Sun Aug 23 2026

Logo

ઓર એ મોસમ હસીંઃ રહસ્યોનું આકર્ષણ: માણસને સત્ય કરતાં રહસ્ય વધુ કેમ ગમે છે?

2026-08-01 09:22:00
Author: Deval Shashtri
Article Image

દેવલ શાસ્ત્રી

કોઈ માણસ અચાનક કહે કે, હું એવા દેશમાંથી આવ્યો છું જે તમારા નકશામાં નથી તો તમે શું કરશો? પહેલા હસશો. પછી કદાચ ગૂગલ કરશો. પછી વિચારશો કે જો આ ખરેખર સાચું હોય તો? બસ, અહીંથી માનવ મનની સૌથી રસપ્રદ સફર શરૂ થાય છે. માણસને રહસ્યો ગમે છે. એટલા ગમે છે કે ઘણી વાર સત્ય કરતાં રહસ્ય વધુ આકર્ષક લાગે છે.

વર્ષ 1954ની ચોમાસાની એક સાંજે લંડનના અતિ વ્યસ્ત હીથ્રો એરપોર્ટના ઇમિગ્રેશન કાઉન્ટર પર એક બહુ વિચિત્ર ઘટના બની. એક સુટેડ-બુટેડ મુસાફર પોતાનો પાસપોર્ટ બતાવે છે. પાસપોર્ટ અસલી હતો, એના પર દુનિયાના કેટલાય દેશોના ઓફિશિયલ સિક્કા મારેલા હતા. પણ ચોંકાવનારી વાત એ હતી કે એ પાસપોર્ટ પર દેશનું નામ લખેલું હતું : `ટૌરેડ'

ઇમિગ્રેશન ઓફિસરો આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે આખી પૃથ્વીના નકશા પર ટૌરેડ નામનો કોઈ દેશ જ નહોતો! જ્યારે એ માણસને નકશો બતાવવામાં આવ્યો અને સ્પેન તથા ફ્રાન્સની વચ્ચે આવેલા એક નાનકડા દેશ `અંડોરા' પર આંગળી મૂકવામાં આવી, ત્યારે એ માણસ ગુસ્સે થઈ ગયો. એણે કહ્યું, અંડોરા નહીં, આ મારું ટૌરેડ છે અને એ હજારો વર્ષ જૂનો દેશ છે!

આ ઘટના પછી એ મુસાફરને એરપોર્ટની નજીક એક હોટેલના રૂમમાં કડક સુરક્ષા વચ્ચે રાખવામાં આવ્યો, પણ બીજી સવારે જ્યારે રૂમ ખોલ્યો ત્યારે એ માણસ અને એનો સામાન હવામાં ઓગળી ગયા હોય એમ ગાયબ હતા!

ટૌરેડ જેવા કિસ્સાઓ, બર્મુડા ટ્રાયેંગલ, લોચ નેસ મોન્સ્ટર, એરિયા51, સમયયાત્રા કે એલિયન્સ આ બધી વાર્તાઓ કદાચ સાબિત નથી થઈ, છતાં કરોડો લોકો વર્ષો સુધી એને વાંચે છે, ચર્ચે છે અને ફરી-ફરીને શેર કરે છે. પ્રશ્ન એ નથી કે આ વાતો સાચી છે કે ખોટી. પ્રશ્ન એ છે કે આપણું મન આવી વાતોમાં આટલું ખેંચાઈ કેમ જાય છે?

મનોવિજ્ઞાન માને છે કે આપણું મગજ કોઈ પણ અધૂરી વાર્તા ચલાવી લેતું નથી. જર્મન મનોવૈજ્ઞાનિક બ્લૂમા ઝાઇગાર્નિકે શોધ્યું હતું કે અધૂરાં કામ અને અધૂરી વાર્તાઓ આપણા મગજમાં લાંબા સમય સુધી અટકી રહે છે.

જો કોઈ ફિલ્મનો અંત ખુલ્લો છોડવામાં આવે તો આપણે અઠવાડિયા સુધી એની ચર્ચા કરીએ. કોઈ નવલકથામાં એક સવાલનો જવાબ ન મળે, તો વર્ષો સુધી એ યાદ રહે. રહસ્ય આપણા મગજને એક જ ધંધે લગાડે છે, વિચારો વિચારો કદાચ જવાબ મળી જશે.

હજારો વર્ષ પહેલાં જંગલમાં રહેતો માણસ દરેક અવાજ, દરેક નિશાની અને દરેક અજાણી ઘટનાનો અર્થ શોધતો હતો. ઝાડીમાં ખખડાટ થયો હોય તો એ પવન હશે કે વાઘ? આ સવાલનો સાચો જવાબ જીવ અને મૃત્યુ વચ્ચેનો ફાંસલો બની જતો. આપણા પૂર્વજોના મગજે એક ટેવ વિકસાવી કે જે સમજાતું નથી, તેના વિશે વિચારતા રહો. આજેય એ જ મગજ કામ કરે છે. ફરક એટલો જ છે કે હવે વાઘની જગ્યાએ વોટ્સએપનો મેસેજ, યુટ્યૂબની રહસ્યમય રીલ કે કોઈ વાઇરલ વાર્તા આવી ગઈ છે.

અમેરિકન મનોવૈજ્ઞાનિક એલિઝાબેથ લોફ્ટસ વર્ષોથી માનવ સ્મૃતિ પર સંશોધન કરે છે. એમણે કહ્યું હતું કે માણસની યાદશક્તિ કેમેરા જેવી નથી. આપણે ઘણી વખત એવી ઘટનાઓ પણ સાચી માની લઈએ છીએ જે ક્યારેય બની જ નથી. મગજ ખાલી જગ્યાઓ પોતાની કલ્પનાથી ભરી દે છે. એટલે જ ઘણી લોકદંતકથાઓ પેઢી દર પેઢી જીવતી રહે છે. દરેક વાર્તાકાર તેમાં થોડું પોતાનું ઉમેરે છે અને એક દિવસ કલ્પના પણ ઇતિહાસ જેવી લાગવા માંડે છે.

ફિલોસોફી આ જ વાતને બીજી રીતે કહે છે. પ્લેટોની પ્રસિદ્ધ ગુફાની ઉપમા યાદ કરો. ગુફામાં બેઠેલા માણસોને દીવાલ પર પડતા પડછાયાં જ સત્ય લાગે છે. સોશ્યલ મીડિયા પર કોઈ રહસ્યમય વીડિયો જોઈએ, કોઈ ચમત્કારની વાત સાંભળીએ કે કોઈ અજાણી થિયરી વાંચીએ, તો આપણું મન તરત જ એને શક્ય માની લે છે, કારણ કે રહસ્ય હંમેશાં કલ્પનાને આમંત્રણ આપે છે, જ્યારે સત્ય મોટે ભાગે નિરસ હોય છે.

ક્રિસ્ટોફર નોલાનની ઇન્સેપ્શન હોય કે ઇન્ટરસ્ટેલર, ડેવિડ લિન્ચની ફિલ્મો હોય કે ધ મેટ્રિક્સ,  દર્શકને સીધો જવાબ મળતો નથી. ફિલ્મ પૂરી થાય પછી જ અસલી ફિલ્મ શરૂ થાય છે. મગજની અંદર. કોફી હાઉસમાં, મિત્રો વચ્ચે, યુટ્યૂબના કોમેન્ટ બોક્સમાં અને પોતાના એકાંતમાં. કદાચ એટલા માટે આવી ફિલ્મો વર્ષો સુધી જીવંત રહે છે. જે ફિલ્મ બધું જ સમજાવી દે, તે બીજા અઠવાડિયે ભૂલાઈ જાય છે. જે ફિલ્મ થોડું અધૂરુંં છોડી દે, તે લાંબાં ગાળા સુધી યાદ રહે છે.

સાહિત્યનો ઇતિહાસ પણ રહસ્યોથી ભરેલો છે. જ્યોર્જ લુઇસ બોર્હેસે આખી જિંદગી એવાં  પુસ્તકો લખ્યા જે વાંચીને લાગે કે આપણે કોઈ અદૃશ્ય ભુલભુલામણીમાં પ્રવેશી ગયા છીએ. ફ્રાન્ઝ કાફ્કાના પાત્રો એવી દુનિયામાં જીવતા હોય છે જ્યાં બધું સાચું પણ લાગે છે અને અસંભવ પણ. ગેબ્રિયલ ગાર્સિયા માર્કેઝના ગામમાં આકાશમાંથી ફૂલો વરસે છે, મૃતકો વાત કરે છે અને છતાં વાચકને બધું સહજ લાગે છે. કારણ કે કુશળ  સાહિત્યકાર હકીકત લખતો નથી, હકીકત લાગતી કલ્પના સર્જે છે.

માણસના સંબંધોમાં પણ રહસ્યનું પોતાનું સ્થાન છે. કોઈ વ્યક્તિ પહેલી મુલાકાતમાં જ પોતાનું આખું જીવન ખોલી દે તો કદાચ રસ ઓછો પડે. પરંતુ ધીમે-ધીમે ઓળખાતી વ્યક્તિ જીવનભર રસ જાળવી રાખે છે. મિત્રતા હોય, પ્રેમ હોય કે વ્યવસાય થોડું અજાણ્યું હંમેશા સંબંધને જીવંત રાખે છે. કદાચ એટલા માટે જ આપણે કોઈ શહેરમાં પણ જાણીતા રસ્તા છોડીને અજાણી ગલીમાં ફરવાનું પસંદ કરીએ છીએ. પ્રવાસનો આનંદ ઘણીવાર ગંતવ્યમાં નહીં, પણ રસ્તાના રહસ્યોમાં છુપાયેલો હોય છે.

આજે સોશ્યલ મીડિયા પર વાયરલ થતી રહસ્યમય વાર્તાઓને જોઈને ઘણા લોકો કહે છે, લોકો કેટલા ભોળા છે! પરંતુ વાત એટલી સરળ નથી. જે વ્યક્તિ આવી વાર્તા બનાવે છે, તે માનવ મનને ખૂબ સારી રીતે સમજે છે. તેને ખબર હોય છે કે આંકડા કરતાં રહસ્ય વધુ વેચાય છે, પુરાવા કરતાં કલ્પના વધુ દોડે છે અને સત્ય કરતાં સવાલ વધુ લાંબો જીવે છે. આ માનવ સ્વભાવ છે, મૂર્ખાઈ નહીં.

કદાચ એટલે જ દુનિયા હજુ પણ રહસ્યોથી પ્રેમ કરે છે. બધાં રહસ્યો સાચાં નથી હોતા, પરંતુ દરેક રહસ્ય માણસના મન વિશે કંઈક સાચું કહી જાય છે. કદાચ ટૌરેડ નામનો કોઈ દેશ ક્યારેય હતો જ નહીં, પરંતુ આપણા દરેકની અંદર એક ટૌરેડ જરૂર છે. એક એવું સ્થળ, જેનો કોઈ નકશો નથી; જ્યાં કલ્પના રહે છે, વાર્તાઓ જન્મે છે અને મન થોડા સમય માટે રોજિંદા જીવનની સીમાઓ પાર કરી જાય છે. છેવટે, જીવન માત્ર જાણીતી જગ્યાઓ પર ચાલવાથી રસપ્રદ બનતું નથી. ક્યારેક નકશામાં ન દેખાતી ગલીઓમાં પણ ભટકવું પડે છે, કારણ કે માણસ ફક્ત સત્યથી જીવતો નથી તે રહસ્યો પર પણ જીવે છે. રહસ્યોના કારણે પુસ્તકો લખાય છે, ફિલ્મો બને છે, વૈજ્ઞાનિકો નવા પ્રશ્નો પૂછે છે.

ધ  એન્ડ 
એક સામન્ય માણસ રાતે સૂતાં પહેલાં હજુ પણ આકાશ તરફ જોઈને વિચારે છે : શું ખરેખર આટલું જ છે કે હજુ કંઈક બાકી છે ?!