નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ ૩૧ ઓગસ્ટના સોમવારના એક અરજી પર સુનાવણી કરશે. આ અરજીમાં રાજકીય પક્ષોને ૨,૦૦૦ રૂપિયાથી ઓછાનું રોકડ દાન લેવાની મંજૂરી આપતી ઇનકમ ટેક્સ એક્ટની માન્યતાને પડકારવામાં આવી છે.
સુપ્રીમ કોર્ટની ૩૧ ઓગસ્ટની કોઝ લિસ્ટ અનુસાર આ અરજી ન્યાયાધીશ વિક્રમ નાથ અને સંદીપ મેહતાની ખંડપીઠ સમક્ષ સુનાવણી માટે આવશે. ગત વર્ષે ૨૪ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટે અરજી પર સુનાવણી કરવા માટે સંમતિ વ્યક્ત કરી હતી. તેમજ આ અંગે કેન્દ્ર અને અન્યો પાસેથી જવાબ માંગ્યો હતો.
અરજીમાં જણાવાયું છે કે પારદર્શિતાનો અભાવ ચૂંટણી પ્રક્રિયાની શુદ્ધતાને નબળી પાડે છે કારણ કે તે મતદારોને રાજકીય ભંડોળના સ્ત્રોતો વિશે મહત્વપૂર્ણ માહિતીથી વંચિત રાખે છે. જેમાં દાતાઓ અને તેના હેતુઓ સામેલ છે. જેથી મતદારો મતદાન કરતી વખતે તર્કસંગત, બુદ્ધિશાળી અને માહિતી સાથે નિર્ણયો લઇ શકતા નથી.
ખેમ સિંહ ભાટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ચૂંટણી પંચને રાજકીય પક્ષની નોંધણી અને ચૂંટણી ચિહ્નની ફાળવણી માટે એવી શરત મૂકવાનો નિર્દેશ આપવાની માંગ કરવામાં આવી છે કે કોઇપણ રાજકીય પક્ષ રોકડમાં એકેય રકમ મેળવી શકે નહીં.
આ અરજીમાં ઇનકમ ટેક્સ એક્ટ, ૧૯૬૧ની કલમ ૧૩એના ક્લોઝ(ડી)ને ગેરબંધારણીય ગણાવતા તેને રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. જેમાં સુપ્રીમ કોર્ટના ૨૦૨૪ના એ નિર્ણયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જેમાં ચૂંટણી બોન્ડ સ્કીમને રદ કરવામાં આવી હતી. આ કાયદાની કલમ ૧૩એ રાજકીય પક્ષોની આવક સાથે જોડાયેલી ખાસ જોગવાઇઓ સાથે સંબંધિત છે.