Thu Sep 10 2026

Logo

થાણેના સર્વિસ સેન્ટરમાં વાહન ધોવા પર ૧૦ જૂન સુધી પ્રતિબંધ

2026-04-21 20:36:37
Author: Sapna Desai
થાણેના સર્વિસ સેન્ટરમાં વાહન ધોવા પર ૧૦ જૂન સુધી પ્રતિબંધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે:
વધતી ગરમીને કારણે પાણીના જથ્થામાં ઝડપભેર ઘટાડો થઈ રહ્યો હોવાથી થાણે શહેરમાં આગામી સમયમાં પાણીની નિર્માણ થનારી અછત ટાળવા માટે તાત્કાલિક ધોરણે શહેરના તમામ સર્વિસ સેન્ટરમાં વાહનો ધોવા અને અન્ય સાફસફાઈના કામ પર ૧૦ જૂન, ૨૦૨૬ સુધી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

હાલ રાજ્યમાં આકરા ઉનાળાને કારણે કાળઝાળ ગરમી પડી રહી છે અને ગરમીને કારણે પાણીપુરવઠો કરનારા જળાશયમાં પાણીનો સ્ટોક દિવસેને દિવસે ઘટી રહ્યો છે. તેમ જ શહેરના કૂવા અને બોરવેલમાં પણ અત્યારથી તળિયા દેખાવા માંડ્યા છે.  તેથી આવી પરિસ્થિતિમાં અત્યારથી પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાની અપીલ  થાણે પાલિકા કમિશનર અને મેયરે નાગરિકોને કરી છે. 

પાણીની બચત માટે પ્રભાવી ઉપાયયોજના તરીકે સર્વિસ સેન્ટરમાં ટૂ, થ્રી અને ફોર વ્હીલર વાહનો સહિત અન્ય વાહનો ધોવા અને તેની સાફસફાઈ પર તાત્પૂરતો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ આદેશનું ઉલ્લંઘન કરનારા સામે મહારાષ્ટ્ર મહાનગરપાલિકા અધિનિયમ અંતર્ગત સંબંધિત સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે એવું થાણે પાલિકા કમિશનર સૌરભ રાવે જણાવ્યું હતું. 

એ સિવાય તમામ કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટને પાણીનો અનાવશ્યક ઉપયોગ ટાળવાની અને પાણીનો પુન:ઉપયોગ કરવા પર ભાર આપવાનો પણ નિર્દેશ થાણે પાલિકા દ્વારા આપવામાં આવ્યો છે.