Sat Apr 18 2026

Logo

ફિલ્મનામાઃ ન્યાયનો જંગ ને પ્રેમનો પ્રતાપ

2026-03-06 10:19:00
Author: Mumbai Samachar Team
Article Image

નરેશ શાહ

લાગણીનો લગાવ અને ફરજની ફિતરત વચ્ચેનો જંગ કાયમ આકર્ષક રહ્યો છે. ભલે, તેમાં દેખીતી રીતે જીત ફરજ કે ન્યાયની થતી હોય પણ ‘બાજીગર’ની જેમ વિજયી ભવ: તો મહૌબ્બત જ બને છે અને આ સૂર ‘સોની લીવ’ પર સ્ટ્રીમ થયેલી વેબસિરીઝ ‘જેહાનાબાદ’નો રહ્યો છે. આ સિરીઝનું સૌથી મોટું જમા પાસું તેના શો-રનરનું નામ છે: સુધીર મિશ્રા.

એકદમ અલગ મિજાજ અને માટી સાથે જોડાયેલી વાસ્તવિક્તાનું ચિત્રણ કરવા માટે સુધીર મિશ્રા જાણીતા છે. તેમની ફિલ્મો (ખોયા ખોયા ચાંદ, ચમેલી, હજારો ખ્વાહીશે ઐસી, કલકત્તા મેલ, યે સાલી જિંદગી) એ સાબિત કર્યું છે કે આ એક નોખી માટીનો બંદો છે. ‘જેહાનાબાદ ઓફ લવ એન્ડ વોર’ જેવું સાંકેતિક ટાઈટલ ધરાવતી સિરિયલમાં પણ નામ પ્રમાણેના ઈન્ગ્રીડિએન્ટ છે.

ભારતમાં અનેક રીતે કુખ્યાતિ ધરાવતા બિહાર રાજ્યના જેહાનાબાદ શહેરમાં એક જ દિવસે બે ઘટના બને છે. અન્યાય માટેની લડાઈ લડતા કોમરેડ દિપકકુમારને જેહાનાબાદની જેલમાં પકડીને લાવવામાં આવે છે અને એ જ અરસામાં શહેરની કોલેજમાં અભિમન્યુ સિંહ નામના અંગ્રેજીના પ્રોફેસરની પણ નિમણૂક થાય છે. યોગાનુયોગ છે કે માથે ચૂંટણી ઝળુંબી રહી છે. બન્ને કહાણી (દીપકકુમાર અને અભિમન્યુ સિંહની) એકબીજામાં ગુંચવાયા વગર સમાંતર વિકસતી રહે છે. 

દર્શક તરીકે આપણને સિરીઝનું નામ (જેહાનાબાદ ઓફ લવ એન્ડ વોર) જસ્ટીફાય થતું લાગે. આકર્ષક પ્રોફેસર અભિમન્યુ સિંહ (રીત્વિક ભૌમિક) પાબ્લો નેરૂદા અને દુષ્યંતકુમારની કવિતાઓ ટાંકીને સ્ટુડન્ટને ભણાવે છે, પણ શરૂઆતમાં (દેખાવ અને ક્યૂટનેસને કારણે) પ્રોફેસરને જ નવો સ્ટુડન્ટ સમજી લેનારી કસ્તુરી મિશ્રા (હર્ષિતા કૌર) તેના પ્રેમમાં પડી જાય છે.

બીજી તરફ જેહાનાબાદની જેલમાં રહેલો કોમરેડ દીપકકુમાર (પરમબ્રાતા ચટ્ટોપાધ્યાય) ચૂંટણી જીતવાનું પ્યાદું બની ગયો છે અને નક્સલ-ગેંગ તેને જેલમાંથી ભગાડી જવાના પ્રયાસમાં લાગેલી છે.

સ્વાભાવિક છે કે આ કારણે ‘જેહાનાબાદ’માં મોટું કમઠાણ સર્જાવાનું છે. પ્રોફેસર અભિમન્યુ સિંહના પટના રહેતા મામા છે તો કસ્તુરીના માતા-પિતા છે. પિતા જેહાનાબાદની જેલની કેન્ટિન અને શોપના ઈન્ચાર્જ છે. એક ચૂંટણી હારી ચૂકેલા નેતા રજત કપૂર છે તો સામે લડી રહેલાં નેતા છે. રજત કપૂરને વફાદાર એવો એસપી અધિકારી છે તો કોમરેડને જેલમાંથી ભગાડી જવા માટે નકસલીઓની ફૌજ છે. આ બધાં પાત્રોના તાણાવાણા ગૂંથવા એ અઘરું કામ છે, પણ લેખક-ડિરેક્ટર રાજીવ બર્નવાલ અને સત્યાંશુ સિંહ તેમાં નિપુણ પુરવાર થયા છે.

સામાન્ય રીતે આપણને વિખવાદ, વિરોધ, લડાઈમાં રસ પડે પણ આ બધાની સાથે એક લવસ્ટોરીને પણ ચોંટાડી રાખે તેવો શેઈપ આપવો, એ અઘરું કામ છે, પરંતુ પ્રોફેસર-સ્ટુડન્ટની લવસ્ટોરી ‘જેહાનાબાદ’ની કદાચ, સૌથી મોટી હાઈલાઈટસ છે.

બિહારના રાજકારણ પર, બિહાર કલ્ચરનો એક ભાગ લાગતી ક્રાઈમ સ્ટોરીના બેકડ્રોપ પર અનેક શો ફિલ્મો અને વેબસિરીઝ બની છે. સેન્સર વગરના ઓટીટી પ્લેટફોર્મે તેની બેધડકપણું પણ ખોબલે ખોબલે આપી દીધું છે, છતાં કહેવું પડશે કે ‘જેહાનાબાદ’માં એક વેગળાપણું અનુભવી શકાય છે. તેના રનર, લેખક અને ડિરેક્ટરોને ન્યાય કરવા માટે ઉમેરવું જોઈએ કે આ વેબસિરીઝમાં લવસ્ટોરી અને નક્સલોની લડાઈ અલગ ચાલતી રહે છે, પણ અડધેથી એ બન્ને ક્રોસ થાય છે ત્યારે ખરતાં તણખાં તમને દઝાડે છે. 

દર્શક તરીકે આપણને અડધા રસ્તે પહોંચ્યા પછી ખબર પડે છે કે વેબસિરીઝની અલગ અલગ આગળ વધતી બધી કેડીઓ એક જ ધોરી માર્ગ પર એકઠી થઈ જાય છે અને ‘જેહાનાબાદ-ઓફ લવ એન્ડ વોર’ આ મુદ્દે જ બીજી વેબસિરીઝથી અલગ પડે છે. સહજ છે કે પોતાના ઉદ્દેશ માટે નીકળેલો માણસ હઠપૂર્વક તેની મંઝિલે તો પહોંચે જ છે પણ માર્ગમાં આવતા પડાવ સાથે થતાં લગાવ પણ તેની કમજોરી બનતાં જાય છે. સામે પક્ષે પ્રેમ કેવી પ્રચંડ ઈચ્છા શક્તિ ધરાવતાં પરિણામો આપણી સમક્ષ ધરી દે છે, એ ‘જેહાનાબાદ-ઓફ લવ એન્ડ વોર’ વેબસિરીઝની છેલ્લી પાંચ સેક્ધડમાં તમને જોવા મળે છે અને તમે એક વિચિત્ર લાગણી સાથે વિસ્ફારિત નજરે સ્તબ્ધ થઈ જાવ છો!