Mon Jul 27 2026

Logo

સુપ્રીમ કોર્ટે  ઇમરજન્સી સેવાઓને 112  હેલ્પલાઇન નંબર સાથે જોડવા નિર્દેશ આપ્યો

2026-05-29 20:43:57
Author: Chandrakant Kanoja
Article Image

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે દેશની તમામ ઇમરજન્સી સેવાઓને ફક્ત '112' હેલ્પલાઇન નંબર સાથે જોડવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે તમામ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોને તમામ ઇમરજન્સી નંબરોને 112 હેઠળ લાવવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે તેની માટે ત્રણ મહિનાનો સમય આપ્યો છે.  સુપ્રીમ કોર્ટની  બેન્ચે નિર્દેશ આપ્યો કે બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો ત્રણ મહિનાના સમયગાળામાં તમામ કટોકટી/એમ્બ્યુલન્સ હેલ્પલાઇન - 100 , 101, 108, 102, 1033, 1091  વગેરે ને હેલ્પલાઇન 112 માં એકીકૃત કરવાનું પૂર્ણ કરે. 

પીએમ રિલીફ કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમના અમલનો પણ નિર્દેશ 

સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને દેશભરમાં એક મજબૂત ટ્રોમા કેર સિસ્ટમ વિકસાવવાનો નિર્દેશ આપ્યો છે. આ પહેલના ભાગ રૂપે બધી ઇમરજન્સી હેલ્પલાઇન સેવાઓને એક જ નંબર 112 માં સંકલિત કરવાની છે. તેમજ પીએમ રિલીફ કેશલેસ ટ્રીટમેન્ટ સ્કીમનો અસરકારક રીતે અમલ થવો જોઈએ. 'ગુડ સમરિટન સ્કીમ'નો પણ અસરકારક રીતે અમલ કરવા નિર્દેશ આપ્યો છે. 

તબીબી સહાયમાં સુધારો કરવાની માંગ 

સેવલાઇફ ફાઉન્ડેશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીની સુનાવણી દરમિયાન જસ્ટિસ જે.કે. મહેશ્વરી અને જસ્ટિસ અતુલ એસ. ચાંદુરકરની  બેન્ચે આ નિર્દેશ આપ્યો હતો. અરજદારે માર્ગ અકસ્માતોને લગતા કેસોમાં માર્ગ સલામતી અને કટોકટી તબીબી સહાયમાં સુધારો કરવાની માંગ કરી હતી.

અકસ્માતોના કેસોમાં તાત્કાલિક કાર્યવાહી ખૂબ જ જરૂરી 

આ દરમિયાન  બેન્ચે અવલોકન કર્યું કે માર્ગ અકસ્માતોના કેસોમાં તાત્કાલિક કાર્યવાહી ખૂબ જ જરૂરી  છે. સુપ્રીમ કોર્ટે એ પણ નોંધ્યું હતું કે, ઘણી વાર, જાહેર જનતા કાનૂની કાર્યવાહીમાં ફસાઈ જવાના ડરથી કટોકટી સેવાઓને ફોન કરવામાં અચકાય છે. પરિણામે  લોકોને એવી આશંકા છે કે તેમને પછીથી પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવશે અને કેસમાં સાક્ષી પણ બનાવવામાં આવશે.