Sun Sep 13 2026

Logo

CJP પ્રોટેસ્ટ પર પોલીસ એક્શન વિરુદ્ધ અરજી, સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર

2026-07-22 14:58:35
Author: Mumbai Samachar Team
CJP પ્રોટેસ્ટ પર પોલીસ એક્શન વિરુદ્ધ અરજી, સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો કર્યો ઇનકાર

સુપ્રીમ કોર્ટે બુધવારે કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો. ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું, 'અમને વીડિયો જોવામાં કોઈ રસ નથી. અમારી પાસે તે જોવાનો સમય નથી.' જ્યારે વકીલે ફરીથી વિદ્યાર્થીઓ સાથે મારપીટ અને વીડિયોનો હવાલો આપ્યો ત્યારે CJI એ કહ્યું, 'અમારો અને તમારો સમય ન બગાડો.'

અમે કોઈ વીડિયો જોવા નથી માગતા

પ્રદર્શનકારીઓએ જ્યારે સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેઓ ન માન્યા તો પોલીસને મજબૂર થઈને લાઠીચાર્જ કરવો પડ્યો. મહત્વનું છે કે આ વિરોધ પ્રદર્શન નીટ (NEET) પેપર લીક અને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને લઈને થઈ રહ્યું હતું. સુપ્રીમ કોર્ટમાં જ્યારે વિદ્યાર્થીઓની મારપીટનો મુદ્દો ઊઠ્યો ત્યારે મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતે વકીલને કહ્યું, "અમે કોઈ વીડિયો જોવા નથી માગતા."

'પોલીસ એક્શનમાં અનેક પ્રદર્શનકારી ઘાયલ'

CJP (સીજેપી)નો આરોપ છે કે પોલીસની કાર્યવાહીમાં સેંકડો પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે. વિપક્ષ પણ કંઈક આવા જ દાવા કરી રહ્યો છે. CJPના એક પ્રવક્તાએ આને ભારતીય લોકશાહીના ઇતિહાસમાં એક શરમજનક દિવસ ગણાવ્યો. તેમણે કહ્યું કે દિલ્હી પોલીસે ઈમાનદાર વિદ્યાર્થીઓને નિર્દયતાથી માર્યા, જેઓ એક વાજબી મુદ્દા માટે ત્યાં પહોંચ્યા હતા.

મહત્વનું છે કે કોકરોચ જનતા પાર્ટીએ 20 જુલાઈએ સંસદ માર્ચ કાઢી હતી. આ દરમિયાન હજારો પ્રદર્શનકારીઓ સંસદ તરફ આગળ વધ્યા હતા, તેમને રોકવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. જેમાં 100 થી વધુ પોલીસકર્મીઓ અને વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી હતી.

દિલ્હી હાઈકોર્ટે પણ તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કર્યો

મંગળવારે આવો જ એક મામલો દિલ્હી હાઈકોર્ટમાં પણ પહોંચ્યો હતો. ત્યારે દિલ્હી હાઈકોર્ટે પણ આવી જ એક અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે કોર્ટને આમાં ન ઢસેડો.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને કહ્યું- વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જની તપાસ થાય

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશને વિદ્યાર્થીઓના પ્રદર્શન દરમિયાન નિર્દોષ વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જની સખત નિંદા કરી છે. એસોસિએશને કહ્યું કે આ કાર્યવાહીમાં ઘણા વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી છે.