અમદાવાદઃ મિડલ ઇસ્ટના તણાવ વચ્ચે પણ એક પછી એક જહાજ ભારત પહોંચી રહ્યા છે, શિવાલિક અને નંદાદેવી આવ્યા પછી આજે વધુ એક જહાજ જગ લાડકી ક્રૂડ ઓઈલ લઈને સુરક્ષિત રીતે મુંદ્રા પોર્ટ પહોંચ્યું હતું. આજે સવારે 10.30 કલાકે મુંદ્રા પોર્ટ સ્થિત SPM પર પહોંચ્યું હતું. આ એવી જગ્યા છે જ્યાં મોટા જહાજોને કિનારા સુધી લાવ્યા વગર જ ઓઈલ કાઢવામાં આવે છે. જેવું આ જહાજ નિર્ધારીત સ્થન પર પહોંચ્યું કે તરત જ ટેકનિકલ ટીમોએ સુરક્ષા તપાસ શરૂ કરી હતી. જે બાદ પ્રોટોકોલ અંતર્ગત મિડ સી ટ્રાન્સફર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
આ ટેન્કર સંયુક્ત અરબ અમીરાતથી આશરે 80,886 મેટ્રિક ટન ક્રૂડ ઓઈલને ફુઝૈરાહ પોર્ટથી લઈને આવ્યું છે. આ ટેન્કરની કુલ લંબાઈ 274.19 મીટર અને પહોળાઈ 50.04 મીટર છે. તેનું ડેડવેટ ટન વજન અંદાજે 164,716 ટન અને ગ્રોસ ટન વજન અંદાજે 84,735 ટન છે.
#WATCH | The Indian-flagged crude oil tanker 'Jag Laadki' arrived at Adani Ports Mundra in Gujarat.
— ANI (@ANI) March 18, 2026
It carried approximately 80,886 metric tonnes (MT) of crude oil—sourced from the UAE—loaded at Fujairah Port.
(Video Source: Adani Port) pic.twitter.com/5zeosrpVbp
મુંદ્રા પોર્ટ ભારતની મહત્વપૂર્ણ ઉર્જા લાઈનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ જહાજનું સુરક્ષિત લાંગરવાની સુવિધા પૂરી પાડે છે. ભારત સરકારના શિપિંગ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી રાજેશ કુમાર સિન્હાએ જણાવ્યું કે, ભારતીય ધ્વજ વાળું જહાજ જગ લાડકી 14 માર્ચે સંયુક્ત અરબ અમીરાતથી રવાના થયું હતું. જેમાં આશરે 81,000 ટન ક્રૂડ ઓઈલનો ભંડાર હતો.
આ પહેલા બે ભારતીય ધ્વજ વાળા એલપીજી જહાજ શિવાલિક અને નંદા દેવી પણ હોર્મુઝ ખાડી પાર કરીને ભારત આવ્યા છે. શિવાલિક 16 માર્ચે મુંદ્રા પોર્ટ પર પહોંચ્યું હતું. જ્યારે નંદા દેવી 17 માર્ચે કંડલા પોર્ટ પર પહોંચ્યું હતું. આ બંને જહાજમાંથી આશરે 92712 ટન એલપીજી આવ્યું હતું.
અમેરિકા અને ઈઝરાયલને હુમલા બાદ ઈરાને હોર્મુઝ ખાડીમાંથી પસાર થવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. આ કારણે ઘણા દેશોમાં ઓઈલ અને ગેસના પુરવઠામાં મુશ્કેલી આવી રહી છે. ટ્રમ્પે અનેક દેશોને આ મુદ્દો ઉકેલવામાં સહયોગ આપવા વિનંતી કરી હતી પરંતુ સફળ રહ્યા નથી. બીજી તરફ ભારતને ઈરાન સાથેના સારા સંબંધનો ફાયદો મળ્યો છે અને ભારતીય જહાજ સુરક્ષિત સ્વદેશ પરત ફરી રહ્યા છે.