Mon Jun 08 2026

Logo

થાણે જિલ્લામાં એક્સાઇઝ વિભાગે 32 લાખ રૂપિયાનો ગેરકાયદે દારૂ જપ્ત કર્યો

2026-03-14 16:48:36
Author: Yogesh D Patel
Article Image

થાણે: થાણે જિલ્લામાં ચાલતા ગેરકાયદે દારૂના આંતરરાજ્ય રૅકેટનો એક્સાઇઝ વિભાગે પર્દાફાશ કર્યો હતો. અધિકારીઓએ છેલ્લા ચાર દિવસમાં અનેક દરોડા પાડીને 32 લાખ રૂપિયાનો દારૂ જપ્ત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.

ભિવંડીમાં 10 માર્ચે રાતે અધિકારીઓએ બે વાહનને આંતર્યાં હતાં, જેમાંથી 20 લીટર ક્ષમતાવાળા 10 જાર અને વ્હિસ્કીની 2,000 બોટલો મળી આવી હતી. ઘટનાસ્થળેથી ચાર જણને તાબામાં લેવામાં આવ્યા હતા અને 19.29 લાખ રૂપિયાની મતા જપ્ત કરાઇ હતી.

વધુ તપાસ બાદ એક્સાઇઝ વિભાગની ટીમે ચાવદર પાડા અને કોનગાંવ ખાતે શંકાસ્પદ ખરીદદારો અને સપ્લાયર્સના નિવાસે દરોડા પાડ્યા હતા. એક્સાઇઝ વિભાગના સુપરિન્ટેન્ડેન્ટ (થાણે) પ્રવીણ તાંબેએ જણાવ્યું હતું કે દરોડા દરમિયાન દારૂ ‘રીફિલિંગ’ના રૅકેટનો પર્દાફાશ કરાયો હતો અને દારૂથી ભરેલા અનેક 20 લીટર જાર, પ્રીમિયમ વ્હિસ્કી બ્રાન્ડની સેંકડો ભરેલી અને ખાલી બોટલો જપ્ત કરાઇ હતી.

દરમિયાન 12 માર્ચે વૈજુલા વિસ્તારમાં આવેલા ફાર્મહાઉસ પર રેઇડ પાડવામાં આવી હતી, જ્યાંથી વ્હિસ્કીની 240 બોક્સ, ખાલી જાર અને અન્ય સામગ્રી જપ્ત કરાઇ હતી. વધુમાં 13 માર્ચે 2.07 લાખ રૂપિયાનો દારૂ પણ જપ્ત કરાયો હતો. આમ કુલ 32 લાખ રૂપિયાની કિંમતનો ગેરકાયદે દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો.

મુખ્ય આરોપી સોમા કૃષ્ણા જાધવની કસ્ટડી પૂરી થતી હોવાથી તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, જ્યાં તેને જુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હતી. તેના ત્રણ સાથીદારોને ભારતીય ન્યાય સુરક્ષિ સંહિતાની સંબંધિત કલમો હેઠળ નોટિસ જારી કરાઇ હતી. પડઘા પોલીસ સ્ટેશનમાં આ પ્રકરણે મહારાષ્ટ્ર પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલક કરાયો હતો. (પીટીઆઇ)