Sat Sep 12 2026

Logo

ભગવાન કૃષ્ણના જન્મનો ઉલ્લેખ કરી સેશન્સ જજે નિદા ખાનને આપ્યા જામીન, કહ્યું- સામાજિક કલંક અસહનીય...

2026-07-10 13:28:00
Author: Mumbai Samachar Team
ભગવાન કૃષ્ણના જન્મનો ઉલ્લેખ કરી સેશન્સ જજે નિદા ખાનને આપ્યા જામીન, કહ્યું- સામાજિક કલંક અસહનીય...

નાસિક: મહારાષ્ટ્રના નાસિક સ્થિત ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS) યુનિટમાં જાતીય સતામણી અને બળજબરીથી ધર્માંતરણના ગંભીર આરોપોથી ઘેરાયેલા ભૂતપૂર્વ કર્મચારી નિદા ખાનને મોટી રાહત મળી છે. નાસિકની એક સ્થાનિક અદાલતે નિદા ખાનની પાંચ મહિનાની ગર્ભાવસ્થા (પ્રેગ્નન્સી)ને આધાર માનીને તેમને શરતી જામીન મંજૂર કર્યા છે. કેસની સુનાવણી દરમિયાન એડિશનલ સેશન જજ કે.જી. જોશીએ એક અત્યંત ભાવુક અને મહત્વપૂર્ણ ટિપ્પણી કરતા કહ્યું કે, કોઈપણ મહિલા માટે જેલમાં બાળકને જન્મ આપવાનો આઘાત અને તેની સાથે જોડાયેલું સામાજિક કલંક સહનશક્તિની બહાર છે.

અદાલતે આ પરિસ્થિતિની સરખામણી દ્વાપર યુગમાં ભગવાન કૃષ્ણના જન્મ સમયના સંજોગો સાથે કરતા કહ્યું કે, એક નવજાત બાળકના સુરક્ષિત આગમન અને ભલાઈ માટે આરોપી મહિલાને ન્યાયિક વિવેકના આધારે રાહત આપવી સંપૂર્ણપણે યોગ્ય છે. અદાલતે એ પણ સ્પષ્ટ કર્યું કે આ મામલે તપાસ પૂર્ણ થઈ ચૂકી છે અને ચાર્જશીટ દાખલ કરી દેવામાં આવી છે, તેથી ગર્ભવતી મહિલાને કસ્ટડીમાં રાખવાનું કોઈ ઔચિત્ય (કારણ) નથી.

25 દિવસ સુધી ફરાર હતી નિદા

આ હાઈ પ્રોફાઈલ કેસમાં નામ આવ્યા બાદ અને એપ્રિલ 2026માં TCSમાંથી નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા પછી, નિદા ખાન આશરે 25 દિવસ સુધી પોલીસને થાપ આપતી રહી હતી. અંતે, 7 મેના રોજ પોલીસે તેની સેન્ટ્રલ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં એક ભાડાના ફ્લેટમાંથી ધરપકડ કરી હતી.

બુરખો, હિજાબ અને નમાજ... દલિત પીડિતાના બ્રેનવોશનો સનસનાટીભર્યો આરોપ

દેવલાલી કેમ્પ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં નિદા ખાન પર એક દલિત મહિલા સહકર્મીનું માનસિક અને ધાર્મિક ઉત્પીડન (સતામણી) કરવાનો અત્યંત ગંભીર આરોપ છે. તપાસ મુજબ, એવો આરોપ છે કે નિદા ખાને પીડિતાને બુરખો અને ઇસ્લામિક ધાર્મિક પુસ્તકો આપીને તેનું બ્રેનવોશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પીડિતાના મોબાઇલમાં ઇસ્લામ સંબંધિત એપ્સ ઇન્સ્ટોલ કરવા, તેના ઘરે જઈને જબરદસ્તીથી નમાજ પઢતા શીખવવા અને હિજાબ પહેરવા માટે દબાણ કરવાના આરોપો પણ નિદા પર છે.