૂવી’ અને 2023માં આવેલી ‘લિયો’માં તૃષા અને વિજય સાથે જોવા મળ્યાં હતાં. આ ફિલ્મોને લોકોએ ખૂબ જ પસંદ કરી છે. બંને વચ્ચેના સંબંધોને લઈને ઘણીવાર અટકળો ચાલતી હોય છે, પરંતુ બંને કલાકારોએ આ બાબતે હંમેશા મૌન સેવ્યું છે. પરંતુ હવે તે અટકળો પર પૂર્ણ વિરામ લાગી રહ્યું છે.