અમદાવાદ/નવી દિલ્હીઃ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર અને ઉત્તર-પશ્ચિમ ભારત સહિત અનેક રાજ્યોમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત 11 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. 85 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગ પ્રમાણે 8 અને 9 એપ્રિલે ગુજરાતના કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને 30 થી 40 કિમી સાથે પવન ફૂંકાઈ શકે છે તેમજ કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
ગુજરાતમાં કેવું રહેશે હવામાન
હવામાન વિભાગ પ્રમાણે, આજે બપોર બાદ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થશે. બપોરે ત્રણ વાગ્યા સુધી માવઠાની શક્યતાઓ છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દમણમાં કમોસમી વરસાદ થઈ શકે છે. મહત્તમ તાપમાનમાં આગામી 48 કલાકમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જે બાદ બેથી ચાર ડિગ્રી તાપમાન વધવાની શક્યતા છે. જોકે, દરિયાકાંઠાના વિસ્તારોમાં 11થી 13મી તારીખ સુધીમાં ગરમ અને ભેજવાળા પવનો ફૂંકાવાની ચેતવણી પણ આપવામાં આવી છે. એટલે કે આજથી ગુજરાતમાં શુષ્ક હવામાન રહેવાની સંભાવના છે.
મહારાષ્ટ્રમાં કેવો રહેશે મોસમનો મિજાજ
આજે મહારાષ્ટ્રના કોઈપણ જિલ્લા માટે કોઈ મહત્વની ચેતવણી નથી. હવામાન મુખ્યત્વે સૂકું અને ગરમ રહેશે. કમોસમી વરસાદનું પ્રમાણ ઘટ્યું છે અને તાપમાનમાં ધીમે ધીમે વધારો થશે. મુંબઈ સહિત કોંકણના હવામાનમાં મોટા ફેરફારો અનુભવાઈ રહ્યા છે. કમોસમી વરસાદનો ખતરો ટળી ગયો છે અને ગરમીનો પારો વધ્યો છે. આજે વરસાદની કોઈ શક્યતા નથી. મહત્તમ તાપમાનનો પારો 31-35 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. આગામી થોડા દિવસોમાં તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.
દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન
જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના કેટલાક જિલ્લામાં ભૂસ્ખલન અને હિમસ્ખલનની ઘટના બની શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવાની સ્પીડ વધશે અને તાપમાન ઘટશે. મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.
રાજધાની દિલ્હીમાં હવામાન વિભાગે આજે યલો એલર્ટ જાહેર કર્યું છે. આ દરમિયાન ભારે પવન ફૂંકાઈ શકે છે. ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. આવતીકાલે પણ આંશિક વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સાથે 30 થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. કેટલીક જગ્યાએ કરા પણ પડી શકે છે. બે દિવસ બાદ તાપમાનમાં વધારો થશે. મધ્ય પ્રદેશના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે આંધીનીશક્યતા છે. ઉત્તર પ્રદેશના આગ્રા, મથુરા, સહારનપુર સહિત અનેક જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે.
બિહારના પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ સહિત અનેક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. આ દરમિયાન 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઉત્તરાખંડમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. પંજાબ અને હરિયાણામાં હળવા વરસાદની શક્યતા છે.