Wed Jun 17 2026

Logo

‘શું તમે જેમ્સ બોન્ડ છો? પહેલા ગોળી મારશો અને પછી પ્રશ્નો કરશો?’ સુપ્રીમ કોર્ટે રાજસ્થાન પોલીસની શાન ઠેકાણે લાવી...

2026-02-27 21:34:00
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: રાજસ્થાનના ખંડણી અને છેતરપિંડીનાં એક કેસમાં નોંધાયેલી એક FIRને રદ કરતા સુપ્રીમ કોર્ટે રાજસ્થાન પોલીસને ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે રાજસ્થાન પોલીસને ઠપકો આપતા કહ્યું કે, "શું તમે જેમ્સ બોન્ડની જેમ કામ કરવાના છો? પહેલા ગોળી મારશો અને પછી પ્રશ્નો પૂછશો? કોર્ટે રાજસ્થાન પોલીસના વર્તનની ટીકા કરી હતી. 

એક જાણીતી મીડિયા કંપનીની દ્વારા તેના રિજનલ હેડ વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવેલી ફરીયાદને આધારે રાજસ્થાન પોલીસે જે રીતે FIR નોંધી હતી, એની સામે કોર્ટે તેની સામે નારાજગી વ્યક્ત કરી. ચેનલના પ્રાદેશિક વડા સામે FIR રદ કરતા, ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મહેતાની બેન્ચે કહ્યું કે FIR નોંધાતા પહેલા પોલીસ અધિકારીએ તપાસ કરવી જોઈતી હતી અને આરોપોની પુષ્ટિ કરવી જોઈતી હતી. 

FIR અંગે સવાલ:
ન્યાયાધીશ મહેતાએ અવલોકન કર્યું, "જે રીતે આ FIR નોંધવામાં આવી છે, તેનાથી અમે નારાજ છીએ. FIR અને ફરિયાદમાં ખંડણીનો કોઈ ખાસ આરોપ કે કંપનીમાં પોતાના પદનો દુરુપયોગ કરવાનો ખાસ ગુનાનો કોઈ ઉલ્લેખ નથી, પોલીસ સ્ટેશનને તાત્કાલિક FIR નોંધવાની જરૂર કેમ પડી? કોઈ પણ નક્કર આરોપ વગર, આ માત્ર એક વાર્તા છે, બધું જ કાલ્પનિક છે." 

સામાન્ય નાગરિકની ફરિયાદ નોંધશો?
કોર્ટે રાજસ્થાન પોલીસને પૂછ્યું કે તમે FIR ફક્ત એટલા માટે દાખલ કરી કેમ કે ફરિયાદી (મીડિયા કંપની) એક પ્રભાવશાળી એજન્સી હતી? કોર્ટ કહ્યું, "એક સામાન્ય નાગરિક પોલીસ સ્ટેશનમાં આવે, તો શું તમે આવી FIR નોંધશો? આ FIRમાં કંઈ નથી. ફરિયાદી એક પ્રભાવશાળી એજન્સી છે, ફક્ત એટલા માટે તમે આવી  FIR  નોંધી લીધી? જો સામાન્ય માણસ આવા આરોપો સાથે ફરિયાદ નોંધાવા આવે તો, તેને બહાર કાઢી મૂકવામાં આવશે."

ન્યાયાધીશે પૂછ્યું, "શું તમે જેમ્સ બોન્ડ છો? પહેલા ગોળી મારો અને પછી વિચાર કરો છો?" 

શું છે મામલો:
ચેનલ મેનેજમેન્ટે જયપુરના અશોક નગર પોલીસ સ્ટેશનમાં તેના તત્કાલીન રિજનલ હેડ અને અન્ય લોકો વિરુદ્ધ છેતરપિંડી અને ગુનાહિત ગેરવર્તણૂકના આરોપસર ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ રિજનલ હેડ અને અન્ય લોકોને રાજીનામું આપવાનું કહેવામાં આવ્યું હતું.

આરોપીએ FIR  ખોટી અને અસ્પષ્ટ ગણાવીને રાજસ્થાન હાઇકોર્ટનો સંપર્ક કર્યો. રાજસ્થાન હાઈકોર્ટે FIR રદ કરવાનો ઇનકાર કર્યો હતો.