Sun Aug 30 2026

Logo

આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વિનાશકારી અને ન્યાય ક્ષેત્ર માટે 'ખતરો': સુપ્રીમ કોર્ટ

2026-07-02 15:09:37
Author: Mayur Patel
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) વિનાશકારી અને ન્યાય ક્ષેત્ર માટે 'ખતરો': સુપ્રીમ કોર્ટ

AIના દુરુપયોગની તુલના ભોપાલ ગેસ દુર્ઘટનાના ઝેરી ગેસ સાથે કરી, NCLTનો ચુકાદો  રદ્દ

નવી દિલ્હીઃ હાલ દેશમાં તમામ જગ્યાએ AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ)નો ઉપયોગ વધી રહ્યો છે. AIના વધતાં ઉપયોગ સામે હવે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ સવાલ ઉઠાવવામાં આવ્યો છે અને કેટલાક મામલામાં તેને વિનાશકારી ગણાવ્યો હતો. કોર્ટે AIનો ખોટો ઉપયોગ કરવા બદલ  NCLT (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ)ના એક નિર્ણયને લઈ ચિંતા વ્યક્ત કરી હતી. 

સુપ્રીમ કોર્ટે આ ચુકાદા દરમિયાન એવી પણ ચેતવણી આપી હતી કે AIનો ઉપયોગ પ્રોફેશનલ્સને સંપૂર્ણ રીતે તેના પર નિર્ભર બનાવી શકે છે, જે ખતરનાક સાબિત થઈ શકે છે. AIના દરેક લેવલમાં વ્યક્તિની દખલ જરૂરી હોવાનું પણ કોર્ટે જણાવ્યું હતું. 

એક કંપનીના NCLTના ચુકાદાને રદ્દ કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ન્યાયના દરેક સ્તર પર વ્યક્તિનું સંપૂર્ણ નિયંત્રણ ફરજિયાત રીતે રહેવું જોઈએ. કોર્ટે કહ્યું કે, NCLTએ એવા ચુકાદાઓ અને જૂના ઉદાહરણો પર ભરોસો કર્યો હતો જે વાસ્તવમાં અસ્તિત્વમાં જ નહોતા, તેને AIની મદદથી બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત, ચુકાદાની વાતો ઉપજાવી કાઢેલી તથા નકલી હતી.

સુપ્રીમ કોર્ટે AIના ખોટા ઉપયોગની સરખામણી ખતરનાક અને ઝેરી ગેસ મિથાઈલ આઈસોસાઈનેટ સાથે કરી હતી. કોર્ટે કહ્યું કે AIનું આ સ્વરૂપ, એટલે કે નકલી, કાલ્પનિક અને ખોટી સામગ્રી તૈયાર કરવી અને કાયદામાં તેનો ઉદાહરણ તરીકે ઉપયોગ કરવો, એ ન્યાયના ક્ષેત્રમાં 'મિથાઈલ આઈસોસાઈનેટ' છોડવા સમાન છે. AI અદ્રશ્ય, કપટી અને વિનાશકારી છે.