(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: થાણેના પાંચપાખાડી વિસ્તારમાં પેટ્રોલ પંપ નજીક ગોળીબાર કરી આરોપી ફરાર થઈ ગયો હતો. જૂની અદાવતને પગલે વેર વાળવાને ઇરાદે આરોપીએ યુવકની દિશામાં ગોળીબાર કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાયું હતું.
નૌપાડા પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની મધરાતે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે નજીક શેલ કંપનીના પેટ્રોલ પંપ નજીક બની હતી. આ પ્રકરણે ઈન્ઝમામ અમીરુદ્દીન સિદ્દીકી (26)ની ફરિયાદને આધારે ઝબીઉલ્લા શફીકુરરહમાન ખાન (37) વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. ખાન વિરુદ્ધ અગાઉ પર ગુના નોંધાયેલા હોઈ તે રેકોર્ડ પરનો આરોપી હોવાનું તપાસમાં જણાયું હતું.
પોલીસ ફરિયાદ અનુસાર ગુરુવારની રાતે ફરિયાદી સિદ્દીકી યુવતી અને તેના ભાઈ સાથે સ્કૂટર પર પેટ્રોલ ભરાવવા નીકળ્યો હતો. પેટ્રોલ પંપ પર ઈંધણ ન હોવાથી ત્રણેય પાછા વળી રહ્યા હતા ત્યારે આરોપી ત્યાં આવ્યો હતો. આરોપીએ સિદ્દીકીને રોકી તેની સાથે વિવાદ કર્યો હતો. પછી પોતાની પાસેની પિસ્તોલમાંથી સિદ્દીકીની દિશામાં બે રાઉન્ડ ફાયર કરી ફરાર થઈ ગયો હતો.
સદ્નસીબે આ ગોળીબારમાં કોઈને ઇજા થઈ નહોતી, પરંતુ ગોળીબારની ઘટનાથી રહેવાસીઓમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું હતું કે બે વર્ષ અગાઉ આરોપી અને ફરિયાદીમાં વિવાદ થયો હતો.
ફરિયાદીના પિતા માટે આરોપીએ અપશબ્દ કહ્યા હતા, જેને લઈ તેમની વચ્ચે ઝઘડો થયો હતો. આ વિવાદને કારણે જ ગોળીબાર કરાયો હોવાનું પોલીસનું માનવું છે. પોલીસ ઘટનાસ્થળ આસપાસના પરિસરમાં લાગેલા સીસીટીવી કૅમેરાનાં ફૂટેજને આધારે આરોપીની શોધ ચલાવી રહી છે.