જ્વલંત નાયક
આવું તે કંઈ કરાય?
ફિલ્મ ઇન્ડસ્ટ્રી જેવા ક્ષેત્રે તમારી કારકિર્દી ઠીકઠાક સ્પીડમાં દોડી રહી હોય, યુવાનોમાં તમારો મોટો ચાહક વર્ગ હોય અને એક ગાયક તરીકે તમને ઢગલેબંધ ફિલ્મોમાં કામ મળ્યા કરતું હોય એવા સમયે કંઈ રિટાયરમેન્ટ થોડું લેવાનું હોય? પણ મશહુર બોલિવૂડ સિંગર અરિજિત સિંહે આ કર્યું. કોઈ દેખીતું કારણ ન હોવા છતાં એણે હિન્દી ફિલ્મોમાં પ્લેબેક સિંગિંગ ન કરવાનો નિર્ણય જાહેર કર્યો. એ સાથે જ એના ચાહકોમાં જાણે દેશવ્યાપી નિરાશા વ્યાપી ગઈ છે.
જોકે આવું કરનારો અરિજિત કંઈ પહેલો માણસ નથી. આની અગાઉ વિનોદ ખન્નાએ કારકિર્દીની ટોચી પહોંચીને ઓશોના આશ્રમમાં જઈ સંન્યાસી બનવાનો વિચાર અમલમાં મૂકેલો. જો કે થોડા જ સમયમાં એ ફિલ્મોમાં પાછો ફર્યો અને નવી ઇનિંગની શરૂઆત કરી. તમારી નસોમાં જે કામ દોડતું હોય એને એટલી આસાનીથી અળગું કરી શકાતું નથી. વિનોદ ખન્ના પણ એવું ન કરી શક્યા. જો કે અરિજિત જરા જુદી માટીનો છે. એણે પોતાનું કામ નથી છોડ્યું, એ ગાવાનું ચાલુ જ રાખશે. બસ, ફિલ્મોમાં નહિ ગાય. અલબત્ત, નિવૃત્તિ જાહેર કર્યા બાદ તરત જ એણે અનુષ્કા શંકર સાથે એક લાઈવ પરફોર્મન્સ તો આપી ય દીધું છે. અત્યારે એવું સમજાય છે કે અરિજિતે પોતાની જાતને કારકિર્દીથી નહિ પણ રેટ રેસથી અળગી કરી છે.
અન્ય એક અભિનેતા વિક્રાંત મેસ્સીએ પણ હમણાં આવું જ કંઈક કર્યું. કેટલીક ફિલ્મો અને વેબસીરિઝ કરીને લોકપ્રિયતા પામેલા વિક્રાંતે થોડા સમય માટે વેકેશન લઇ લીધું, જેથી પોતાના બાળકને અને પરિવારને સમય આપી શકે.
બીજા શબ્દોમાં વાત એવી છે, કે આજકાલ લોકોને ખાસ કરીને કારકિર્દીની ટોચે પહોંચેલા યુવાનોને કરિયરની રેટ રેસમાં દોડતા રહેવાની વ્યર્થતા સમજાઈ ગઈ છે. પુષ્કળ કામ અને અઢળક પૈસો કમાઈ લીધા પછી એ બધું માણવા માટેનો સમય જ ન રહેતો હોય તો આટલી બધી શારીરિક-માનસિક મજૂરી કરવાનું કામ જ શું છે? અહીં આળસને પોષવાની વાત નથી, પણ જરૂર પૂરતું કામ કરીને બાકીનો સમય પરિવાર સાથે પોતાની જાત સાથે વિતાવવાની અને જીવનનો સાચો અર્થ પામવાની વાત છે.
આ નિમિત્તે જાપાનમાં શરૂ થયેલા એક ટે્રન્ડ વિષે જાણવું જોઈએ. જાપાનીઝ પ્રજાની છાપ આખા વિશ્વમાં એક કામઢી પ્રજા તરીકેની છે. બીજા વિશ્વયુદ્ધમાં તબાહ થઇ ગયેલા આ દેશની પ્રજાએ અથાક પરિશ્રમ દ્વારા પોતાના કુટુંબને અને દેશને બેઠા કર્યા, પણ હવે આ કામઢી પ્રજા થાકી છે. હવે એમને મશીનની જેમ કામ કરતા રહેવાને બદલે પોતાને માટે જીવવું છે. નવી પેઢી ધન કમાવાની દોડમાંથી બહાર નીકળીને જીવનમાં ક્વોલિટી ટાઈમ માણવાનું મહત્ત્વ સમજતી થઇ છે. અને આ સમજણ એ હદે ફેલાઈ ગઈ કે જાપાની સમાજમાં `તાઇશોકુ ડાઇકોઉ' (Taishoku Daikou) નામનો એક વિચિત્ર પ્રકારનો ક્નસેપ્ટ પ્રચલિત થઇ ગયો!
શું છે આ `તાઇશોકુ ડાઇકોઉ'?
આમ તો દુનિયા આખી જાણે છે તેમ જાપાનીઝ પ્રજા ભારે કામઢી. એમના જીન્સ જ એવા કે સતત કામકાજમાં રચ્યાપચ્યા રહે. હવે આવી પ્રજાને પોતાના માટે થોડો બ્રેક લેવો હોય, કે પછી નાણાં પાછળ દોડવાને બદલે જીવન માણવા થોડો સમય જોઈતો હોય, તો ય એવું જાહેર કરતા શરમાય! કંપનીમાં બોસને કહેવું કેમ, કે મને ઓછો પગાર ચાલશે પણ ઓવરટાઈમ નહિ કરું !
જાપાનીઝ જેન ઝી એટલે કે યુવા નોકરિયાતોની આ સમસ્યાનું સમાધાન કરવા માટે હવે અનેક રાજીનામાં વિશેષજ્ઞ કંપનીઓ અસ્તિત્વમાં આવી ગઈ છે! આ એવી કંપનીઝ છે જે નોકરી છોડવા માગતા યુવાનોને રાજીનામું તૈયાર કરી આપવામાં મદદ કરે છે. એટલું જ નહિ, પણ છૂટા થવા માગતા કર્મચારીને દેશના કાયદાઓને આધીન રહીને મળવાપાત્ર તમામ લાભો મેળવવા અંગે કંપનીના મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરવાનું કામ કરે છે! આ તો જબરું કહેવાય નહિ? આ પ્રકારની કંપનીઝ જાપાનીઝ ભાષામાં `તાઇશોકુ ડાઇકોઉ' તરીકે ઓળખાય છે.
જાપાનીઝ વર્કકલ્ચરમાં બોસને બહુ મહત્ત્વ અપાય. પ્રાચીન ભારતીય પરિવારોમાં જેમ પિતાની આજ્ઞા શિરોમાન્ય ગણાતી અને પિતાની મરજી વિરુદ્ધ જવું બહુ દુષ્કર ગણાતું, એમ કામઢા જાપાનીઓ પોતાના બોસને બહુ મહત્ત્વ આપે છે. રજા માગતા કે ઓવરટાઈમની ના પાડવામાં એમને બહુ શરમ આવે છે. એમાં જો નોકરી છોડવાની વાત આવે તો તો જાપાનીઓના મોતિયા જ મરી જાય! આવા સંજોગોમાં આખા જાપાનમાં ધડાધડ તાઇશોકુ ડાઇકોઉ કંપનીઝ ખૂલી રહી છે. કર્મચારીના હોદ્દા અને હેસિયત મુજબ ચાર્જ વસૂલતી આ કંપનીઝ બોસ અથવા એચઆરને ફોન/ઈમેઇલ/લેટર દ્વારા રાજીનામાની સૂચના આપે છે, રાજીનામાની તારીખ (ઘણી વખત તાત્કાલિક અથવા પેઇડ લીવ વાપરીને) નક્કી કરે છે. એ ઉપરાંત અન્ય કોઈપણ વાતચીત, કાગળકામ અને જરૂરી પ્રોસેસ હેન્ડલ કરે છે.
હાલમાં આવી એકસો ઉપરાંત કંપનીઝ કાર્યરત છે. એમાં `એક્ઝિટ' નામક કંપની પાસે તો વર્ષે દસેક હજાર ક્લાયન્ટ્સ આવે છે, જે પોતાની નોકરી છોડીને શાંતિપૂર્વક જીવન વિતાવવા તૈયાર હોય છે.
આ આખી વાત ભારતીયોને બહુ વિચિત્ર જણાશે, પણ જાપાનીઝ હવે કામ કરી કરીને કંટાળ્યા છે. નાણાં ઓછા મળશે તો ચાલશે, પણ પરિવાર અને પોતાની જાતને ભોગે ઓવરટાઈમ નહિ કરવા માટેની એમની ઈચ્છા દિવસે દિવસે બળવત્તર બનતી જાય છે. જાપાન આમેય ઘરડો થઇ રહેલો દેશ છે. જો વસતિના સરેરાશ આયુષ્યની વાત કરીએ તો જાપાનીઝ વસ્તીની સરેરાશ ઉંમર છે પચાસ વર્ષ જે આખા વિશ્વમાં સૌથી વધુ છે.
આવા સમયે વર્કકલ્ચરમાં આવેલ મોટો બદલાવ જાપાનને કેવા સોશિયો-કલ્ચરલ શોક્સ આપશે એ તો હવે આવનારા સમયમાં જ ખબર પડશે. બાકી ભારતની વાત કરીએ તો આપણને કામ છોડવા માટે નહિ પણ કામ કરવા માટેની ભાવના પેદા કરી આપે એવી કંપનીઝની તાતી જરૂર છે.