Sun May 17 2026

Logo

અંબાલાલ પટેલ - પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાનને લઈ શું કરી આગાહી, 10 રાજ્યોમાં ભીષણ ગરમીનું એલર્ટ

2026-05-15 08:36:00
Author: Mayur Kumar Patel
Article Image

AI Image


અમદાવાદ-નવી દિલ્હીઃ દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહારથી લઈ કર્ણાટક, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, ઉત્તર અને દક્ષિણ ભારતના મોટાભાગના રાજ્યોમાં ભીષણ ગરમીનો દોર ચાલી રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે 10 રાજ્યોમાં ભારે ગરમી અને આંધી-તોફાનનું એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગ મુજબ આ રાજ્યોમાં વરસાદ-વાવાઝોડાની સાથે વરસાદ પડશે. આ દરમિયાન 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.  સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના બે જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે.

ગુજરાતમાં કેવું રહેશે હવામાન

 ગુજરાતમાં આજે ગરમીનો પ્રકોપ થોડો ઓછો થતો લાગશે. આજે કચ્છ, સુરેન્દ્રનગર અને રાજકોટમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંતના કોઈપણ વિસ્તારોમાં હીટવેવનું એલર્ટ નથી. ગુજરાતના અનેક વિસ્તારોમાં આગામી 24 કલાક 41થી 45 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે. 24 કલાક બાદ પવનની દિશા બદલાઈ શકે છે. જે બાદ ધીમે ધીમે બેથી ચાર ડિગ્રી તાપમાન ઓછું થઈ શકે છે.  

હવામાન વિભાગ મુજબ, સમગ્ર રાજ્યમાં આગામી સમયમાં ગરમી અને ચોમાસાની સિસ્ટમ સક્રિય થવાની સંભાવના  છે.  અમદાવાદના હવામાનની વાત કરીએ તો, શહેરનો પારો 44 ડિગ્રીએ પહોંચવાની આશંકા છે. સ્થાનિક હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેર માટે જારી કરાયેલી આગાહી મુજબ, શહેરમાં આકાશ મુખ્યત્વે ચોખ્ખું રહેશે. જોકે, ગરમીનો પ્રકોપ યથાવત રહેશે અને મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચવાની પ્રબળ સંભાવના છે. 

અંબાલાલે શું કરી છે આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવતીકાલથી ગરમીથી લોકોને રાહત મળશે તેવી આગાહી કરી છે. 19 મેથી રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાંક ભાગોમાં વરસાદ પડશે. તેમણે વધુમાં કહ્યુ હતુ કે, કેરલમના કાંઠે સત્તાવાર ચોમાસું 24-25 મેના બેસે તેવી શક્યતા છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં વહેલું ચોમાસું આવશે.

પરેશ ગોસ્વામીની શું છે આગાહી

મુંબઈ સમાચાર સાથે વાત કરતાં પરેશ ગોસ્વામીએ કહ્યું, આગામી દિવસોમાં ગરમી છેલ્લા 15 થી 17 વર્ષના રેકોર્ડ તોડી શકે છે. 12 થી 18 મે સુધી ગરમીનો પારો આસમાને પહોંચશે અને પરસેવો છોડાવી દેશે.  અત્યારે વરસાદ કે માવઠું થવાની સંભાવના ખૂબ જ ઓછી છે, એટલે કે સૂર્કી અને આકરી ગરમીનો સામનો કરવો પડશે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં રાજ્યના અનેક ભાગોમાં ગરમીનું જોર વધશે અને લોકોએ હીટવેવનો સામનો કરવો પડશે. બીજી તરફ, ખેડૂતોમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ક્યારે શરૂ થશે? તે અંગે પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું હતું. તેમણે કહ્યું, કેટલીક વખત ખેડૂતોને પ્રિ-મોન્સૂન એક્ટિવિટીમાં નુકસાન થતું હોય છે. વરસાદી ઝાપટાથી ઉનાળું પાક જેવા કે તલ, અડદ, મગ, મગફળીમાં થોડું નુકસાન થાય છે. આંબાના બગીચામાં કેરીનું ફ્લાવરિંગ લાગેલું હોય તો તેને પણ નુકસાન થાય. ખેડૂતોને આમાં નુકસાન જતું હોય છે.

ગુજરાતમાં ચોમાસાનો પ્રવેશ દ્વાર વલસાડ જિલ્લો ગણાય છે. વરસાદની સૌપ્રથમ એન્ટ્રી 15 જૂન આસપાસ વલસાડમાં થતી હોય છે. બનાસકાંઠા સુધી પહોંચવામાં સંપૂર્ણ જૂન મહિનો પૂર્ણ થઈ જતો હોય છે, ઘણીવાર જુલાઈના પ્રથમ સપ્તાહમાં પણ પહોંચતું હોય છે. ટૂંકમાં 15 જૂન આસપાસ ચોમાસું ગુજરાતમાં પહોંચી જશે, વાવણી બે થી ત્રણ રાઉન્ડમાં હશે. જૂન મહિના પ્રથમ અઠવાડિયામાં એટલે કે 4 જૂનથી લઈ 7-8 જૂન સુધીમાં એક પ્રિ-મોન્સૂન એક્ટિવિટીનો રાઉન્ડ આવશે. 

15 જૂન આસપાસ જે વરસાદ પડશે તે અમુક છૂટાછવાયા વિસ્તારમાં હશે, સાર્વત્રિક નહીં હોય. વાવણી લાયક વરસાદનો બીજો રાઉન્ડ 22 થી 27 જૂનમાં આવી શકે છે, તેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના તમામ વિસ્તારને આવરી લેશે. જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં ઓલ ઓવર ગુજરાતમાં ચોમાસું ફરી વળશે. એમ ત્રણ રાઉન્ડમાં ચોમાસું ગુજરાતમાં આગળ વધશે.  

દેશના અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન

દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ગરમી વધવાની સંભાવના છે. મધ્ય પ્રદેશમાં ભીષણ લૂ નો પ્રકોપ જોવા મળશે. એમપીના કેટલાક વિસ્તારમાં લૂ તો ક્યાંક વરસાદ, આંધી, કરા પડશે. ઉત્તર પ્રદેશમાં પણ ગરમી ગાભા કાઢશે. અનેક જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી શકે છે. બિહારમાં પણ તાપમાન 39 થી 41 ડિગ્રી રહેશે. રાજસ્થાનના કેટલાક વિસ્તારમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર પહોંચશે, જ્યારે અમુક જગ્યાએ હળવા વરસાદની સંભાવના છે. આગામી 48 કલાકમાં તાપમાન 1 થી 2 ડિગ્રી ઘટવાની શક્યતા છે.

ઝારખંડમાં કરા પડશે. હિમાચલ અને ઉત્તરાખંડના મેદાની વિસ્તારમાં ગરમીની અસર વધશે. જ્યારે પહાડી વિસ્તારોમાં વરસાદ પડશે. મહારાષ્ટ્રમાં ગરમી અને ઉકળાટનો સામનો કરવો પડશે. મુંબઈ, પુણેમાં બફારાથી લોકો પરેશાન થશે. દરિયાઈ વિસ્તારમાં ભેજ વધવાના કારણે અકળામણનો સામનો કરવો પડી શકે છે.