Mon Aug 31 2026

Logo

સુરતમાં કેમ રવિવારે ખુલ્લી રહી ટેક્સટાઈલ માર્કેટ ? જાણો કારણ

2026-08-04 13:24:00
Author: Mayur Patel
સુરતમાં કેમ રવિવારે ખુલ્લી રહી ટેક્સટાઈલ માર્કેટ ? જાણો કારણ

સુરતઃ શહેરમાં પખવાડિયા પહેલા ધોધમાર વરસાદના કારણે કેટલીક ટેક્સટાઈલ માર્કેટમાં પાણી ઘૂસી ગયા હતા. જેના કારણે સિઝનના સમયે જ વેપારીઓને મોટું નુકસાન થયું હતું.  તહેવારોની સિઝન પૂર્વે બાકી રહેલા ઓર્ડર પૂરા કરવા માટે રવિવારે પણ ખુલ્લું રહ્યું હતું. સૂત્રોના જણાવ્યા અનુસાર, રવિવારે આશરે રૂ. 25 કરોડનું કાપડ દેશભરમાં રવાના કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે રવિવારે  સુરત ટેક્સટાઇલ માર્કેટમાં રજા હોય છે, જ્યારે જુલાઈ મહિનામાં પૂરના કારણે પણ માર્કેટ ઓછામાં ઓછા છ દિવસ બંધ રહ્યું હતું.

ફોસ્ટાના સૂત્રોએ જણાવ્યું હતું કે, કાપડ વેપારીઓએ સ્વતંત્ર રીતે વિવિધ ટેક્સટાઇલ માર્કેટોના પ્રમુખોનો સંપર્ક કર્યો હતો અને 2 ઓગસ્ટે દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી માગી હતી. પૂર અને ભારે વરસાદના કારણે 7 અને 8 જુલાઈ, ત્યારબાદ 22 અને 23 જુલાઈ અને ફરીથી 30 અને 31 જુલાઈએ ટેક્સટાઇલ માર્કેટો બંધ રહ્યા હતા, જેનાથી વેપારીઓને ભારે અસર થઈ હતી. અતિવૃષ્ટિ બાદ દુકાનોમાં પાણી ભરાઈ જતાં અનેક વેપારીઓને નુકસાન પણ વેઠવું પડ્યું હતું.

કાપડ ઉદ્યોગ માટે આ સારી સિઝન હોવાનું જણાવતાં સૂત્રોએ ઉમેર્યું કે, આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને અન્ય રાજ્યોના ખરીદદારો તરફથી મોટા પ્રમાણમાં ઓર્ડર મળી રહ્યા છે. જો આ સમયગાળા દરમિયાન માર્કેટ બંધ રહે, તો વેપારીઓ દેશભરમાંથી મળેલા ઓર્ડર સમયસર ડિલિવર કરી શકે નહીં. રવિવારે સુરતની મોટાભાગની કાપડ માર્કેટો ખુલ્લી રહી હતી, જે એક અસામાન્ય બાબત હતી. વેપારીઓએ પ્રમુખો અને ફોસ્ટાને આગામી રવિવારે, 8 ઓગસ્ટે પણ કામ કરવાની પરવાનગી આપવા વિનંતી કરી છે.

આ ઉપરાંત સૂત્રોએ જણાવ્યું કે, રવિવારે કાપડ ભરેલી 300થી વધુ ટ્રકો અન્ય રાજ્યો અને શહેરો માટે રવાના થઈ હતી. વેપારીઓની માંગ મુજબ રવિવારે સુરતમાં ટ્રાન્સપોર્ટ સર્વિસની ઓફિસો પણ ખુલ્લી રાખવામાં આવી હતી. સામાન્ય રીતે  રોજની આશરે 150 ટ્રકો રવાના થતી હોય છે, પરંતુ રવિવારે કાપડ ભરેલી 320થી વધુ ટ્રકો સુરતથી અન્ય સ્થળો માટે ઉપડી હતી. સુરતમાં 600થી વધુ ટ્રાન્સપોર્ટરો છે જેઓ કાપડ વેપારીઓ પાસેથી પાર્સલ મેળવીને દેશભરના જથ્થાબંધ ગ્રાહકો સુધી પહોંચાડે છે. રવિવારે આશરે રૂ. 30 કરોડનો માલ રવાના કરવામાં આવ્યો હતો. કાપડ વેપારીઓએ જણાવ્યું હતું કે, ટાર્ગેટ પૂરો કરવા માટે તેમણે રવિવારે કામ કરનારા મજૂરોને વધારાનું મહેનતાણું પણ આપ્યું હતું.

વધુ જુઓ...