Sun Jul 26 2026

Logo

OBC ક્રીમી લેયર નક્કી કરવા આવક જ એકમાત્ર માપદંડ ન હોઈ શકે; સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય

2026-03-12 14:05:51
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બુધવારે અન્ય પછાત વર્ગો (OBC) માં ક્રીમી લેયર અંગે મહત્વપૂર્ણ અવલોકન કર્યું હતું. કોર્ટે કહ્યું કે OBC માં ક્રીમી લેયર નિર્ધારણ સરકારી કર્મચારીઓ અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓના બાળકો માટે સમાન હોવું જોઈએ.

અગાઉ સરકારી કર્મચારીઓ અને જાહેર ક્ષેત્રના ઉપક્રમો માટે ક્રીમી લેયર નક્કી કરવા માટે ત્રણ ઉચ્ચ હાઈકોર્ટોએ ચુકાદા આપ્યા હતાં. સરકારે હાઈકોર્ટોના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટે અવલોકન કર્યું કે OBC ક્રીમી લેયરનો દરજ્જો નક્કી કરવા માટે માતાપિતાની આવક એકમાત્ર માપદંડ ન હોઈ શકે.

ન્યાયાધીશ પીએસ નરસિંહા અને આર મહાદેવનની બેન્ચ આં મામલાની સુનવણી કરી રહી છે. બેન્ચે જણાવ્યું હતું કે, “ખરેખર પછાત લોકો માટેનાં લાભો વિકસિત વર્ગો ન લઇ શકે એ સુનિશ્ચિત કરવાનાં હેતુ માટે ક્રીમી લેયરને બાકાત રાખવામાં આવે છે. ઓબીસીમાં સમાન સામાજિક વર્ગના સમાન સ્થાન ધરાવતા સભ્યો વચ્ચે ભેદભાવ ઉભો કરવાનો હેતુ નથી."

શું છે મામલો?
અગાઉ મદ્રાસ હાઈ કોર્ટ, દિલ્હી હાઈ કોર્ટ અને કેરળ હાઈ કોર્ટએ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) પરીક્ષામાં મળેલા માર્ક્સને આધારે સિવિલ સર્વિસીસમાં પ્રવેશ મેળવવા માંગતા ત્રણ OBC ઉમેદવારોના કેસો અંગે સુનવણી કરી હતી. UPSCએ ત્રણેય ઉમેદવારો ક્રીમી લેયરમાં આવતા હોવાનું જણાવ્યું હતું. કોર્ટે  કેન્દ્રને નિર્દેશ આપ્યો હતો કે તેમને OBC નોન-ક્રીમી લેયર તરીકે ગણવામાં આવે.

હાઈકોર્ટે તારણ કાઢ્યું હતું કે જાહેર ક્ષેત્રના સાહસો અને ખાનગી ક્ષેત્રમાં કામ કરતા OBC માતાપિતાના બાળકો માટે ક્રીમી લેયર નક્કી કરવાની બાબતમાં તેમની સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. હાઈ કોર્ટે જણાવ્યું કે નિર્ણય ફક્ત ઉમેદવારના માતાપિતાના દરજ્જા અથવા પદ પર આધારિત હોવો જોઈએ, ફક્ત તેમની આવક પર નહીં. 

સુપ્રીમ કોર્ટે હાઈ કોર્ટના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું, "1993ના MO મુજબ માતાપિતાની પોસ્ટ્સની શ્રેણીઓ અને સ્થિતિને ધ્યાનમાં લીધા વગર, ફક્ત આવક આધારે ક્રીમી લેયર દરજ્જો નક્કી કર્વોએ કાયદા મુજબ યોગ્ય છે.”

સુપ્રીમ કોર્ટે કહ્યું કે સમાન પછાત વર્ગના એક વર્ગને નુકસાન પહોંચાડે, તેવું અર્થઘટન અપનાવવું એ "સમાન લોકોને અસમાન" ગણવા જેવું ગણાશે.