Mon Sep 07 2026

Logo

હાઈવે પર મુસાફરી થશે મોંઘી: 1 એપ્રિલથી FASTag એન્યુઅલ પાસના ભાવમાં વધારો, જાણો નવો દર!

2026-03-15 14:12:00
Author: Devayat Khatana
હાઈવે પર મુસાફરી થશે મોંઘી: 1 એપ્રિલથી FASTag એન્યુઅલ પાસના ભાવમાં વધારો, જાણો નવો દર!

નવી દિલ્હી: આગામી દિવસોમાં નેશનલ હાઇવેની મુસાફરી ખિસ્સા પર વધુ ભાર આવી શકે તેમ છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ નાણાકીય વર્ષ 2026-27 માટે FASTag એન્યુઅલ પાસના દરમાં વધારો કરવાની જાહેરાત કરી છે. આગામી 1 એપ્રિલ 2026 થી વાર્ષિક પાસની કિંમત વર્તમાન રૂ.3,000 થી વધીને રૂ. 3,075 થશે. નેશનલ હાઈવે ફી (દર નિર્ધારણ અને વસૂલાત) નિયમો, 2008 ની જોગવાઈઓ હેઠળ આ ફેરફાર કરવામાં આવ્યો છે. 15 ઓગસ્ટ 2025 ના રોજ લોન્ચ કરવામાં આવેલા આ વાર્ષિક પાસનો લાભ હાલમાં દેશભરના 56 લાખથી વધુ ખાનગી વાહન માલિકો લઈ રહ્યા છે.

આ સુધારેલા દરો દેશભરના નેશનલ હાઈવે અને એક્સપ્રેસવે પર આવેલા અંદાજે 1,150 ટોલ પ્લાઝા પર લાગુ થશે. આ સુવિધા ખાસ કરીને યોગ્યતા ધરાવતા ખાનગી વાહનો માટે છે કે જેમની પાસે માન્ય FASTag ઉપલબ્ધ છે. વાર્ષિક પાસની ખાસિયત એ છે કે તે વારંવાર રિચાર્જ કરવાની ઝંઝટમાંથી મુક્તિ આપે છે અને એક વર્ષની વેલિડિટી અથવા 200 વખત ટોલ પ્લાઝા ઓળંગવા સુધીની સુવિધા પુરી પાડે છે, જેનાથી મુસાફરી વધુ સરળ અને કિફાયતી બને છે.

વાહન માલિકો આ વાર્ષિક પાસની સુવિધા 'રાજમાર્ગ યાત્રા' (Rajmarg Yatra) એપ અથવા NHAI ની સત્તાવાર વેબસાઇટ પર જઈને વન-ટાઇમ પેમેન્ટ દ્વારા મેળવી શકે છે. ફીની ચુકવણી કર્યાના માત્ર બે કલાકની અંદર જ વાહનના હાલના FASTag પર આ પાસ સક્રિય થઈ જાય છે.