Mon Sep 07 2026

Logo

બેંગકોકથી 2.09 કરોડનો ગાંજો લાવનારો સુરતનો યુવક મુંબઈ એરપોર્ટ પર ઝડપાયો

2026-08-10 13:58:00
Author: Yogesh D. Patel
બેંગકોકથી 2.09 કરોડનો ગાંજો લાવનારો સુરતનો યુવક મુંબઈ એરપોર્ટ પર ઝડપાયો

મુંબઈ: બેંગકોકથી 2.09 કરોડ રૂપિયાનો ઉચ્ચ ગુણવત્તાનો ગાંજો બેગમાં છુપાવીને લાવનારા સુરતના યુવકની મુંબઈ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. 
કસ્ટમ્સના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) ધરપકડ કરેલા યુવકની ઓળખ સુરતના અભિષેક આકેશભાઇ ટેલર તરીકે થઇ હતી. અભિષેક ટેલરને રવિવારે અદાલતમાં હાજર કરવામાં આવ્યો હતો. કસ્ટમ્સના વિશેષ સરકારી વકીલ હૃષીકેશ મુંડે કોર્ટમાં હાજર રહ્યા હતા અને તેમણે દલીલ કરી હતી. કોર્ટે બાદમાં અભિષેકને જુડિશિયલ કસ્ટડી ફટકારવામાં આવી હતી.

અભિષેક બેંગકોકથી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં શનિવારે મોડી રાતના મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવી પહોંચ્યો હતો. રવિવારે  મળસકે ત્રણ વાગ્યાની આસપાસ એઆઇયુના અધિકારીઓએ એરપોર્ટ પર અરાઇવલ હોલ નજીકથી અભિષેકને શંકાને આધારે આંતર્યો હતો.

અભિષેકની બેગમાં તલાશી લેવામાં આવતાં તેમાંથી આઠ ટ્રિપલ લેયર વેક્યુમ પેકેટ્સ મળી આવ્યાં હતાં, જેમાંથી 2.09 કરોડ રૂપિયાનો 6650 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. આથી અભિષેક વિરુદ્ધ નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટેન્સીસ (એનડીપીએસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી. 

અભિષેકે બેંગકોકમાં ગાંજો કોની પાસેથી મેળવ્યો હતો અને તે મુંબઈમાં કઇ વ્યક્તિ સુધી પહોંચાડવાનો હતો, તેની તપાસ કરવામાં આવી રહી છે. કેસની તપાસ હાલ એઆઇયુના અધિકારી આલોક કુમાર કરી રહ્યા છે.