Sun Sep 13 2026

Logo

પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારીએ ભવાનીપુર બેઠક જાળવી, નંદીગ્રામ પરથી રાજીનામું આપશે

2026-05-13 15:50:20
Author: Chandrakant Kanoja
પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારીએ ભવાનીપુર બેઠક જાળવી, નંદીગ્રામ પરથી રાજીનામું આપશે

કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ  ભવાનીપુર વિધાનસભા બેઠક જાળવી રાખી છે. આ બેઠક પરથી તેમણે મમતા બેનર્જીને 15,000 મતથી  હરાવ્યા હતા. જોકે, તેમણે બીજી જીતેલી નંદીગ્રામ બેઠક પરથી તે રાજીનામું આપશે. સુવેન્દુ અધિકારીએ વિધાનસભામાં ભવાનીપુરના ધારાસભ્ય તરીકે શપથ લીધા હતા. 

હું ત્યાંના લોકો સાથે જોડાયેલો રહીશ

આ ઉપરાંત સીએમ સુવેન્દુ અધિકારીએ જણાવ્યું કે,  પેટાચૂંટણીમાં  નંદીગ્રામના ધારાસભ્ય તરીકે કોઈ બીજાને ચૂંટવામાં આવશે. જોકે  હું ત્યાંના લોકો સાથે જોડાયેલો રહીશ. તેમણે વિધાનસભા પરિસરમાં બોલતા કહ્યું કે,  રાજ્યના અન્ય ભાગોની સાથે હું નંદીગ્રામના લોકોને આપેલા તમામ વિકાસ સંબંધિત વચનો પૂર્ણ કરીશ.

 ફિરોઝા બીબીના કાર્યકાળનો ઉલ્લેખ કર્યો 

તેમણે વર્ષ 2009  થી 2026  સુધી નંદીગ્રામથી તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે સેવા આપનાર ફિરોઝા બીબીના કાર્યકાળનો ઉલ્લેખ કરતા  નોંધ્યું કે, તેઓ મમતા બેનર્જીના પક્ષના અગ્રણી નેતાઓમાંના એક હતા. તેમણે કહ્યું, જોકે હું સત્તાવાર રીતે તે બેઠક માટે ધારાસભ્ય નહોતો, મે વર્ષ 2008 ના નંદીગ્રામ પોલીસ ગોળીબારની ઘટનામાં શહીદ થયેલા વ્યક્તિની માતા ફિરોઝા બીબીને મારો સંપૂર્ણ ટેકો આપ્યો હતો. હું આ વખતે પણ એ જ ભૂમિકા ભજવીશ.

ગેરકાયદે ટોલ બૂથ સામે કડક વલણ અપનાવ્યું

આ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં સુવેન્દુ અધિકારીએ  ગેરકાયદે ટોલ બૂથ સામે કડક વલણ અપનાવ્યું છે. રાજ્ય સરકારે પશ્ચિમ બંગાળમાં  ગેરકાયદે  કાર્યરત તમામ  ટોલ બૂથ અને ડ્રોપ ગેટ બંધ કરવાના આદેશો આપ્યા છે. તેમજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે પદ સંભાળ્યા પછી તરત જ સુવેન્દુ અધિકારીનું પહેલું પગલું બાંગ્લાદેશ સાથેની સરહદ પર વાડ બનાવવા માટે બીએસએફ ને જમીન ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી હતી. સુવેન્દુ અધિકારીએ જણાવ્યું હતું કે જમીન ટ્રાન્સફર પ્રક્રિયા સોમવારથી શરૂ થશે અને 45 દિવસમાં પૂર્ણ થવાની છે.