નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે આજે આગામી ફિલ્મ 'યાદવ જી કી લવ સ્ટોરી'ના શીર્ષક પર પ્રતિબંધ મૂકવા અથવા તેનું નામ બદલવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી હતી. તેમજ આ નામ યાદવ સમુદાયને ખોટી રીતે દર્શાવતું ન હોવાનું જણાવ્યું હતું.
ન્યાયાધીશ બી વી નાગરત્ના અને ઉજ્જલ ભુયાનની ખંડપીઠે વિશ્વ યાદવ પરિષદના વડાની અરજી ફગાવી દીધી હતી. તેમણે રેકોર્ડ પરની સામગ્રીનો અભ્યાસ કર્યો હતો અને કહ્યું કે મુખ્ય ફરિયાદ એ હતી કે ફિલ્મનું નામ સમાજમાં યાદવ સમુદાયને ખોટી રીતે દર્શાવે છે.
ન્યાયાધીશ નાગરત્નાએ જણાવ્યું કે તેથી એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મનું નામ બદલવું જોઇએે. અમે એ સમજી શકતા નથી કે ફિલ્મનું શીર્ષક સમુદાયને ખોટી રીતે કઇ રીતે દર્શાવી શકે છે. ફિલ્મના શીર્ષકમાં ક્યાંય પણ એવું કોઇ વિશેષણ કે શબ્દ નથી જે યાદવ સમુદાયને ખરાબ રીતે દર્શાવતો હોય.
ખંડપીઠે આ આશંકાઓને સંપૂર્ણપણે પાયાવિહોણી ગણાવી હતી અને ઘૂસખોર પંડિત સાથે સંકળાયેલા આવા જ એક કેસમાં તેના અગાઉના આદેશથી અલગ અભિપ્રાય આપ્યો હતો. જેમાં કોર્ટે નિર્માતાને ફિલ્મનું શીર્ષક બદલવા કહ્યું હતું.