Thu Sep 10 2026

Logo

અમદાવાદ-ગાંધીનગર બાદ હવે સુરતમાં પણ શરૂ થઈ જશે મેટ્રો! જાણો કેટલે પહોંચી કામગીરી?

2026-07-20 18:48:12
Author: Devayat Khatana
અમદાવાદ-ગાંધીનગર બાદ હવે સુરતમાં પણ શરૂ થઈ જશે મેટ્રો! જાણો કેટલે પહોંચી કામગીરી?

representative image


અમદાવાદ: હાલ ગુજરાતમાં ગાંધીનગર અને અમદાવાદ બંને શહેર મેટ્રો સુવિધાથી જોડાઈ ચૂક્યા છે. અમદાવાદના APMCથી ગાંધીનગરના મહાત્મા મંદિર અને ગિફ્ટ સિટી સુધી સીધી જોડતી મેટ્રો સેવા મળી રહે છે. આ પ્રથમ ફેઝ બાદ હજુ પણ મેટ્રો સેવાને વધારવા માટે સરકારે કામગીરી હાથ ધરી છે અને શહેરના અન્ય વિસ્તારોને પણ મેટ્રો સેવાથી જોડીને જાહેર પરિવહન પૂરું પાડવાનો સરકારનો ઉદ્દેશ છે. 

આજે રાજ્યસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારે દેશભરમાં ચાલી રહેલા અને પૂર્ણ થયેલા મેટ્રો સેવા ફેઝ અંગે માહિતી આપી હતી. જેમાં અમદાવાદના મેટ્રો ફેઝ 2-A અને 2-B અંગે માહિતી આપી હતી. જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે અમદાવાદમાં મેટ્રો સેવાનો ફેઝ  ફેઝ 2-A અને 2-B જે અનુક્રમે 6.032 કિમી અને 3.33 કિમીની લંબાઈ ધરાવે છે, જેનું પ્રારંભિક કાર્ય હાલ પ્રગતિમાં છે. જો કે સરકારે અમદાવાદ મેટ્રોના ફેઝ 2-A માટે 2169.04 કરોડ રૂપિયા અને ફેઝ 2-B માટે 1067.35 કરોડ રૂપિયા ફાળવ્યા છે. 

તે ઉપરાંત સુરતમાં ચાલી રહેલા મેટ્રો રેલ પરિવહન યોજનાની સ્થિતિ અંગે અપડેટ આપવામાં આવી છે. જેમાં 40.35 કિમી લંબાઈના સુરત મેટ્રો રેલ પરિવહન યોજનાનું અંદાજે 81.10% જેટલું કાર્ય હાલ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. 

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દેશમાં મેટ્રો સેવાના વિસ્તરણ માટે સતત બજેટમાં વધારો કરી રહી છે. વર્ષ 2023-24માં કેન્દ્ર સરકારે આ માટે 23,102.2 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. 2024-25માં આ માટે 28,543.86 કરોડ અને 2025-26માં 29,451.00 કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી. જ્યારે વર્ષ 2026-27માં સરકારે બજેટમાં આ માટે 30,942.05 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.