નવી દિલ્હી : તમિલનાડુના રાજકારણમાં મોટા બદલાવના સંકેતો મળી રહ્યા છે. જેમાં રાજ્યના ભૂતપૂર્વ ભાજપ પ્રમુખ કે. અન્નામલાઈએ મંગળવારે રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીનને રાજીનામું સુપરત કર્યું છે. જેની બાદ તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
જોકે,અન્નામલાઈના રાજીનામા પૂર્વે એવી અટકળો ચાલી રહી હતી કે તેઓ એક નવી પાર્ટીની જાહેરાત કરી શકે છે. આ માટે તમિલનાડુમાં અનેક સ્થળોએ પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. તેમજ આ અંગે અન્નામલાઈએ કહ્યું હતું કે તેઓ આગામી બે દિવસમાં પોતાનું વલણ સ્પષ્ટ કરશે. તેમણે દિલ્હી જતા પૂર્વે ચેન્નાઈ એરપોર્ટ પર પત્રકારો સાથે વાત કરતા અન્નામલાઈએ આ નિવેદન આપ્યું હતું.
ધોરણ નવમાં ત્રણ ભાષા નીતિ લાગુ કરવાનો વિરોધ કર્યો
ઉલ્લેખનીય છે કે, અન્નામલાઈએ ચાલુ શૈક્ષણિક વર્ષથી 9મા ધોરણના વિદ્યાર્થીઓ માટે ત્રણ ભાષા નીતિ લાગુ કરવાની CBSE દ્વારા તાજેતરમાં કરાયેલી જાહેરાતનો વિરોધ કર્યો હતો. તેમણે આ સૂચના પરત ખેંચવાની પણ માંગ કરી હતી. તેમના આ વલણથી એવી અટકળોને વેગ મળ્યો કે અન્નામલાઈ પોતાની પાર્ટી શરૂ કરવાની તૈયારીમાં હોવાથી કેન્દ્ર સરકારનો વિરોધ કરી રહ્યા છે.
અન્નામલાઈને બદલીને નૈનાર નાગેન્દ્રનને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવ્યા
ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી કે. અન્નામલાઈએ વર્ષ 2021 ની વિધાનસભા ચૂંટણી માટે ટીટીવી દિનાકરન અને ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓ. પન્નીરસેલ્વમને ભાજપ ગઠબંધનમાં લાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. જોકે, પાર્ટી હાઈકમાન્ડે અન્નામલાઈને બદલીને નૈનાર નાગેન્દ્રનને ભાજપ પ્રદેશ પ્રમુખ બનાવ્યા હતા.
અન્નામલાઈએ ભાજપથી પોતાને દૂર કરી લીધા હતા
વર્ષ 2026ની વિધાનસભા ચૂંટણી પૂર્વે એઆઈએડીએમકે સાથે ચૂંટણી જોડાણ કર્યા બાદ અન્નામલાઈએ ભાજપથી પોતાને દૂર કરી લીધા હતા. તમિલનાડુ વિધાનસભા ચૂંટણી પૂર્વે પાર્ટી નેતૃત્વ અને અન્નામલાઈ અન્ય પક્ષો સાથે ભાજપના જોડાણ, ઉમેદવારોની પસંદગી અને બેઠક વહેંચણીના સંચાલન અંગે કોઈ સમજૂતી પર પહોંચી શક્યા ન હતા.