Sat Aug 15 2026

Logo

કવર સ્ટોરી: ‘ધી ઓડિસી’નું ગુજરાતી કનેક્શન

2026-07-31 08:32:00
Author: Hema shashtri
Article Image

 

 

 

ક્રિસ્ટોફર નોલાનની ફિલ્મમાં એક્ટર હિમેશ પટેલ ગુજરાતી યુગલનું સંતાન છે અને સંગીતમાં વપરાયેલું વાદ્ય આપણા કચ્છમાં જોવા મળે છે

 

- હેમા શાસ્ત્રી

 

યુરોલખસના પાત્રમાં હિમેશ પટેલ , ‘ધી ઓડિસી’માં મેટ ડેમન અને અન્ય કલાકારો, પ્રાચીન ગ્રીસમાં અને ફિલ્મમાં ધ્વનિ આપનાર ‘ઓલોસ’ અને કચ્છનું લોકવાદ્ય જોડિયા પાવા

 

હોલિવૂડમાં સ્ટાર લોકોનો દબદબો છે ખરો, પણ એવા ફિલ્મમેકર સુધ્ધાં છે, જેમના ચિત્રપટ માટે સિને રસિકોમાં ઉત્સુકતા - કુતૂહલ રહે છે. એમાં પહેલું નામ નિ:શંક અમેરિકન ફિલ્મમેકર સ્ટીવન સ્પીલબર્ગનું આવે. એમની સાથે ખભેખભા મિલાવી પડખે બેસી શકે એવા મેકર છે બ્રિટિશ અમેરિકન ક્રિસ્ટોફર નોલાન. 28 વર્ષમાં 14 ફિલ્મ આપનારા નોલાન ભારતીય ફિલ્મ દર્શકોના માનીતા મેકર છે. બીજી ફિલ્મ ‘મેમેન્ટો’ (આમિર ખાનની ‘ગજની’ એના પર આધારિત હતી)થી આપણે ત્યાં જાણીતા બનેલા ક્રિસ્ટોફર નોલાનની The Odyssey  વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. 375 મિલ્યન ડૉલર (250 મિલ્યન ડૉલર પ્રોડક્શન ખર્ચ+ 125 મિલ્યન ડૉલર માર્કેટિંગ ખર્ચ)ના ખર્ચે બની વિવેચકોની વાહવાહ અને દર્શકોની દાદ મેળવનારી આ ફિલ્મ. આ લખાય છે ત્યાં સુધીમાં 700 મિલ્યન ડૉલર (વિશ્વભરમાં)નો વકરો કરવામાં સફળ રહી છે. 

 

પ્રાચીન ગ્રીક કવિ હોમર લિખિત ‘ઓડિસી’ એક મહાકાવ્ય છે. ફિલ્મમાં રાજા ઓડિશ્યસ 10 વર્ષ ચાલેલા યુદ્ધ પછી 10 વર્ષ રઝળપાટ કરી (કુલ 20 વર્ષે) ઘરે પાછો ફરે છે એની થરથરાવી દેનારી મુસાફરીનું ચિત્રણ છે. સાથે રાણી પેનેલપી અને પુત્ર ટેલિમેકસની પ્રતીક્ષાની પણ કહાણી છે. રાજાની ગેરહાજરીમાં બધું હડપવા માગતા લોભિયાઓ સાથે પરિવારના સંઘર્ષની કથા છે અને ઓડિશ્યસ એકલપંડે 108 લોભિયાઓને ખતમ કરી પત્ની  પેનેલપી અને પોતાનું રાજ્ય પાછું મેળવે છે એની કથા છે. સાથે સાથે યુદ્ધની ભયાનક્તાથી ભાગતા સૈનિકની કથા પણ છે. યુદ્ધથી ત્રાસેલો ઓડિશ્યસ લડાઈનો અંત અને શાંતિ ઝંખે છે.

 

ફિલ્મના કલાકારોમાં મેટ ડેમન (સ્ટીવન સ્પીલબર્ગનીSaving Private Ryanથી ખ્યાતિ મળી), એન હેથવે (રોબર્ટ ડી નીરો સાથે The Intern  ગાજી હતી), રોબર્ટ પેટિન્સન, ટોમ હોલેન્ડ, ચાર્લીઝ થેરોન, હિમેશ પટેલ, ઝેન્ડએ અને અન્યની હાજરી છે.

 

 આ હિમેશ પટેલ કોણ છે?

 

નોલાનની આ ફિલ્મના કલાકારોની યાદીમાં એક નામ વાંચી અચરજ થવું સ્વાભાવિક છે. એ નામ છે હિમેશ પટેલ, જેણે ફિલ્મમાં રાજા ઓડિખમયસના સેક્ધડ - ઈન - કમાન્ડ, દ્વિતીય હરોળના સહાયક યુરોલખસનું પાત્ર ભજવ્યું છે. હિમેશ પટેલ બ્રિટિશ - ઈન્ડિયન એક્ટર છે જે બ્રિટિશ ટેલિવિઝનથી શરૂઆત કરી ફિલ્મો અને સ્ટ્રીમિંગ પ્રોજેક્ટ્સમાં કામ કરી માનપાન અને દામ મેળવી ચુક્યો છે. ઈંગ્લેન્ડના કેમ્બ્રિજશાયરમાં જન્મેલા 36 વર્ષના હિમેશના માતા - પિતા મૂળ ગુજરાતી છે. વર્ષો પહેલાડ્ઢ આ દંપતી સૌરાષ્ટ્રથી ઈસ્ટ આફ્રિકા ગયું હતું અને ત્યાંથી યુનાઈટેડ કિંગડમ - યુકેમાં સ્થળાંતર કર્યું હતું. યુકે આવેલા અનેક ગુજરાતીઓની જેમ હિમેશના માતા - પિતા અખબાર વેચવાની નાનકડી દુકાન ચલાવતા હતા અને વિદ્યાર્થી કાળમાં હિમેશએ વર્તમાનપત્ર ઘરે ઘરે પહોંચાડવાનું કામ કર્યું હતું. નાની ઉંમરે જ હિમેશને અભિનય માટે લગાવ થયો અને બાળ કલાકાર તરીકે લોકલ થિયેટર ગ્રપિંમાં જોડાઈ ગયો. 16 વર્ષની ઉંમરે તેને બીબીસીના ‘ઈસ્ટએન્ડર્સ’ નામના શોમાં તક મળી અને નવ વર્ષ સુધી આ શો સાથે સંકળાયેલો રહ્યો. 2019માં ડેની બોયલ (સ્લમડોગ મિલિયનેયર યાદ છે?)ની મ્યુઝિકલ કોમેડી ફિલ્મ ‘યસ્ટરડે’થી ફિલ્મ કરિયરની શરૂઆત થઈ. આ ફિલ્મમાં તેણે સંઘર્ષ કરતા મ્યુઝિશ્યનનો રોલ કર્યો હતો. ટૂંકી પણ સશક્ત ફિલ્મોગ્રાફી ધરાવતા હિમેશએ 2020માં નોલાનની ‘ટેનેટ’માં માહિર નામના ફિક્સરનો રોલ કર્યો હતો. ‘ધ ઓડિસી’ એક્ટરની નોલાન સાથે બીજી ફિલ્મ છે. 

 

ફિલ્મમાં યુરોલખસ રાજાનો સેક્ધડ - ઈન - કમાન્ડ હોવા ઉપરાંત એનો બનેવી પણ છે. ઓડિશ્યસની બહેન સાથે તેના લગ્ન થયાં હોય છે. જોકે, રાજાનો વિશ્વાસુ સાથી વિશ્વાસઘાત કરે છે અને એના કારણમાં છે ભય અને ભૂખ. વાવાઝોડામાં ફસાઈ જવાથી સૈનિકોનો ખોરાક સમાપ્ત થવાથી ભૂખમરાના દિવસો આવે છે. આ તબક્કે ભૂખ્યા મરવા કરતા ઈશ્વરનો ખોફ બહેતર છે એવું સ્વીકારી રાજાની વાત અવગણી યુરોલખસ સૂર્યદેવ હેલીઓસના ઢોરઢાંખરનો વધ કરવાની અનુમતિ આપે છે. પશુઓની હત્યાથી ક્રોધિત થયેલા સૂર્યદેવ ભયંકર તોફાન સર્જે છે,  જેમાં યુરોલખસ સહિત સર્વ લોકો મૃત્યુ પામે છે. એકમાત્ર ઓડિશ્યસ જીવિત રહે છે.

 

A Aulos  તથા જોડિયા પાવા

 

ગ્રીક મહાકાવ્ય પરથી બનેલી આ ફિલ્મમાં સંગીતને ખાસ્સું પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ફિલ્મનું સંગીત લુડવિગ ગોરન્સને તૈયાર કર્યું છે. અગાઉ ’‘ટેનેટ’ અને ‘ઓપનહાઈમર’માં નોલાન સાથે કામ કરી ચૂકેલા સંગીતકારને આ ફિલ્મ માટે નોલાને કહ્યું હતું કે ‘ઓર્કેસ્ટ્રાનો ઉપયોગ નથી કરવાનો.’ મતલબ કે મોડર્ન મ્યુઝિકલ ઈન્સ્ટ્રુમેન્ટ્સનો ઉપયોગ નહીં જોઈએ. ફિલ્મની કથાવસ્તુ 2800 વર્ષ જૂની હોવાથી ગોરન્સને આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સના ઉપયોગથી રિમિક્સ કરવાને બદલે ત્રણ હજાર વર્ષ જૂના વાદ્યોનો અભ્યાસ કર્યો. ત્યારબાદ મ્યુઝિકોલોજિસ્ટ સાથે મસલત કરી બ્રોન્ઝ એજ (કાંસ્ય યુગ)માં વપરાતા વાજીંત્રોમાંથી નીકળતા અવાજને અનુરૂપ ધ્વનિ ઉત્પન્ન કરવાની કોશિશ કરી. એ માટે તેમણે The Aulos, The Lyre, Bronze Percussion વગેરેનો ઉપયોગ કર્યો છે. Aulos is a double-reed woodwind instrument from ancient Greece -પ્રાચીન ગ્રીસમાં વપરાતું બરૂમાંથી તૈયાર થતું ‘ઓલોસ’ સુષિર વાદ્ય તરીકે પ્રખ્યાત હતું. એ જોઈને આપણા કચ્છના જોડિયા પાવાનું સ્મરણ થઈ આવે. તસવીર જોવાથી સામ્યનો ખ્યાલ આવશે. લોકવાદ્યના મુખ્ય પાંચ પ્રકારમાં એક છે સુષિરવાદ્ય (Winged instruments)એટલે કે હવાના ઉપયોગથી વાગતાં વાદ્ય. આ પ્રકારનાં લોકવાદ્યમાં વાંસળી, પાવો, મોરલી, શંખ, ભૂંગળ વગેરેનો સમાવેશ થાય છે. જાડી, પહોળી નળીના પાવા અને પાતળી નળીની વાંસળી એ બે મુખ્ય પ્રકાર છે. એના અનેક પેટાપ્રકાર   પણ છે. એક પાવાને બદલે જોડિયા પાવા એ બીજો પ્રકાર છે. ગોરન્સન અને તેના સાથીઓએ પુરાતત્ત્વ અને ઐતિહાસિક માહિતી - જાણકારીનો અભ્યાસ કરી ‘ઓલોસ’ જેવું અસ્સલ વાદ્ય તૈયાર કરી સંગીત આપ્યું છે. આ સિવાયના અન્ય પ્રાચીન વાજિંત્રનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

 

નોલાને સંગીતની જવાબદારી સોંપતી વખતે એક લાઈન કહી હતી કે ‘ઓર્કેસ્ટ્રાનો ઉપયોગ નથી કરવાનો અને ધ્વનિ માટે બ્રોન્ઝ - કાંસાનો ઉપયોગ પ્રમુખપણે કરવાનો.’ ગોરન્સને પોતાને ફાવટ હતી એ પ્રકારની શૈલીમાંથી બહાર નીકળી અગાઉ ક્યારેય ન વાપર્યો હોય એવો ધ્વનિ તૈયાર કરવાનો હતો. ગોરન્સને એક ઈન્ટરવ્યૂમાં કહ્યું છે કે ‘ભીંત પર, કઠેરા પર, કોઈ ધાતુનો સળિયો - વાસણ કે પછી એર કંડિશનિંગ યુનિટ પર કશુંક પછાડી ધ્વનિ ઉત્પન્ન કરવાના અખતરા કર્યા.’ આપણા ‘પંચમદા’ - આર. ડી. બર્મનની શૈલી યાદ આવી ગઈ ને? ગોરન્સનને શાબાશી જરૂર આપીએ પણ સાથે સાથે 35 - 40 વર્ષ પહેલાં આપણા પોતાના મૂઠી ઉંચેરા સંગીતકાર આવા એક બે નહીં અનેક અખતરા કરી અદ્ભુત સંગીત આપતા એ બદલ કોલર ટાઈટ કરી ફરવું પણ જોઈએ, રાઈટ?