હૈદરાબાદઃ તેલંગાણાના સૂર્યાપેટ-ખમ્મમ હાઇવે પર પિલ્લલમર્રી નજીક એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. એક અનિયંત્રિત વોલ્વો કાર રસ્તાના ડિવાઇડર સાથે અથડાયા બાદ ક્ષણવારમાં જ આગની લપેટમાં આવી ગઈ હતી. કારમાં સવાર જાણીતા ડોક્ટર બહાર નીકળી ન શકતા વાહનની અંદર જ જીવતા સળગી ગયા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો.
મમતા હોસ્પિટલના ન્યુરોસર્જન તરીકે થઈ ઓળખ
વધારે વિગતે વાત કરવામાં આવે તો, પોલીસે મૃતકની ઓળખ ડૉ. કાસાકુર્થી જગદીશ તરીકે કરી છે. તેઓ ખમ્મમ સ્થિત મમતા હોસ્પિટલમાં ન્યુરોસર્જન તરીકે ફરજ બજાવતા હતા. પ્રાથમિક અહેવાલો મુજબ, ડૉ. જગદીશ ખમ્મમથી હૈદરાબાદ ખાતે પોતાના પરિવારને મળવા જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં તેઓ જીવતા ભડથું થઈ ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
કલાકોની જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો
અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કલાકોની જહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં અચાનક ભીષણ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, જેને લઈને પોલીસે ટેકનિકલ તપાસ શરૂ કરી છે.
આ ઘટના સિવાય હૈદરાબાદથી પણ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં એક પૂરપાટ ઝડપે આવતા વાહને 3 વર્ષના નિર્દોષ બાળકને અડફેટે લીધો હતો. બાળકને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓના કારણે તબીબો તેને બચાવી શક્યા નહોતા. ટક્કર માર્યા બાદ વાહનચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેની શોધખોળ પોલીસે હાથ ધરી છે.