Wed Jul 29 2026

Logo

પશ્ચિમ બંગાળ SIR મુદ્દે સુપ્રીમ કોર્ટની મહત્વની ટિપ્પણી: મતદાન એ માત્ર અધિકાર નહીં, ભાવનાત્મક મુદ્દો છે

2026-04-13 15:14:00
Author: Mayur Patel
Article Image

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન) સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કડક ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું, જે દેશમાં તમે જન્મ્યા છો, ત્યાં મત આપવો માત્ર અધિકાર નથી પરંતુ એક ભાવનાત્મક મુદ્દો પણ છે. અમે આગામી ચૂંટણીની ધૂળ (Dust) અને આક્રોશ (Fury)થી અંધ થઈ શકીએ નહીં. લૉજિકલ ડિસ્ક્રપન્સી કેટેગરી માત્ર પશ્ચિમ બંગાળમાં જોવા મળી હતી, અન્ય કોઈ રાજ્યમાં નહીં.

સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કુરૈશા યાસ્મિન નામની એક મહિલા અરજીકર્તાની સુનાવણી પર કરી હતી. મહિલાનું નામ SIR દરમિયાન મતદાર યાદીમાં નહોતું. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું હતું, જે દેશમાં તમે જન્મ્યા છો, ત્યાં મત આપવાનો ન માત્ર એક અધિકાર છે, પરંતુ ભાવનાત્મક મુદ્દો પણ છે, તેથી અપીલેટ ટ્રિબ્યુનલ સામે મોટી સંખ્યામાં અપીલ આવે છે.

પશ્ચિમ બંગાળમાં SIR મુદ્દે સુનાવણી દરમિયાન ન્યાયાધીશે કેટલાક મુદ્દા પણ ટાંક્યા હતા. તેમણે કહ્યું, લૉજિકલ ડિસ્ક્રિપન્સી કેટેગરને માત્ર પશ્ચિમ બંગાળમાં નોટ કરવામાં આવી છે, અન્ય કોઈ રાજ્યમાં નહીં. ન્યાયાધીશે ચૂંટણી પંચને જણાવ્યું કે, તેમનું પ્રથમ સ્ટેન્ડ 2002 રોલમાં સામેલ લોકોને કોઈ ડોક્યુમેન્ટની જરૂર નથી, પરંતુ ચૂંટણી પંચ બિહારમાં લાવવામાં આવેલા તેમના સ્ટેન્ડથી અલગ છે. ચૂંટણી પંચ અને રાજ્ય વચ્ચે ભરોસો નથી, તેથી અમે ન્યાયિક અધિકારીઓની મદદ માંગી હતી. 

ચૂંટણી પંચે પ્રથમ તબક્કાના મતદાન અંતર્ગત આવતી વિધાનસભા સીટ માટે 9 એપ્રિલે મતદાર યાદીને અંતિમ રૂપ આપવાની સાથે ફ્રિઝ કરી દીધી હતી. પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 23 અને 29 એપ્રિલે થશે. મતગણતરી 4 મેના યોજવામાં આવશે. મતદાર યાદી ફ્રીઝ કરવાનો મતલબ જે લોકોના નામ મતદાર યાદીમાંથી હટાવવામાં આવ્યા છે તેમને વિધાનસભા ચૂંટણીમાં મતદાર યાદીમાં સામેલ ન કરી શકાય તેવો છે.  

ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં એસઆઈઆર અભિયાન બાદ મતદાર યાદીમાંથી આશરે 91 લાખ મતદારોના નામ હટાવવામાં આવ્યા હતા. ફાઈનલ મતદાર યાદી જાહેર થતાં જ 23 એપ્રિલે થનારી વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલાં એસઆઈઆર વિવાદ ગરમાયો છે.