Fri May 01 2026

Logo

સુપ્રીમ કોર્ટે કહ્યું શાળામાં વંદે માતરમ ગાવું ફરજિયાત નહિ, અરજી ફગાવી

2026-03-25 17:22:55
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ગાવા અંગે ગૃહ મંત્રાલયના પરિપત્ર અંગે દાખલ કરેલી અરજી ફગાવી દીધી છે. કોર્ટે જણાવ્યું કે જાહેર સ્થળો અને જાહેર કાર્યક્રમો માટે જાહેર કરેલા નિર્દેશ ફરજિયાત નથી. આ પરિપત્રમાં  શાળામાં દરરોજ વંદે માતરમ ગાવું ફરજિયાત કરવામાં આવ્યું હતું. સુપ્રીમ કોર્ટે આ અરજી વહેલી ગણાવી હતી.

આ તબક્કે સુનાવણીની કોઈ જરૂર નથી.

સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે આ સુનવણી ત્યારે અર્થપૂર્ણ બનશે જ્યારે કોઇ વ્યક્તિને સરકારી નિર્દેશનો અમલ ન કરવા બદલ  દંડની કે સજાની જોગવાઇ કરી હોય.  તેથી આ તબક્કે સુનાવણીની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટેની બેન્ચે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કોર્ટ ફક્ત ત્યારે જ હસ્તક્ષેપ કરશે જો કોઈ વ્યક્તિ સરકારી સલાહકાર અથવા નિર્દેશના આધારે ભેદભાવ અથવા બળજબરીનો ભોગ બને.બેન્ચે અરજદારને પૂછ્યું કે શું 28 જાન્યુઆરીના રોજ જાહેર કરાયેલ સરકારી જાહેરનામામાં એવી કોઈ જોગવાઈ છે કે જો કોઈ વ્યક્તિ તેને ના ગાય તો તેને દૂર કરવામાં આવે અથવા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે. 

માત્ર પ્રોટોકોલ છે તેનું પાલન ફરજિયાત નથી

સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું કે આ માત્ર પ્રોટોકોલ છે તેનું પાલન ફરજિયાત નથી. અમે આ બાબતો પર ફક્ત ત્યારે જ ધ્યાન આપીશું જ્યારે અરજદાર સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવશે  અથવા જ્યારે તેના માટે ગાવાનું ફરજિયાત બનાવવામાં આવશે. 

સુપ્રીમ કોર્ટેમાં સઈદ નૂરી દ્વારા અરજી દાખલ કરવામાં આવી

સુપ્રીમ કોર્ટેમાં સઈદ નૂરી દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેની સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે જણાવ્યું કે, અમને તે નોટિસ બતાવો જેમાં તમને વંદે માતરમ ગાવાની ફરજ પાડવામાં આવી હોય.  તમે એક શાળા ચલાવો છો  અમને એ પણ ખબર નથી કે તે માન્ય છે કે નહીં. 

અરજી ભેદભાવની અસ્પષ્ટ આશંકા સિવાય બીજું કંઈ નથી

જેના જવાબમાં અરજદારના  વકીલે રજૂઆત કરી, જે વ્યક્તિ 'વંદે માતરમ' ગાવાનો કે રાષ્ટ્રગીત દરમિયાન ઊભા રહેવાનો ઇનકાર કરે છે તે હંમેશા ભારે બોજ વહન કરે છે.  ત્યારે  ન્યાયાધીશ બાગચીએ જણાવ્યું કે  આ ફક્ત એક દ્રષ્ટિકોણ છે, અને લોકો તેની સાથે અસંમત થઈ શકે છે. તેમણે ઉમેર્યું કે જો તમારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે અથવા જો નોટિસ આપવામાં આવે છે. તો તમને કોર્ટનો સંપર્ક કરવાની સ્વતંત્રતા છે. હાલ  આ અરજી ભેદભાવની અસ્પષ્ટ આશંકા સિવાય બીજું કંઈ નથી.