ભરત ભારદ્વાજ
ગયા વરસે પાકિસ્તાન સામે હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા ભારતના 6 વીર જવાનોનાં નામ કેન્દ્ર સરકાર દ્વારા 13 મહિના પછી જાહેર કરાયાં તેનો વિવાદ ચગ્યો છે. કૉંગ્રેસે મોદી સરકાર સામે શહીદોનાં નામ છુપાવવાનો આક્ષેપ મૂક્યો છે અને સાથે સાથે મોદી સરકારે ઓપરેશન સિંદૂરમાં ભારતને થયેલા નુકસાનની વિગતો છુપાવીને દેશ સાથે ગદ્દારી કરી હોવાનો આક્ષેપ પણ કર્યો છે.
કૉંગ્રેસે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે સંસદમાં આપેલા એક નિવેદનનો વીડિયો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ એકસ પર મૂક્યો છે કે જેમાં રાજનાથ સિંહે એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે ઓપરેશન સિંદૂરમાં ભારતને કોઈ નુકસાન થયું નથી. કૉંગ્રેસનો આક્ષેપ છે કે, કેન્દ્ર સરકારે આ જવાનોની શહાદત એક વર્ષ સુધી જાહેર નહીં કરીને શહીદો જે સન્માનના હકદાર હતા તેનાથી તેમને વંચિત રાખીને શહીદોનું અપમાન કર્યું છે.
ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય લશ્કરે પાકિસ્તાન અને પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પોક)માં 6 મેના રોજ જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબા સાથે સંકળાયેલા નવ આતંકી ઠેકાણાં પર હુમલા કરીને 100થી વધુ આતંકવાદીઓનાં ઢીમ ઢાળી દીધાં હતાં. 10 મેના રોજ ભારત અને પાકિસ્તાનના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ) વચ્ચે વાતચીત પછી બંને વચ્ચે યુદ્ધ વિરામ થયો હતો.
સંરક્ષણ મંત્રાલયે હમણાં વોર મેમોરિયલ ખાતે ઓપરેશન સિંદૂરમાં શહીદ થયેલા લાન્સ નાયક દિનેશ કુમાર ( ફિફ્થ ફિલ્ડ રેજીમેન્ટ), અગ્નિવીર મૂડ મુરલીનાયક (851 લાઈટ રેજિમેન્ટ), સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર (એરફોર્સ , 39 વિંગ), સૂબેદાર મેજર પવન કુમાર (હેડક્વાર્ટર, 10 ઈન્ફ્રન્ટ્રી બ્રિગેડ), રાઈફલમેન સુનીલ કુમાર (4 જમ્મુ એન્ડ કાશ્મીર ઈન્ફ્રન્ટ્રી) અને હવાલદાર સુનિલકુમાર સિંહ (237 વર્કશોપ કંપની)નાં નામ કોતરાવ્યાં છે.
આ છ શહીદોમાંથી બેને વીરતા સન્માન અપાયું છે જ્યારે રાઇફલમેન સુનીલ કુમારને મરણોત્તર વીર ચક્ર આપવામાં આવ્યો હતો. સાર્જન્ટ સુરેન્દ્ર કુમારને તેમની બહાદુરી માટે મરણોત્તર વાયુ સેના મેડલ મળ્યો હતો. જો કે ઓપરેશન સિંદૂર 2025ના મે મહિનામાં હાથ ધરાયું તેના 14 મહિના પછી શહીદોનાં નામ જાહેર કરીને મોદી સરકારે વિગતો દેશથી છૂપાવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
સંરક્ષણ મંત્રાલયે કૉંગ્રેસના આક્ષેપોને બકવાસ અને દેશને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે. સંરક્ષણ મંત્રાલયે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે, કેટલાક મીડિયા રિપોર્ટ્સ અને સોશ્યલ મીડિયા પોસ્ટ્સમાં એવો ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓપરેશન સિંદૂરના છ શહીદોને પહેલીવાર હવે જાહેર સન્માન મળ્યું છે પણ આ વાત સાવ ખોટી છે. સંરક્ષણ મંત્રાલયે ક્યારે ક્યારે આ શહીદોના નામનો ઉલ્લેખ કરાયો અને તેમને માન અપાયું તેની વિગતો પણ આપી છે.
સંરક્ષણ મંત્રાલયના કહેવા પ્રમાણે, 11 મે 2025 ના રોજ યોજાયેલી સત્તાવાર પ્રેસ કોન્ફરન્સમાં તત્કાલિન ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (ડીજીએમઓ)એ શહીદ છ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. એ પછી 14 ઓગસ્ટ 2025ની પ્રેસ નોટમાં તેમને વીરતા પુરસ્કાર આપવામાં આવ્યા હોવાની માહિતી પણ જાહેર કરવામાં આવી હતી.
ઈન્ડિયન આર્મીના સત્તાવાર સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શહીદોને તરત જ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. 8 ઓક્ટોબર 2025ના રોજ એરફોર્સ ચીફે વાયુસેનાના શહીદ સાર્જન્ટના પરિવારજનોને સન્માનિત કર્યા જ્યારે 15 જાન્યુઆરી 2026 ના રોજ જયપુરમાં સેના દિવસ પરેડ દરમિયાન આર્મી એે ત્રણ શહીદોના પરિવારજનોને સેના મેડલ (વીરતા) આપ્યા હતા.
નેશનલ વોર મેમોરિયલમાં નામ નોંધવામાં મોડું થવા વિશે સંરક્ષણ મંત્રાલયે ચોખવટ કરી છે કે, રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર શહીદોના નામ નોંધવાની એક નિશ્ર્ચિત પ્રક્રિયા અને પ્રોટોકોલ છે. ઓપરેશન સિંદૂરના શહીદોનાં નામ આ પ્રક્રિયા હેઠળ નોંધવામાં આવ્યાં છે તેથી નામ નોંધવામાં વિલંબ થયો છે કે શહીદોને હવે પહેલીવાર સન્માન મળ્યું છે એ વાત સાચી નથી. મંત્રાલયે એવો દાવો પણ કર્યો છે કે, કેન્દ્ર સરકારે શહીદોના પરિવારોને શિક્ષણ, આરોગ્ય અને અન્ય તમામ નિર્ધારિત સુવિધાઓ પણ આપી છે.
રાજનાથસિંહના નિવેદન વિશે મંત્રાલયે એવો બચાવ કર્યો છે કે, રાજનાથ સિંહના સંસદમાં આપેલા ભાષણના એક ભાગને અલગ કરીને રજૂ કરીને એવો ખોટો સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે રાજનાથે ઓપરેશન સિંદૂરમાં કોઈ ભારતીય સૈનિક શહીદ ન થયા હોવાની વાત કહી હતી. વાસ્તવમાં રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય વાયુસેનાના પાઇલટોના મૃત્યુના દાવાઓને નકાર્યો હતો.
સંરક્ષણ મંત્રાલયની વાત અર્ધસત્ય છે. ઓપરેશન સિંદૂરમાં ભારતીય જવાનોની શહાદતની વાત સરકારે છુપાવી નહોતી એ હકીકત છે પણ રાજનાથે ભારતને કોઈ નુકસાન નથી થયું એવું કહેલું એ પણ હકીકત છે. 11 મેના રોજ શહીદોનાં નામ જાહેર કરાયાં હતાં તેમાં શહીદોનાં નામ જાહેર કરાયેલાં એ વાસ્તવિકતા છે.
કૉંગ્રેસ આ મુદ્દાને ચગાવીને આક્ષેપો કરી રહી છે પણ કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પોતે 12 મે, 2025ના રોજ ટ્વિટ કરીને સુબેદાર પવન કુમાર, સિપાહી એમ. મુરલી નાઈક, લાન્સ નાઈક દિનેશ કુમાર, બીએસએફ સબ ઈન્સ્પેક્ટર મોહમ્મદ ઈમ્તિયાઝ, સાર્જન્ટ સુરેન્દ્ર કુમાર મોગા, રાઈફલમેન સુનીલ કુમાર અને રાજૌરી સ્થિત અધિકારી રાજ કુમાર થાપાને શ્રધ્ધાંજલિ આપી હતી.
પ્રિયંકાએ ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ નહોતો કર્યો પણ આતંકવાદીઓ સામે ભારતીય લશ્કરના ઓપરેશન અને પાકિસ્તાન સાથેના લશ્કરી જંગ દરમિયાન આપણા સૈનિકોની શહાદતને ખૂબ જ દુ:ખદ ગણાવ હતી. સ્પષ્ટ રીતે જ આ વાત ઓપરેશન સિંદૂરની જ છે તેથી સરકારે શહીદોનાં નામ છૂપાવ્યાં એ વાત ખોટી છે. પ્રિયંકા ગાંધીની ટ્વિટ હજુ ડીલીટ નથી કરાઈ તેથી સરકારની ટીકા કરનારા હજુ પણ જોઈ શકે છે.
જો કે રાજનાથસિંહે સંસદમાં ભારતના કોઈ સૈનિક નથી મરાયા એવું કહેલું એ પણ સ્પષ્ટ છે. રાજનાથસિંહે 28 જુલાઈ 2025ના રોજ સંસદમાં કહું કે, વિપક્ષ પૂછે છે કે, આપણાં કેટલાં વિમાન તોડી પડાયાં પણ ક્યારેય એ નથી પૂછ્યું કે, ભારતીય લશ્કરે દુશ્મનોના કેટલા વિમાન તોડી પાડ્યા. વિપક્ષે પૂછવું જ હોય તો એ પણ પૂછે કે, આ ઓપરેશનમાં આપણા બહાદુર સૈનિકોને કોઈ નુકસાન થયું છે? તેનો જવાબ ‘ના’ છે.
રાજનાથે પોતાના જવાબમાં કેટલા પાઇલટ કે એરફોર્સ સ્ટાફ મરાયો તેવો કોઈ ઉલ્લેખ કર્યો નથી ને સ્પષ્ટપણે સૈનિકો નથી મરાયા એવું કહ્યું છે એ જોતાં રાજનાથના નિવેદન વિશેનો બચાવ લૂલો છે. અલબત્ત, આ મુદ્દો પણ મહત્ત્વનો નથી કેમ કે રાજનાથના જવાબના દોઢ મહિના પહેલાં જ છ ભારતીય જવાનો શહીદ થયા હોવાનો સ્વીકાર કરી લેવાયો હતો.
રાજનાથ કદાચ પાઇલટ્સના સંદર્ભમાં જ વાત કરતા હશે પણ વાતને યોગ્ય રીતે ના મૂકી શક્યા હોય એવું બને. વિપક્ષોએ એ વખતે રાજનાથના નિવેદન સામે વાંધો લેવો જોઈતો હતો. હવે 12 મહિના પછી દૂધમાંથી પોરા કાઢો તેનો શો અર્થ?