Sat Oct 03 2026

Logo

કાર ભાડે લઈને ગિરવી મૂકવાના રૅકેટનો પર્દાફાશ: 32 કાર જપ્ત...

2026-02-16 18:13:00
Author: Yogesh C. Patel
કાર ભાડે લઈને ગિરવી મૂકવાના રૅકેટનો પર્દાફાશ: 32 કાર જપ્ત...

થાણે: થાણે ક્રાઈમ બ્રાન્ચે રાજ્યભરમાં ફેલાયેલા ઊંચા વળતરની લાલચે કાર ભાડે લઈને ગિરવી મૂકવાના રૅકેટનો પર્દાફાશ કરી અંદાજે 2.44 કરોડ રૂપિયાની 32 કાર જપ્ત કરી હતી.ડેપ્યુટી પોલીસ કમિશનર (ક્રાઈમ) અમરસિંહ જાધવે જણાવ્યું હતું કે તાજેતરમાં આ પદ્ધતિથી કાર ચોરવાની પાંચ ઘટના થાણેના વાગળે એસ્ટેટ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. ઉપરાછાપરી બનેલી ઘટનાઓ મોટા રૅકેટનો ભાગ હોવાની શક્યતાને પગલે આ મામલે તપાસ હાથ ધરવામાં આવી હતી.

તપાસ દરમિયાન નવી મુંબઈના ઉલવેમાં રહેતા સંદીપ રઘુ શેટ્ટીને તાબામાં લેવાયો હતો. શેટ્ટી ઊંચા વળતરની લાલચ આપીને કારમાલિકોને પોતાની જાળમાં સપડાવતો હતો. શરૂઆતમાં અમુક રકમ કારમાલિકને આપી તેમનો વિશ્ર્વાસ સંપાદન કરતો હતો. પછી ભાડે લીધેલી કાર તે સામેની વ્યક્તિને છેતરીને ગિરવી મૂકતો હતો. આ રીતે મેળવેલી રકમ તે ચાંઉ કરી જતો, એવું અધિકારીએ જણાવ્યું હતું.

પ્રાથમિક તપાસમાં શેટ્ટીની ભૂમિકા સ્પષ્ટ થતાં ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડ કરી હતી. તેની પૂછપરછમાં પોલીસને જાણવા મળ્યું હતું કે આ રૅકેટ આખા રાજ્યમાં ફેલાયેલું છે.અધિકારીએ જણાવ્યું હતું કે તપાસ દરમિયાન નવી મુંબઈ, પનવેલ, પુણે, કલ્યાણ, લોનાવલા, છત્રપતિ સંભાજીનગર અને પરભણીથી આવી 32 કાર જપ્ત કરવામાં આવી હતી.

પોલીસને શંકા છે કે આ રીતે છેતરપિંડી કરીને આરોપીએ વાહનમાલિકો પાસેથી ભાડે લીધેલાં હજુ કેટલાંક વાહનો ગિરવી મૂક્યાં છે. આરોપીની વધુ પૂછપરછ કરવામાં આવી રહી હોવાનું જાધવે જણાવ્યું હતું. (પીટીઆઈ)