Wed Aug 19 2026

Logo

અંબરનાથની કેમિકલ કંપનીમાં ભયાનક આગ...

2026-03-09 21:08:00
Author: Yogesh C. Patel
Article Image

કેમિકલને કારણે ધડાકા થતાં લોકોમાં ગભરાટ: ઊંચી ઊઠેલી આગની જ્વાળા દૂરથી નજરે પડતી હતી

થાણે: અંબરનાથ એમઆઈડીસીમાં આવેલી એક કેમિકલ કંપનીમાં ભયાનક આગ ફાટી નીકળતાં આસપાસની કંપનીઓ ખાલી કરાવવામાં આવી હતી. આગને કારણે કેમિકલનાં ડ્રમના ધડાકા સાંભળી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. લગભગ પાંચેક કિલોમીટર દૂર સુધી આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા નજરે પડતા હતા.ફાયર બ્રિગેડના જણાવ્યા મુજબ અંબરનાથમાં આનંદનગર એમઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં સોમવારની સાંજે 5.45 વાગ્યાની આસપાસ અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતાં જ કંપનીના કર્મચારીઓ બહાર દોડી આવ્યા હતા.

કહેવાય છે કે કંપનીમાં મોટા પ્રમાણમાં કેમિકલ હોવાથી આગ ઝપાટાભેર વધી હતી. જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સૌપ્રથમ મોટો ધડાકો થયો ત્યારે કેમિકલને કારણે આગનો ભડકો ઊંચે સુધી ઊડતો દેખાયો હતો. પછી પણ કંપનીમાંથી ધડાકા સંભળાયા હોવાનો દાવો સ્થાનિકોએ કર્યો હતો.આગની તીવ્રતા જોતાં સતર્કતા ખાતર આસપાસની કંપનીઓના કર્મચારીઓને બહાર નીકળી જવાની સૂચના અપાઈ હતી. કહેવાય છે કે આગની જ્વાળા એટલી ભાયનક દેખાતી હતી કે આસપાસની કંપનીઓ માટે પણ જોખમ ઊભું થયું હતું. આ કંપનીની નજીક કેમિકલની અન્ય કંપનીઓ હોવાનું જાણવા મળ્યું હતું.

દરમિયાન આગની જાણ થતાં અંબરનાથ, બદલાપુર, કલ્યાણ-ડોમ્બિવલી અને ઉલ્હાસનગર ફાયર બ્રિગેડમાંથી વૉટર ટૅન્કર ઘટનાસ્થળે રવાના કરાયાં હતાં. સ્થાનિક પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા, પરંતુ ત્રણેક કલાક સુધી આગ કાબૂમાં આવી નહોતી.કહેવાય છે કે આગને કારણે કેમિકલનાં ડ્રમ ફાટવાથી ધડાકા સંભળા હતા. ધડાકાને કારણે આગની જ્વાળા ઊંચે ઊડતી હતી. ચારથી પાંચ કિલોમીટર સુધી આગની જ્વાળા અને ધુમાડાના ગોટા નજરે પડતા હતા. કેમિકલને કારણે જ આસપાસના પરિસરમાં દુર્ગંધ ફેલાઈ હતી.