Mon Jul 27 2026

Logo

તમિલનાડુ રાજકારણમાં મોટો ઉલટફેર: કે. અન્નામલાઈએ ભાજપમાંથી આપ્યું રાજીનામું,

2026-06-05 11:26:00
Author: Vimal Prajapati
Article Image

નવી દિલ્હી: દક્ષિણ ભારતના રાજકારણ અને ખાસ કરીને તમિલનાડુમાંથી ભારતીય જનતા પાર્ટી માટે એક સૌથી મોટા અને આંચકાજનક સમાચાર સામે આવ્યા છે. તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રમુખ અને આક્રમક નેતા કે. અન્નામલાઈએ ભાજપમાંથી સત્તાવાર રીતે રાજીનામું આપી દીધું છે. ભાજપ હાઈકમાન્ડે પણ તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને અન્નામલાઈના રાજીનામાને તાત્કાલિક અસરથી મંજૂરી આપી દીધી છે.

ભારતીય જનતા પાર્ટીએ કે. અન્નામલાઈનું રાજીનામું સ્વીકારી લીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને અન્નામલાઈના રાજીનામાને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. તમિલનાડુની રાજનીતિમાં હવે ભાજપ હવે એકલું થઈ ગયું છે. તમિલનાડુમાં ભાજપને મજબૂત કરવા માટે કે. અન્નામલાઈએ ખૂબ જ ફાળો આપ્યો હતો, પરંતુ હવે તેમણે ભાજપનો સાથો છોડી દીધો છે. 

અન્નામલાઈએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપ્યું

ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝ પ્રમાણે, અન્નામલાઈએ પાર્ટીના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું આપી દીધું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને તાત્કાલિક અસરથી આ રાજીનામું સ્વીકારી લીધું હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અને મુખ્યાલયના પ્રભારી અરુણ સિંહના હસ્તાક્ષર હેઠળ જારી કરાયેલી પ્રેસ રિલીઝમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે કે. અન્નામલાઈ હવે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પણ નથી. આ પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને, તમિલનાડુના ભૂતપૂર્વ રાજ્ય અધ્યક્ષ કે. અન્નામલાઈ દ્વારા સુપરત કરાયેલ પક્ષના પ્રાથમિક સભ્યપદ પરથી રાજીનામું સ્વીકારી લીધું છે. 

ભાજપે પ્રયત્ન કર્યો પરંતુ અન્નામલાઈ માન્યા નહીં

તમને જણાવી દઈએ કે, અન્નામલાઈએ ગત બીજી જૂને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન સાથે મુલાકાત કરી હતી. તે પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે પણ બેઠક થઈ હતી તેવું સૂત્રોએ જણાવ્યું હતું. રાજીનામું આપતા પહેલા અમિત શાહ અને નીતિન નવીન સાથે ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથે મળીને બેઠક કરી હતી. આ દરેક નેતાઓએ અન્નામલાઈને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કઈ મેળ પડ્યો નહીં અને આખરે અન્નામલાઈએ ભાજપને છેડો છોડી દીધો છે. 

શું અન્નામલાઈ નવી પાર્ટી બનાવશે?

કે. અન્નામલાઈએ અચાનક લીધેલા આ આકરા નિર્ણય પાછળ તમિલનાડુ ભાજપના સ્થાનિક સંગઠનમાં ચાલી રહેલો આંતરિક વિખવાદ કે પછી કોઈ અન્ય મોટું રાજકીય કારણ જવાબદાર હોઈ શકે છે, તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો સામે આવ્યો નથી. પરંતુ અન્નામલાઈના આ નિર્ણયના કારણે આગામી સમયમાં તમિલનાડુના રાજકીય સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ જશે. કારણ કે સૂત્રોના જણાવ્યાં પ્રમાણે અન્નામલાઈ નવી પાર્ટી બનાવવાની તૈયારી કરી રહ્યાં છે.