નવી દિલ્હી: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડને લાયકાત ધરાવતી મહિલાને એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં 'રિફિલિંગ હેલ્પર'ની નોકરી નહિ આપવા બદલ આંચકો લાગ્યો છે. આ કેસમાં સુપ્રીમ કોર્ટે ઈન્ડિયન ઓઈલને માત્ર મહિલા હોવાને લીધે નોકરી નહિ આપવી મહિલાનું અપમાન ગણાવ્યું છે. તેમજ મહિલાને રૂપિયા 12 લાખ વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે.
માત્ર લિંગના આધારે મહિલાને સમાન તક નકારવી તે અપમાન
સુપ્રીમ કોર્ટેની ખંડપીઠે અવલોકન કર્યું હતું કે માત્ર લિંગના આધારે મહિલાને સમાન તક નકારવી તે અપમાન છે. મહિલા હવે નિવૃત્તિની વયે પહોંચી ગઈ હોવાથી અદાલતે તેને નોકરી આપવાને બદલે વળતર આપવાનું યોગ્ય માન્યું હતું.
અધિકારીઓએ મહિલાને તે કામ માટે અયોગ્ય ગણી હશે
આ સુનાવણી દરમિયાન, ઈન્ડિયન ઓઈલે દલીલ કરી હતી કે સ્થાનિક સમિતિ દ્વારા તૈયાર કરવામાં આવેલી યાદી માત્ર ભલામણ હતી અને નિમણૂક માટે તે બંધનકર્તા નહોતી. કંપનીના વકીલે વધુમાં દલીલ કરી હતી કે 'રિફિલિંગ હેલ્પર'ની ભૂમિકામાં ગેસ સિલિન્ડર ઊંચકવા અને રાત્રિની પાળીમાં કામ કરવાનો સમાવેશ થાય છે. તેથી, અધિકારીઓએ કદાચ આ મહિલાને તે કામ માટે અયોગ્ય ગણી હશે.
સરકારી કંપની દ્વારા કરવામાં આવતું આવું વર્તન ગંભીર બાબત
જેની બાદ ન્યાયમૂર્તિ અરવિંદ કુમારે પૂછ્યું કે, શું તમે માત્ર એટલા માટે તેમની નિમણૂકનો ઇનકાર કર્યો કે તેઓ મહિલા છે. ન્યાયમૂર્તિ કુમારે ટિપ્પણી કરી કે આ મહિલાઓના અપમાન સમાન છે. તેમણે અવલોકન કર્યું કે જ્યારે સમાજ મહિલાઓના સન્માનની વાત કરે છે. ત્યારે સરકારી કંપની દ્વારા કરવામાં આવતું આવું વર્તન ગંભીર બાબત છે. અદાલતે નોંધ્યું કે મહિલાઓ દરરોજ ઘરમાં ગેસ સિલિન્ડર ઊંચકે છે અને પુરુષોની ગેરહાજરીમાં તેને બદલવાનું કામ પણ કરે છે.