Sun Mar 08 2026

Logo

અભિષેક શર્માની બૅટિંગ જોઈને ગાવસકરને શું નવાઈ લાગી?

1 week ago
Author: Ajay Motiwala
Article Image

નવી દિલ્હીઃ ટી-20નો વર્લ્ડ નંબર-વન અને આક્રમક બૅટ્સમૅન અભિષેક શર્મા (Abhishek Sharma) ટી-20 વર્લ્ડ કપમાં શરૂઆતની ત્રણેય લીગ મૅચમાં શૂન્યમાં આઉટ થયો અને ચોથી મૅચમાં માંડ 15 રન કર્યા એટલે તેને ગુરુવારની ઝિમ્બાબ્વે સામેની મૅચમાં નહીં રમાડવામાં આવે એવી શક્યતા હતી, પણ તેને વધુ એક મોકો મળ્યો અને તેના પ્રભાવ કરતાં સાવ જુદા જ અભિગમ સાથે મેદાન પર ઊતર્યો હતો જેનાથી બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકર (Gavaskar)ને ખૂબ નવાઈ લાગી હતી.

ગુરુવારે ઝિમ્બાબ્વે સામે ભારતના છ બૅટ્સમેનને બૅટિંગનો મોકો મળ્યો હતો અને એ બધામાંથી અભિષેક શર્મા (પંચાવન રન, 30 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) પાછો અસલ ફૉર્મમાં આવી ગયો હતો. ગાવસકરે એક જાણીતી ઍપ સાથેની વાતચીતમાં કહ્યું, `અભિષેકને ડિફેન્સિવ શૉટ રમતો જોઈને મને ખૂબ નવાઈ લાગી હતી. અભિષેક કેટલો બધો સારો બૅટ્સમૅન છે એ આપણે બધા સારી રીતે જાણીએ જ છીએ. તેણે ઝિમ્બાબ્વે સામે પંચાવન રન બનાવીને ટીકાકારોને ચૂપ કરી દીધા. તેણે પોતાની ખરી ઇનિંગ્સ શરૂ કરવા માટે થોડો વધુ સમય લીધો હતો. મને તેની એ પદ્ધતિ ઠીક લાગી. તેણે ઑફ સ્પિનર સામે સાવચેતી રાખી હતી. તેના બૉલમાં ખોટું જોખમ ઉઠાવવાનું ટાળ્યું હતું અને મનને શાંત તથા સ્થિર રાખીને ઇનિંગ્સને આગળ વધારી હતી.'

અભિષેક નવું-નવું શીખી રહ્યો છે

ગાવસકરે એવું પણ જણાવ્યું હતું કે `અભિષેક સારા ડિફેન્સિવ શૉટ રમ્યો હતો. એ જોઈને મને નવાઈ લાગી, કારણકે સામાન્ય રીતે આપણને તેની આવી બૅટિંગ જોવા નથી મળતી હોતી. મને લાગે છે કે તે કંઈકને કંઈક નવું શીખી રહ્યો છે. બૅક-ટુ-બૅક મૅચમાં રન ન બન્યા હોય એવો ખરાબ તબક્કો તો દરેક ક્રિકેટની કરીઅરમાં આવતો હોય છે. એ તબક્કામાં તમે કેટલું શીખો છો એ જરૂરી છે. અભિષેકે ઘણું નવું શીખી લીધું છે અને મારું માનવું છે કે આવનારી બે મૅચમાં (ખાસ કરીને રવિવારે કોલકાતામાં વેસ્ટ ઇન્ડિઝ સામે) તે આ નવી શીખ પરથી વધુ સારું રમશે.'

PTI

ગાવસકરે થોડા દિવસ પહેલાં ટકોર કરેલી

અભિષેક લાગલગાટ ત્રણ મૅચમાં ઝીરોમાં આઉટ થયો ત્યાર પછી ગાવસકરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે `અભિષેકે પહેલા બૉલથી જ ચોગ્ગો-છગ્ગો મારવાની આદત છોડી દેવી જોઈએ. તેણે એકાદ-બે ઓવર કાઢી નાખવી જોઈએ અને પછી પોતાની ખરી સ્ટાઇલમાં રમવાનું શરૂ કરવું જોઈએ.'

સૅમસનને રમાડીને ભારતે ભૂલ સુધારી

ટેસ્ટ-ક્રિકેટમાં 10,000 રનની સિદ્ધિ હાંસલ કરનાર પ્રથમ ક્રિકેટર સુનીલ ગાવસકરે કહ્યું કે `સાઉથ આફ્રિકા સામેની મૅચમાં ભારતીય ટીમ ભાંગી પડી હતી, પણ ઝિમ્બાબ્વે સામેની મૅચમાં આ ટીમે ઝડપથી ઘણું શીખી લીધું. સંજુ સૅમસનને રમાડીને ટીમ ઇન્ડિયાએ ભૂલ સુધારી લીધી. ઓપનિંગમાં લેફ્ટી-રાઇટી કૉમ્બિનેશનની ખાસ જરૂર હતી અને એ ટીમ ઇન્ડિયાએ એવું કરીને યોગ્ય નિર્ણય લીધો. સૅમસને ટીમના હિતમાં બિગ શૉટ મારવા જતાં વિકેટ ગુમાવી હતી. એ પહેલાં તેણે ટીમને સારી શરૂઆત કરાવી આપી હતી. ટી-20 વર્લ્ડ કપની મૅચમાં આવું ફ્લાઇંગ-સ્ટાર્ટ જરૂરી હોય છે.'