ફોકસ - સંજય શ્રીવાસ્તવ
ગેલેક્સઆઈ દ્વારા ‘મિશન દૃષ્ટિ’ નામનો દુનિયાનો સૌપ્રથમ ઓપ્ટાએસએઆર ઉપગ્રહ સફળતાપૂર્વક લૉન્ચ કરાયા બાદ દુનિયાભરના મીડિયામાં ભારતની ખાનગી અંતરિક્ષ કંપનીઓની ઓછા ખર્ચ સાથેની તકનિકી કાર્યક્ષમતા અને આ જ આધાર પર વૈશ્વિક અંતરિક્ષ બજારમાં તેમની ઝડપી પ્રગતિની ચર્ચાઓ થઈ રહી છે. તેઓ આ પરિસ્થિતિ માટે દૂરદર્શી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શ્રેય આપી રહ્યા છે, જે સર્વથા યોગ્ય છે.
જ્યારે ભારતે ‘મિશન દૃષ્ટિ’ હેઠળ 190 કિલોગ્રામ વજનનો વિશ્વનો પ્રથમ ઓપ્ટાએસએઆર ઉપગ્રહ અમેરિકાના કેલિફોર્નિયા સ્થિત વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ પરથી સ્પેસએક્સના ફાલ્કન 9 રૉકેટ દ્વારા લૉન્ચ કર્યો ત્યારે ઘણા લોકોએ ‘ગેલેક્સઆઈ’ નામ પહેલીવાર સાંભળ્યું. દેશની સ્પેસ ટેક્નૉલૉજી ક્ષમતાનો ડંકો વૈશ્વિક સ્તરે વાગી ગયો અને સમાચારોમાં ઇસરોની જગ્યાએ દેશનો સૌથી મોટો પૃથ્વી અવલોકન ઉપગ્રહ બનાવનારી કોઈ એવી ખાનગી કંપનીનું નામ હેડલાઇન્સમાં સામેલ હોય જેના અસ્તિત્વને માંડ પાંચ વર્ષ થયાં હોય, એવું પહેલાં ક્યારેય બન્યું નથી. આટલા ટૂંકા સમયમાં આ અદ્ભુત સફળતા મેળવીને તેણે સાબિત કરી દીધું છે કે ભારતના ખાનગી અંતરિક્ષ ક્ષેત્રની પ્રગતિ કેટલી ઝડપી છે. સ્પષ્ટ છે કે ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન અને ઇસરોની વ્યાપારી શાખા સાથેની ભાગીદારી જેવા સરકારી સુધારાઓ હવે પરિણામ આપવા લાગ્યા છે અને ભારતનું સ્પેસ ઇકોસિસ્ટમ સરકારી એકાધિકારમાંથી બહાર નીકળીને ઇનોવેશન-આધારિત મોડલ તરફ આગળ વધી રહ્યું છે તથા તકનિકી રીતે અત્યંત અદ્યતન બની ગયું છે.
ગેલેક્સઆઈ દ્વારા લૉન્ચ કરાયેલ ‘મિશન દૃષ્ટિ’ની ઓપ્ટાએસએઆર ટેક્નૉલૉજીમાં ઇલેક્ટ્રો-ઑપ્ટિકલ એટલે કે ઇઓ અને સિન્થેટિક અપર્ચર રડાર અથવા એસએઆર સેન્સરને એક જ પ્લૅટફૉર્મ પર જોડવામાં આવ્યા છે. ઈઓ સેન્સર દૃશ્યમાન અને ઇન્ફ્રારેડ તરંગલંબાઈમાં તસવીરો લે છે, જ્યારે એસએઆર માઇક્રોવેવ રડારના માધ્યમથી સ્પષ્ટ ચિત્ર મેળવે છે. આ સંયોજનના કારણે આ ઉપગ્રહ ચોવીસ કલાક અને કોઈપણ હવામાન કે પરિસ્થિતિમાં ડેટા એકત્રિત કરવા માટે સક્ષમ છે. આ ક્ષમતા અત્યાર સુધી સીમિત દેશો પાસે હતી અથવા અલગ-અલગ પ્રણાલીઓમાં વહેંચાયેલી હતી, જ્યારે ભારતે તેને એકીકૃત સ્વરૂપે રજૂ કરી છે. વૈશ્વિક સંદર્ભમાં જોઈએ તો અમેરિકા, ચીન અને યુરોપ જેવા દેશો પૃથ્વી અવલોકનમાં અગ્રેસર રહ્યા છે, પરંતુ વ્યૂહાત્મક દૃષ્ટિએ ‘ગેમ ચેન્જર’ ગણાતી ઓપ્ટાએસએઆર ટેક્નૉલૉજી જેવી એકીકૃત પ્રણાલી ભારતને તકનિકી ધાર આપે છે. પાકિસ્તાન અને ચીન જેવા પડોશી દેશો સાથેના તણાવ વચ્ચે, આ ઉપગ્રહ સેનાને દોઢ મીટરના દાયરામાં સરહદ પારની સચોટ માહિતી પૂરી પાડશે.
કૃષિ મૉનિટરિંગ, આપત્તિ વ્યવસ્થાપન, દરિયાકાંઠાની સુરક્ષા અને શહેરી આયોજન જેવાં ક્ષેત્રોમાં તેની ઉપયોગિતા વ્યાપક છે. પૂર અથવા વાવાઝોડાના સમયે ઝડપી અને સચોટ ડેટા નિર્ણય લેવાની ક્ષમતામાં અનેકગણો વધારો કરી શકે છે. આ પ્રકારે ‘મિશન દૃષ્ટિ’ એ ‘ડ્યુઅલ-યૂઝ ટેક્નૉલૉજી’નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે, જેનાથી નાગરિક અને સૈન્ય બંને લાભો એકસાથે પ્રાપ્ત થશે. ઉપગ્રહોમાંથી મળતા વિઝ્યુઅલ ડેટાનું મોટું બજાર છે, તેથી તેના આર્થિક પાસાંઓ પણ છે. આપણે સૌ જાણીએ છીએ કે ઑપરેશન સિંધુ સમયે ભારત દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકી અડ્ડાઓનો ખાતમો કરવાની સચોટ તસવીરો, જે અમેરિકન સ્પેસ કંપની પાસેથી મોડી મળી હતી અને તે શૅર કરવા પર પણ કંપનીએ રોક લગાવી દીધી હતી. હવે ઓપ્ટાએસએઆર ઉપગ્રહ હોવાથી એવું નહીં થાય, ભારતને ‘સોવરિન સ્પેસ ઇન્ટેલિજન્સ’ની સ્થિતિ પ્રાપ્ત થશે. ગેલેક્સઆઈ તો માત્ર એક ઉદાહરણ છે, દેશમાં ઇસરો સાથે મળીને કામ કરતો એક સમૃદ્ધ વાણિજ્યિક અંતરિક્ષ ઉદ્યોગ ઊભો થઈ ચૂક્યો છે.
એવો અંદાજ છે કે હાલમાં ખાનગી અંતરિક્ષ ક્ષેત્રમાં 400થી વધુ સ્ટાર્ટઅપ્સ કામ કરી રહ્યા છે. 150થી વધુ કંપનીઓ નાના ઉપગ્રહો, લૉન્ચ વ્હીકલ્સ, પૃથ્વી અવલોકન, એઆઈ એનાલિટિક્સ અને કિફાયતી ઉકેલો પર શાનદાર કામ કરી રહી છે, તો વળી ઘણી કંપનીઓ ઉપકરણો અને યંત્રો બનાવવાનું કામ કરી રહી છે. સ્કાઇરૂટ ઍરોસ્પેસ-જેણે ખાનગી ક્ષેત્રનું પ્રથમ સફળ રૉકેટ ‘વિક્રમ-એસ’ બનાવ્યું અને હાઇપરસ્પેક્ટ્રલ ઇમેજિંગમાં વૈશ્વિક ઓળખ બનાવનારી પિક્સલ કંપની વિશે તો સૌ કોઈ પરિચિત છે. અગ્નિકુલ કોસ્મોસ જે થ્રી-ડી પ્રિન્ટેડ એન્જિન ‘અગ્નિલેટ’ના નિર્માણથી ચર્ચામાં આવી હતી તે હવે ઉપગ્રહો માટે સ્પેસએક્સની સ્પેસ બસના ક્ધસેપ્ટથી વિપરીત એક સ્પેસ ‘ટેક્સી’ બનવા માગે છે. થ્રી-ડી પ્રિન્ટર્સનો ઉપયોગ કરીને તે ફાલ્કન 9થી નાના અને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા રૉકેટ બનાવવાનું વિચારી રહ્યું છે, જેને ગ્રાહકની ઇચ્છા અનુસાર ગમે ત્યાંથી લૉન્ચ કરી શકાય અને તેમના ઉપગ્રહને બરાબર એ જ કક્ષામાં સચોટતાથી સ્થાપિત કરી શકાય, જેની તેમને જરૂર છે. શક્ય છે કે આ વર્ષના અંત સુધીમાં તે આ લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે.
દિગાંતરા એક ઓર્બિટલ ઍર-ટ્રાફિક કંટ્રોલર તરીકે કામ કરી રહ્યું છે, જે ગ્રાહકોને તેમના ઉપગ્રહો અવકાશી કાટમાળ સાથે અથડાવાના જોખમ પર દેખરેખ રાખવામાં મદદ કરે છે. હવે તેના ઉપગ્રહ પર લાગેલા લેઝર પૃથ્વી પર રહેલી મિસાઇલોને પણ એટલી જ સરળતાથી ટ્રેક કરી શકે છે, જેટલી સરળતાથી તેઓ અંતરિક્ષના કાટમાળને ટ્રેક કરી રહ્યા હતા. આ કંપનીઓ દેશની બહાર પણ પગપેસારો કરી રહી છે. આજે પિક્સેલ નાસા સાથે ડેટા ભાગીદારી કરી રહી છે, તો સ્કાઇરૂટ આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને લૉન્ચિંગ સેવાઓ પૂરી પાડી રહી છે અને ધ્રુવ સ્પેસ વૈશ્વિક સેટેલાઇટ સેવાઓમાં મોખરે છે. આ જ રીતે, તમામ ખાનગી અંતરિક્ષ કંપનીઓ વિવિધ પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે અને સંશોધન કરી રહી છે. આના કારણે ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નૉલૉજી’- જે અંતરિક્ષ વિજ્ઞાન માટે સમર્પિત એક વિશેષ યુનિવર્સિટી છે, જ્યાંથી ગ્રૅજ્યુએટ થનારા વિદ્યાર્થીઓ પાસે પહેલાં પબ્લિક સેક્ટરની બહાર રોજગારની બહુ ઓછી તકો ઉપલબ્ધ હતી, આજે તેમની પાસે તકોનો અંબાર છે.
ભારતીય કંપનીઓનું મોડલ ‘ઓછા ખર્ચે ઉચ્ચ-કાર્યક્ષમતા ધરાવતા ઇનોવેશન’ પર આધારિત છે. વૈશ્વિક સ્તરે ભલે તેઓ મૂડી અને સ્કેલમાં હજુ પાછળ હોય, પરંતુ ખર્ચ અને ઇનોવેશનની ક્ષમતામાં તેઓ મોટા ખેલાડી છે. આ વાત એના પરથી જ સમજી શકાય છે કે ભારતનો લૉન્ચિંગ ખર્ચ પશ્ર્ચિમી દેશો કરતાં 30થી 60 ટકા જેટલો ઓછો છે.
ભારત હવે સર્વિસ પ્રોવાઇડરમાંથી ટેક્નૉલૉજી પ્રોવાઇડર બની રહ્યું છે. વર્તમાન વૈશ્વિક સ્પેસ માર્કેટમાં તેનો હિસ્સો ભલે અત્યારે માત્ર ત્રણ ટકા જ હોય, પરંતુ 2030 સુધીમાં તે દસ ટકા સુધી પહોંચી જશે અને ત્યારે આ ભારતીય ઉદ્યોગ 8 અબજ ડૉલરથી વધીને 40 અબજ ડૉલર કરતાં વધુનો થઈ જશે. વિતેલાં વર્ષોમાં આ ક્ષેત્રમાં ખાનગી રોકાણમાં થયેલા 4 ગણા વધારાને ધ્યાનમાં રાખીને ભારતના ભાવી અંતરિક્ષ ઉદ્યોગપતિઓને આશા છે કે આ ઉદ્યોગ એક ફાયદાકારક રોકાણ સાબિત થશે.
આગામી વર્ષે ગગનયાનની સફળતા બાદ તેઓ આ તરફ વધુ આકર્ષિત થશે. 1962માં વિક્રમ સારાભાઈના આગ્રહ પર નેહરુએ ઇસરોની સ્થાપના કરી હતી, પરંતુ 2020 સુધી ભારતનું અંતરિક્ષ ક્ષેત્ર માત્ર એક નાના-મોટા ઉદ્યોગ જેવું હતું. કંપનીઓનું એક સીમિત જૂથ ઇસરો સાથે મળીને તેનાં મિશનો માટે માત્ર સ્પેરપાર્ટ્સ બનાવતું હતું. આ સ્થિતિ વર્તમાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીના કારણે બદલાઈ, જેમણે 2020માં અંતરિક્ષ ક્ષેત્રને ખાનગી કંપનીઓ માટે ખોલી દીધું. તેમણે ‘ઇન-સ્પેસ’ નામની એક ‘સિંગલ-વિન્ડો’ સિસ્ટમ શરૂ કરી જેના માધ્યમથી કંપનીઓ તમામ પ્રકારની અંતરિક્ષ પ્રવૃત્તિઓ માટે લાઇસન્સ મેળવી શકતી હતી અને સાથે જ તેમને ઇસરોની લૉન્ચિંગ ફૅસિલિટીઝનો ઉપયોગ કરવાની મંજૂરી પણ મળી.
સરકાર ઇચ્છે છે કે સ્વદેશી સ્પેસ મિશનનો ઉપયોગ સ્વદેશી સ્પેસ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા માટે થાય. સરકારને આશા છે કે ખાનગી અંતરિક્ષ ક્ષેત્ર દેશને અદ્યતન મૅન્યુફૅક્ચરિંગનું એક મોટું હબ બનાવવાની સાથે ‘સ્પેસ ઇકૉનૉમી’માં તેનો હિસ્સો વધારશે; કારણ કે ડેટા સેવાઓનું વૈશ્વિક બજાર ઝડપથી વધી રહ્યું છે.
સરકારની પ્રેરણા અમેરિકા છે, જ્યાં ખાનગી કંપની સ્પેસએક્સ એ દેશની સ્પેસ એજન્સી નાસા સાથે એક કરાર કર્યો છે, જેના અંતર્ગત તે એક એવી લેન્ડિંગ સિસ્ટમ આપશે જેનો ઉદ્દેશ આર્ટેમિસ મિશનના આગામી તબક્કામાં અંતરિક્ષ યાત્રીઓને ફરીથી ચંદ્રની સપાટી પર લઈ જવાનો છે. એકંદરે, ભારતનું અંતરિક્ષ ક્ષેત્ર હવે ખાનગી અને જાહેર ક્ષેત્રનું એક મિશ્રિત ઇકોસિસ્ટમ બનતું દેખાઈ રહ્યું છે.