Fri Oct 02 2026

Logo

સુપ્રિયા સુળેએ વિદ્યાર્થી આંદોલનમાં ભાગ લેનાર રિયા આહીર સાથે કરી મુલાકાત; આપ્યું પૂર્ણ સમર્થન

2026-08-02 18:32:42
Author: Mumbai Samachar Team
સુપ્રિયા સુળેએ વિદ્યાર્થી આંદોલનમાં ભાગ લેનાર રિયા આહીર સાથે કરી મુલાકાત; આપ્યું પૂર્ણ સમર્થન

મુંબઈ: મુંબઈ વિદ્યાર્થી આંદોલન દરમિયાન પોલીસની વેન સામે ઊભી રહી સમગ્ર દેશનું ધ્યાન ખેંચનાર રિયા આહીરે સાથે  રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ)ના કાર્યકારી અધ્યક્ષ અને સાંસદ સુપ્રિયા સુળેએ મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન એનસીપી (શરદ પવાર જૂથ)ના પ્રમુખ શરદ પવાર પણ હાજર રહ્યા હતા. સુપ્રિયા સુળેએ રિયાને દરેક સંજોગોમાં સાથ આપવાનું વચન આપ્યું હતું અને તેના વિરુદ્ધ ચાલી રહેલી કથિત ધમકીઓ તેમજ બદનામીના અભિયાન અંગે ગંભીર ચિંતા પણ વ્યક્ત કરી હતી.

સુપ્રિયા સુળેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ' પર મુલાકાતની માહિતી શેર કરતાં લખ્યું કે, તેઓ મુંબઈમાં રિયા અહીરને મળ્યા હતા. વિદ્યાર્થી આંદોલન દરમિયાન પોલીસની વેન સામે નિર્ભયતાથી ઊભી રહેલી રિયા આજે સમગ્ર વિદ્યાર્થી ચળવળનું મજબૂત પ્રતિક બની ગઈ છે. તેમની બહાદુરીએ દેશભરના લોકોમાં હિંમત અને પ્રેરણા જગાવી છે.

સુળેએ વધુમાં જણાવ્યું કે રિયાને હાલમાં મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, જે અત્યંત ચિંતાજનક બાબત છે. એટલું જ નહીં, તેને ડરાવવા અને બદનામ કરવા માટે તેની મોર્ફ કરેલી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાવીને દુષ્પ્રચાર કરવામાં આવી રહ્યો છે. લોકશાહી પદ્ધતિથી વિરોધ કરવાનો અધિકાર વાપરનારી એક યુવતીનો અવાજ દબાવવાના આવા પ્રયાસો કોઈપણ રીતે સ્વીકાર્ય નથી.

મુલાકાત દરમિયાન સુપ્રિયા સુળેએ  રિયાને ખાતરી આપી કે તેમની પાર્ટી અને તેઓ વ્યક્તિગત રીતે આ મુશ્કેલ સમયમાં તેની સાથે ઢાલ બનીને ઊભા રહેશે અને શક્ય તમામ મદદ કરશે. તેમણે મહારાષ્ટ્ર સરકારને અપીલ કરી કે રિયા અહીરને ધમકી આપનારા અને તેની ખોટી તથા મોર્ફ કરેળ ફોટા વીડિયો ફેલાવનારા લોકો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે.

સાથે જ તેમણે રાજ્ય સરકારને રિયાની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી, જેથી તે કોઈપણ ભય વગર પોતાના લોકશાહી અધિકારોનો ઉપયોગ કરી શકે. સુપ્રિયા સુળેની આ મુલાકાત બાદ મુંબઈ વિદ્યાર્થી આંદોલન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યું છે અને રિયા અહીરને હાલ મળી રહેલા રાજકીય સમર્થનને પણ મહારાષ્ટ્રની રાજનીતિની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.