નવી દિલ્હીઃ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે જાહેર થઈ રહ્યા છે. વલણોમાં તમિલનાડુમાં મોટો ઉલટફેર જોવા મળી રહ્યો છે. વિજયની પાર્ટી TVK એ 74 બેઠકો પર સરસાઈ મેળવી લીધી છે. બીજી તરફ, DMK ગઠબંધન 51 અને AIADMK ગઠબંધન 44 બેઠકો પર આગળ ચાલી રહ્યું છે.
એક્ટર વિજયની ધમાકેદાર રાજકીય એન્ટ્રીથી તમિલનાડુના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. તેમની પાર્ટી TVKનું શાનદાર ડેબ્યૂ થઈ રહ્યું છે. પક્ષે તેના ચૂંટણી ઢંઢેરામાં કરેલા 7 મોટા વાયદાનો લાભ થઈ રહ્યો હોય તેમ લાગે છે.
વિજયના કયા 7 વચનોએ પલટી બાજી
1. TVKનું સૌથી મોટું વચન Madhippumigu Magalir Thittam અંતર્ગત મહિલાઓને આર્થિક રીતે મજબૂત બનાવવાનું હતું. જેમાં 60 વર્ષની વય સુધીની ઘરની મહિલા વડાને દર મહિને ₹2,500 આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
2. તદુપરાંત, Annapoorani Super Six Scheme દ્વારા દરેક પરિવારને વર્ષમાં 6 LPG સિલિન્ડર મફત આપવાનું વચન આપવામાં આવ્યું હતું, જે ઘરગથ્થુ ખર્ચ ઘટાડવા માટે મોટું કદમ માનવામાં આવ્યું.
3. સાથે જ, Annan Seer Thittam હેઠળ બહેન-દીકરીઓના લગ્ન માટે 8 ગ્રામ સોનું આપવાનું વચન TVK એ કર્યું હતું. આ સિવાય, સિલ્ક સાડી આપવાની યોજનાએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
4. શિક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતા Kamarajar Kalvi Urudhi Thittam હેઠળ ધોરણ 1 થી 12 માં ભણતા વિદ્યાર્થીઓ માટે દર વર્ષે ₹15 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી હતી, જેથી આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે કોઈ બાળકની ભણતર અધવચ્ચે ન છૂટે.
5. મહિલાઓ માટે 'વેટ્ટરી પયનમ થિટ્ટમ' અંતર્ગત સરકારી બસોમાં મફત મુસાફરીનું વચન આપવામાં આવ્યું હતું, જેથી તેમનો પ્રવાસ સરળ બની શકે.
6. સાથે જ, યુવાનોને આકર્ષવા માટે TVK એ બેરોજગારી ભથ્થાની યોજનામાં સ્નાતકો (ગ્રેજ્યુએટ્સ) ને દર મહિને ₹4 હજાર અને ડિપ્લોમા ધારકોને ₹2.5 હજાર આપવાની વાત કહી હતી.
7. TVK એ ખેડૂતો માટે પણ મોટી જાહેરાત કરી હતી, જેમાં 5 એકર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 5 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોનું 50 ટકા દેવું માફ કરવાનું વચન પણ સામેલ છે.