Tue Oct 06 2026

Logo

એકસ્ટ્રા અફેર: ભારતમાં નકલી દારૂનો વેપાર બંધ કરવો શક્ય જ નથી

2026-09-21 08:25:00
Author: Bharat Bharadwaj
એકસ્ટ્રા અફેર: ભારતમાં નકલી દારૂનો વેપાર બંધ કરવો શક્ય જ નથી

 

- ભરત ભારદ્વાજ

સુપ્રીમ કોર્ટે ત્રણ દિવસ પહેલાં મહારાષ્ટ્ર પોઈઝન્સ રૂલ્સ, 1972માં કરાયેલા સુધારાને રદ કરતો ચુકાદો આપ્યો. આ ચુકાદા દરમિયાન સુપ્રીમ કોર્ટે કરેલી ટીપ્પણીના પગલે ગુજરાતની દારૂબંધી ફરી ચર્ચામાં છે. સુપ્રીમ કોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાની બેન્ચે એવી ટીપ્પણી કરી છે કે, ગુજરાતમાં દાયકાઓથી દારૂબંધી અમલી હોવા છતાં ઝેરી દારૂથી થતાં મૃત્યુ અટક્યાં નથી એ જોતાં પરાણે લદાયેલી દારૂબંધી સમસ્યાનો ઉકેલ નથી કે પરાણે લદાયેલી દારૂબંધીથી લોકોને મરતાં પણ રોકી શકાતાં નથી. 
સુપ્રીમ કોર્ટે તાજેતરમાં ભાવનગરમાં થયેલા લઠ્ઠાકાંડનો ઉલ્લેખ પણ કર્યો ને કહ્યું કે, ભાવનગર અને મધ્ય પ્રદેશના સાગરના તાજેતરમાં બનેલા લઠ્ઠાંકાંડથી એ જ સાબિત થાય છે કે,  દારૂ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાથી દારૂનો વેપાર ખાનગીમાં ચાલે છે પણ સદંતર બંધ થતો નથી. ખાનગીમાં ચાલતા વેપારના કારણે ઝેરી દારૂનું ચલણ વધે છે ને લોકો મરે છે. સુપ્રીમ કોર્ટના કહેવાનો મતલબ એ છે કે, દારૂબંધી ના હોય તેના કારણે મરતાં લોકોથી વધારે મોત દારૂબંધી લદાતાં ખાનગીમાં બનતા ઝેરી દારૂ પીવાથી થાય છે તો પછી દારૂબંધીનો શો અર્થ ? 

સુપ્રીમ કોર્ટની વાત સાવ સાચી છે ને સુપ્રીમ કોર્ટે તો ઝેરી દારૂ બનતો રોકવા માટે શું કરવું તેના પગલાં પણ સૂચવ્યાં છે. તેની વાત કરતાં પહેલાં આ ચુકાદો આવ્યો એ કેસની વાત કરી લઈએ. મુંબઈના અંધેરીમાં છાયા બારમાં 1991માં વિનાશક લઠ્ઠાકાંડ થયો હતો. બારના માલિકો વધારે કમાણી કરવા માટે નકલી દારૂ વેચતા ને પોલીસની સાંઠગાંઠમાં આ ધંધો ચાલ્યા કરતો હતો. પોલીસને હપ્તો મળી જતો ને બારના માલિકોએ ટેક્સ નહોતો ચૂકવવો પડતો તેથી આ ગોઠવણ બરાબર કામ કરતી હતી પણ 1991માં થયેલા લઠ્ઠાકાંડે બધી પોલ ખોલી નાંખી. 

એ વખતે બારમાં પિરસાયેલા દારૂમાં મિથેનોલનું પ્રમાણ વધી ગયું તેથી દારૂ પીનારા 250 જેટલા લોકોમાંથી 93 મરી ગયા. આ ઘટનાએ ખળભળાટ મચાવી દીધેલલો એટલે સરકારે ઝેરી દારૂનું વેચાણ રોકવા શું કરવું તેનાં પગલાં સૂચવવા પી.આર. પાર્થસારથીની આગેવાની હેઠળ એક સમિતિ રચી દીધી. 

આ સમિતિએ લઠ્ઠાકાંડનાં કારણોની તપાસ કરીને કેટલાંક પગલાંની ભલામણ કરી હતી.  તેના આધારે સરકારે 2011માં મહારાષ્ટ્ર પોઈઝન્સ રૂલ્સ, 1972માં સુધારો કરીને  નિયમ 18અ અને 18ઇ રદ ઉમેર્યા.  મિથેનોલની ખરીદી અને સંગ્રહને નિયંત્રિત કરવા માટે બનાવાયેલા નિયમો હેઠળ બિન-દવા ઉત્પાદકોને વેચાણ કરતાં પહેલાં મિથેનોલમાં રંગ અને કડવો પદાર્થ ભેળવવો ફરજિયાત કરી દેવાયો હતો. 

આ નિયમો સામે સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી. અરજદારોની દલીલ હતી કે, મિથેનોલ માત્ર દવાઓ કે દારૂ બનાવવામાં જ નથી વપરાતો પણ ફોર્માલ્ડીહાઇડ, પેરાફોર્માલ્ડીહાઇડ, જંતુનાશકો, પેઇન્ટ, રેઝિન અને સુશોભન લેમિનેટ સહિત ઉત્પાદનો બનાવવામાં પણ વપરાય છે. મિથેનોલમાં ફરજિયાત બિટરન્ટ એટલે કે કડવાશ અને રંગ ઉમેરવાથી કાચો માલ બદલાઈ જશે તેથી ઔદ્યોગિક ઉત્પાદનોની ગુણવત્તા, સ્વીકાર્યતા અને વ્યાપારી કાર્યક્ષમતા પર અસર થશે. 

અરજદારોએ એવી દલીલ પણ કરી કે, નવા નિયમો હેઠના પ્રતિબંધો અપ્રમાણસર અને મનસ્વી છે તેથી બંધારણની કલમ 14 અને 19(1)(લ)નું ઉલ્લંઘન કરે છે. બંધારણની કલમ 14 સમાનતાનો અધિકાર આપે છે જ્યારે કલમ 19(1)(લ) કોઈ પણ વ્યવસાય કરવાની સ્વતંત્રતાનો અધિકાર આપે છે. 

સુપ્રીમ કોર્ટે આ દલીલો સ્વીકારીને મહારાષ્ટ્ર પોઈઝન્સ રૂલ્સ, 1972ના નિયમ 18અ અને 18ઇ રદ કરી દીધા છે. આ ચુકાદાની સાથે સુપ્રીમ કોર્ટે ઝેરી દારૂની સમસ્યાને નાથવા માટે કેટલાંક પગલાં પણ સૂચવ્યાં છે. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું છે કે, સિસ્ટમમાં વ્યાપેલો ભ્રષ્ટાચાર આ સમસ્યા માટે જવાબદાર છે તેથી પહેલાં તો આ ભ્રષ્ટાચારને બંધ કરાવવો પડે. મિથેનોલ ઉદ્યોગો અને દવા માટે જરૂરી છે પણ તેની ચોરી કરીને કે ઈરાદાપૂર્વક ગેરકાયદે રીતે દારૂ બનાવનારાં સુધી પહોંચાડાય છે તેમાં તંત્રનો ભ્રષ્ટાચાર મુખ્ય ભૂમિકા ભજવે છ એટલે ભ્રષ્ટાચાર બંધ ના થાય ત્યાં લગી કશું જ ના થાય. 

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારોને કેમિકલ સોલ્વન્ટ બનાવતી ઔદ્યોગિક એકમો પર નજર રાખવાની સલાહ આપી છે કેમ કે મુખ્યત્વે આ એકમો આ સોલ્વન્ટ ગેરકાયદે રીતે દારૂ બનાવનારાઓને વેચે છે. આ સિવાય મિથનોલની હેરફેર અલગ ટેન્કર અથવા ક્નટેનરમાં થવી જોઈએ એવું સૂચન પણ કર્યું છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે, તેનાથી મિથેનોલની ચોરી અથવા તેની જગ્યાએ અન્ય પદાર્થ ભરવાની શક્યતા દૂર થશે. કોર્ટે ગેરકાયદે રીતે દારૂની હેરફેર પર રોક લગાવવા માટે આંતરરાજ્ય સરહદો પર દેખરેખ વધારવા પણ સૂચન કર્યું છે. 

આ સૂચનો સારાં છે પણ તકલીફ એ છે કે, તેનો અમલ સુપ્રીમ કોર્ટે નથી કરવાનો પણ સરકારી તંત્રે કરવાનો છે. અત્યાર સુધીનો અનુભવ  કહે છે કે, સરકારી તંત્રને સુપ્રીમ કોર્ટ કે બીજાં કોઈનાં પણ સૂચનોનો અમલ કરવામાં રસ નથી પડતો કેમ કે અમલ કરવા જાય તો તેમની ઉપરની કમાણી જતી કરવી પડે. નકલી દારૂના કિસ્સામાં તો આ કમાણી તોતિંગ છે ને સિસ્ટમમાં બેઠેલા લગભગ તમામ લોકોની તેમાં ભાગબટાઈ હોય છે તેથી કોઈને તેમાં રસ નથી પડતો. 

નકલી દારૂની ફેક્ટરીઓ મોટા ભાગે રાજકારણીઓની હોય છે કે પછી તેમના આશીર્વાદથી ચાલતી હોય છે. આ ફેક્ટરીઓમાં મિથેનોલ સહિતનો કાચો માલ પોલીસ અને ફેક્ટરી ઈન્સ્પેક્ટર્સની રહેમ નજર હેઠળ પહોંચે છે. નકલી દારૂ તૈયાર થાય પછી સામાન્ય લોકો સુધી પણ પોલીસની રહેમનજર હેઠળ જ માલ પહોંચે છે. નકલી દારૂ વેચનારા સહિતના આખા નેટવર્ક પાસેથી પોલીસ ને નેતાઓ હપ્તા લે છે તેથી સુપ્રીમ કોર્ટ ગમે તેટલાં સારાં સૂચનો કરે તો પણ આ ધંધો બંધ થવાનો નથી. 

નકલી દારૂની સમસ્યા પાછી દારૂબંધી છે એ રાજ્યોમાં જ નથી પણ દારૂના વેચાણની છૂટ છે એ રાજ્યોમાં પણ છે. સરકારનો ટેક્સ ચૂકવ્યા વિનાનો સસ્તો દારૂ વેચીને કમાણી કરવા માટે બધે નકલી દારૂ બને જ છે. 

સુપ્રીમ કોર્ટનું કાયદાનું અર્થઘટન કરવાનું છે. એ દરમિયાન સુપ્રીમ કોર્ટ નૈતિક જવાબદારી સમજીને લોકોની ભલાઈની વાતો કરે છે એ સારું છે પણ તંત્રમાં બેઠેલા લોકો મગરની ચામ઼ડી ધરાવે છે તેથી તેમના પર કોઈ અસર થતી નથી. બધું પથ્થર પર પાણી છે. લઠ્ઠાકાંડના કારણે લોકો મરી જાય છે તો પણ તેમને કશો ફરક પડતો નથી તો પછી સુપ્રીમ કોર્ટ ટપારે તેની તો શું અસર થાય? 
વાતનો સાર એ જ કે, સુપ્રીમ કોર્ટે ફરજ બજાવી પણ તંત્રમાં બેઠેલા કશું નહીં કરે. પરિણામે ઝેરી દારૂનો વેપલો ચાલતો રહેશે ને લોકો મરતાં રહેશે.