Tue Aug 25 2026

Logo

પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારી પર હુમલાનો ઇમેલ, આરોપીની ધરપકડ

2026-05-16 21:47:02
Author: Chandrakant Kanoja
પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારી પર હુમલાનો  ઇમેલ, આરોપીની ધરપકડ

કોલકાતા : પશ્ચિમ બંગાળના નવનિયુક્ત મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી પર આત્મઘાતી હુમલો કરવાના કાવતરાનો આરોપ લગાવતા એક ઈમેલથી કોલકાતા પોલીસમાં ખળભળાટ મચી ગયો હતો. જોકે, ત્યારબાદની તપાસમાં આ મામલો ખોટો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ કેસમાં માત્ર બે દિવસમાં આરોપીની ધરપકડ કરી હતી. તેમજ આરોપીએ આ ઇમેલ મહિલાને ફસાવવા માટે કર્યો હોવાનો ખુલાસો થયો છે. 

મહિલા મુખ્યમંત્રીની હત્યાનું કાવતરું ઘડી રહી છે

આ અંગે  કોલકાતાના અધિક પોલીસ કમિશનર વી. સોલોમન નેસાકુમારે જણાવ્યું હતું કે આ ઈમેલ એક બનાવટી હતો અને એક મહિલાને ફસાવવાના કાવતરાના ભાગ રૂપે મોકલવામાં આવ્યો હતો. જેમાં  14 મેના રોજ ભવાનીપુર પોલીસ સ્ટેશનને એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે એક મહિલા મુખ્યમંત્રીની હત્યાનું કાવતરું ઘડી રહી છે અને તેના આતંકવાદી સંગઠન અલ-કાયદા સાથે સંબંધો છે. ઈમેલમાં આત્મઘાતી હુમલાની શક્યતાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

પોલીસે આરોપીની ઓળખ હસનમ ઈકબાલ તરીકે કરી

તપાસ દરમિયાન, પોલીસે આરોપીની ઓળખ હસનમ ઈકબાલ તરીકે કરી હતી. પૂછપરછમાં, તેણે કબૂલાત કરી હતી કે ઈમેલ સંપૂર્ણપણે ખોટો હતો અને તેણે વ્યક્તિગત ઝઘડાને કારણે એક મહિલાને ફસાવવા માટે આ કાવતરું ઘડ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ અગાઉ અનેક રાજકીય વ્યક્તિઓ અને ચૂંટણી પંચને પણ આવા ખોટા ઈમેલ મોકલ્યા છે.

મુખ્યમંત્રીની સુરક્ષા અંગે વધારાની તકેદારી રાખવામાં આવી

કોલકાતા પોલીસે ચેતવણી જાહેર કરીને જણાવ્યું છે કે ભવિષ્યમાં આવી ખોટી માહિતી ફેલાવનાર કોઈપણ વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં, મુખ્યમંત્રીની સુરક્ષા અંગે વધારાની તકેદારી રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી વિધાનસભા ચૂંટણીમાં, સુવેન્દુ અધિકારીએ ભવાનીપુર મતવિસ્તારમાંથી જીત મેળવી હતી, જ્યાં તેમણે મમતા બેનર્જીને હરાવ્યા હતા.