હેમા શાસ્ત્રી
‘હનુમાન અંશ’માં શોભિનવ સત્યા, સંજય મિશ્રા ‘તેરા સાંઈ’માં
પ્રેક્ષક માઈબાપ ક્યારે કઈ ફિલ્મનાડ્ઢ ઓવારણાં લે, એને માથે મૂકીને નાચે અને ક્યારે કોની ઘોર અવગણના કરી પીઠ દેખાડી દે એના કોઈ ગણિત કે તર્ક નથી હોતા.
હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સંદર્ભે આ વાત વધુ એક વાર સોળ આના સાચી સાબિત થઈ છે.
એક જ સંત (હનુમાન ભક્ત નીમ કરોલી બાબા- મૂળ નામ લક્ષ્મણ નારાયણ શર્મા)ના જીવન પરથી સવા બે મહિનાના અંતરાલમાં બે ફિલ્મ રિલીઝ થઈ. 29મેના દિવસે રિલીઝ થયેલી ફિલ્મનું નામ છે ‘શ્રી બાબા નીબ કરોરી મહારાજ’ અને સાતમી ઑગસ્ટે રિલીઝ થયેલી ફિલ્મનું ટાઇટલ છે ‘હનુમાન અંશ’. પહેલી ફિલ્મમાં લક્ષ્મણ નારાયણ શર્માના એક ધનવાન જમીનદાર પરિવારના પ્રારંભિક જીવનથી શરૂ કરીને, તેમના આધ્યાત્મિક જાગરણ, ચમત્કારો અને અંતે ઉત્તરાખંડમાં પ્રખ્યાત કૈંચી ધામ આશ્રમની સ્થાપના સુધીની સફરને દર્શાવવામાં આવી છે.
બીજી તરફ ’હનુમાન અંશ’માં માતાના અવસાન બાદ 13 વર્ષની ઉંમરેથી શરૂ થતી લક્ષ્મણ નારાયણની આધ્યાત્મિક યાત્રા, ભગવાન હનુમાન અને શ્રી રામ પ્રત્યેની તેમની ભક્તિ અને ઉત્તર ભારતમાં ભ્રમણથી સિદ્ધ સંત સુધીનો પ્રવાસ દર્શાવે છે. ફિલ્મમાં રામભક્ત હનુમાનજીની કથા નથી, બલકે ભક્તો જેમને હનુમાનજીનો અવતાર માને છે એ 20મી સદીના આધ્યાત્મિક સંત અને ગુરુ નીમ કરોલી બાબાની જીવન કથની પર આધારિત છે.
ફરક સ્પષ્ટ છે. પહેલી ફિલ્મમાં માનવીય તત્ત્વો વધુ હોવાનો ખ્યાલ આવે છે જ્યારે બીજીમાં દૈવી તત્ત્વ ભારોભાર હોવાનું જણાય છે.’ શ્રી બાબા નીબ કરોરી મહારાજ’ ફિલ્મને જાકારો આપી દર્શકોએ પીઠ દેખાડી દીધી છે. ફિલ્મ ફ્લૉપ થઈ છે. બીજી તરફ ‘હનુમાન અંશ’ને લોકોએ વધાવી લીધી છે. માત્ર બે કરોડના બજેટમાં તૈયાર થયેલી ‘હનુમાન અંશ’ આ સોમવાર (7 સપ્ટે.) સુધીમાં 156 કરોડનો વકરો કરવામાં સફળ રહી હોવાના અહેવાલ છે.
ગુજરાતી વેપારીની ભાષામાં વળતર કેટલું એનો હિસાબ માંડીએ તો ફિલ્મને અધધ કહી શકાય એવું 7700 ટકાનું રિટર્ન્સ મેળવવામાં સફળતા મળી છે. સ્વદેશમાં મળેલી સફળતાથી પોરસાઈને ‘હનુમાન અંશ’ પરદેશમાં પણ રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એના વિતરણ હકો ખરીદી આજે (11 સપ્ટેમ્બરે) વિદેશમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતમાં ફિલ્મને દર્શકોનો જે પ્રતિસાદ સાંપડ્યો છે એની સામે વિદેશમાં કેવો આવકાર મળે છે એના પર મેકરો મીટ માંડીને બેઠા છે.
"Divine Detour: That Changed My Life' પુસ્તક પર આધારિત આ ફિલ્મ કુલ ત્રણ ભાગમાં તૈયાર કરવાનું આયોજન છે. ઍક્ટર વરુણ ધવન અને દિગ્દર્શક આદિત્ય ધરે સોશ્યલ મીડિયા પર ‘હનુમાન અંશ’ની પ્રશંસા કરી છે. જોકે, આ સંદર્ભે ફિલ્મના દિગ્દર્શક વિશાલ ચતુર્વેદીની પ્રતિક્રિયા ઘણી બોલકી છે. એક પૉકાસ્ટમાં ડિરેક્ટરે જણાવ્યું હતું કે ‘ફલ્મને સફળતા મળવાનું શરૂ થતાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેટલાક લોકોએ ફોન કરી મને અભિનંદન આપ્યાં. મારે એમનાં નામ જાહેર નથી કરવાં.
અભિનંદન આપનારી વ્યક્તિમાં એક નામ જાણીતા ફિલ્મમેકર મધુર ભંડારકરનું પણ હતું, જેમની પાસે મેં કોઈ પણ પ્રકારની મદદ નહોતી માગી. અન્ય લોકોનાં નામ હું એટલા માટે નથી લેતો કે મેં તેમની મદદ માગી હતી, પણ તેમણે મદદ નહોતી કરી. હવે સૌ સારા વાનાં થયાં એટલે બધા અભિનંદન આપી રહ્યા છે.’
બોલપટ શરૂ થયા એ પહેલાં મૂકપટ - મૂગી ફિલ્મો બનાવવાનું ચલણ હતું. હાલ એકવીસમી સદીનો ત્રીજો દાયકો ચાલી રહ્યો છે. 100 વર્ષ પહેલાં વીસમી સદીના ત્રીજા દાયકામાં પૌરાણિક ચિત્રો, ધાર્મિક ચિત્રો અને ભક્તિ ચિત્રો વધુ બનતાં. 1920 -1924 દરમિયાન જે મૂગી ફિલ્મો બની એમાં 70 ટકા ફિલ્મો પૌરાણિક શૈલીની હતી. એકવીસમી સદીના પ્રારંભમાં શહેરી રોમેન્સ, ક્રાઇમ થ્રિલર્સ તેમ જ એનઆરઆઇ ડ્રામા કેન્દ્રમાં હતા, પણ પછી ઇન્ડસ્ટ્રી ‘ધર્મમ શરણં ગચ્છામિ’ થઈ એવું ચિત્ર ઊપસ્યું હતું.
આ વર્ષની સુપરહિટ ભક્તિપ્રધાન ફિલ્મ ‘હનુમાન અંશ’ એનું તાજું ઉદાહરણ છે. 1920ના દાયકામાં થિયેટરો મંદિર જેવાં લાગતાં હતાં એ જ રીતે ‘હનુમાન અંશ’ના શો દરમિયાન કેટલાક સિનેમા હૉલ ભક્તિમય સ્થળોમાં ફેરવાઈ ગયા છે. થિયેટરોમાં લોકો સામાન્ય હૉલની જેમ નહીં, પણ મંદિરની પવિત્રતા જાળવતા હોય એમ બુટ-ચંપલ બહાર ઉતારીને ફિલ્મ જોવા ગયા હતા. કેટલેક ઠેકાણે ફિલ્મની શરૂઆતમાં અને ક્લાઇમેક્સનાં દૃશ્યો દરમિયાન આખો હૉલ એકસૂરે ‘જય શ્રી હનુમાન’ અને ‘જય શ્રી રામ’ના નારાઓથી ગૂંજી ઉઠ્યો હોય એવા અહેવાલ પણ સોશ્યલ મીડિયામાં ફર્યા છે.
અમુક થિયેટરોમાં બહાર નીકળતા દર્શકોને બુંદીના લાડુ, પાણી અને સુંદરકાંડની ચોપડીઓ પ્રસાદ સ્વરૂપે મફત આપવામાં આવી હોય એવા વીડિયો પણ જોવા મળ્યા છે. કોઈ પણ પ્રમોશન વિના માઉથ પબ્લિસિટીથી આ ફિલ્મ હિટ થઈ છે. ગયા વર્ષે રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ ‘લાલો-કૃષ્ણ સદા સહાયતે’ના સ્ક્રીનિંગ વખતે પણ ભાવુક થયેલા દર્શકો થિયેટરમાં કૃષ્ણભક્તિના નારા લગાવતા અને ગરબા રમવા લાગ્યા હોવાના અહેવાલ આવ્યા હતા.
‘હનુમાન અંશ’ની સફળતાથી હિન્દી ફિલ્મોમાં વિવિધ છટાના રોલથી પ્રભાવ પાડનાર ઍક્ટર સંજય મિશ્રા ખુશ થયો છે. વાત એમ છે કે સાંઈબાબાના જીવન અને કવન પર આધારિત ફિલ્મ ‘તેરા સાંઈ’માં સંજય સાંઈબાબાની ભૂમિકામાં છે. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં હિન્દી ઉપરાંત મરાઠી, તમિળ અને તેલુગુમાં રિલીઝ કરવામાં આવશે એવી ઘોષણા કરવામાં આવી છે. પલાશ મુચ્છલ દિગ્દર્શિત આ ફિલ્મમાં સયાજી શિંદે, અવિકા ગોર અને મનોજ જોશી પણ છે.